વોટર પ્લાન્ટ માટે 12 કરોડની લોન અપાવાના નામે વડોદરા આવેલી ટોળકીનો પર્દાફાશ, 6 ની ધરપકડ, 30.60 લાખનો મુદ્દામાલ જપ્ત | Gang busted from Pune to Vadodara in the name of getting loan of 12 crores for water plant, 6 arrested, 30.60 lakhs worth seized | Times Of Ahmedabad

વડોદરા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લોન અપાવવાના નામે છેતરપિંડી કરવા વડોદરા આવેલી પુનાની ટોળકી ઝબ્બે

વોટર પ્લાન્ટ માટે રૂપિયા 12 કરોડની લોન અપાવવાની લાલચ આપી પૂનાના વેપારીને વડોદરા બોલાવી રૂપિયા 20 લાખ પડાવી લેનાર પૂના-મહારાષ્ટ્રની ભેજાબાજ ટોળકીનો સયાજીગંજ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સુત્રધાર સહિત 6 ભેજાબાજોની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ટોળકીએ વેપારીના પડાવી લીધેલા 20 લાખે પૈકી 15 લાખ કબ્જે કરવા સાથે રૂપિયા 30.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્ર દ્વારા ભેજાબાજનો સંપર્ક
આ સનસનીખેજ લોન કૌંભાડની માહિતી આપતા નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, પૂનામાં રહેતા પ્રશાંત નન્નાવડે પૂના ખાતે વોટર પ્લાન્ટ નાંખવાનો હતો. તેઓને રૂપિયા 12 કરોડની જરૂરીયાત હતી. તેઓ પ્રાઇવેટ ફાઇનાન્સ અથવા લોન માટે પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન તેઓને તેમના મિત્ર દ્વારા ભેજાબાજ ટોળકીના સુત્રધાર રોહિત ભીમરાવ જાદવ (રહે. સીરંગાવ ભોસલેનગર, બોહન ફેસ-2, 702, બદલાપુર ઇસ્ટ, તા. અંબરનાથ, જિ. થાણે, મહારાષ્ટ્ર)નો સંપર્ક થયો હતો.

નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા

નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા

ફેસબુક ઉપર જાહેરાત આપતો હતો
લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર ટોળકીનો સુત્રધાર રોહિત જાદવે લોન લેવા માટે ફરતા જરુરીયાત મંદોનો શિકાર શોધવા પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પ્રાઇવેટ ફાઇનાન્સ માટેની જાહેરાત કરતો હતો. વેપારી પ્રશાંતનો સંપર્ક રોહિત સાથે થયા બાદ બંને વચ્ચે લોન લેવા માટે સીલસીલો શરૂ થઇ ગયો હતો. સતત બે માસ સુધી પુનામાં વેપારી પ્રશાંત નન્નાવડે અને રોહિત જાદવ વચ્ચે મિટીંગ થઇ હતી અને આખરી મીટીંગમાં ભેજાબાજ રોહિત જાદવે રૂપિયા 12 કરોડની લોન થઇ જશે તેવી ખાતરી આપી હતી.

20 લાખ પ્રોસેસ ચાર્જ બતાવ્યો
દરમિયાન ભેજાબાજ રોહિત જાદવે વેપારી પ્રશાંતને જણાવ્યું હતું કે, રૂપિયા 12 કરોડની લોન સામે રૂપિયા 20 લાખ પ્રોસેસના તૈયાર રાખવા પડશે અને તે માટે વડોદરામાં બેંક મેનેજર અજીત જોશી સાથે મીટીંગ કરવી પડશે. રૂપિયા 20 લાખ તેઓને આપ્યા બાદ રૂપિયા 12 કરોડ તમોને મળી જશે. પ્રશાંતે ભેજાબાજ રોહિતની તમામ શરતો માન્ય રાખી હતી. અને શક્ય તેટલી વહેલી તકે લોન મળે તે માટે રોહિત જાદવને જણાવ્યું હતું.

સયાજીગંજ પી.આઇ. આર.જી. જાડેજા અને નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા

સયાજીગંજ પી.આઇ. આર.જી. જાડેજા અને નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડા

વેપારી ટોળકીની ચુંગાલમાં ફસાતો ગયો
વેપારી પ્રશાંત નન્નાવડે સંપૂર્ણ રીતે ભેજાબાજ રોહિતની ચુંગાલમાં ફસાઇ ગયા બાદ વડોદરામાં તા.5 માર્ચ-023ના રોજ બેંક મેનેજર તરીકેની ભૂમિકા ભજવનાર અજીત જોશી સાથે મીટીંગનું આયોજન કર્યું હતું. તા. 4 એપ્રિલના રોજ ભેજાબાજ રોહિત જાદવ, કાર ચાલક દિપક ગુલાબરાય જયસ્વાણી, અમર ગુલાબરાય જયસ્વાણી (બંને રહે. 301, મોહિત એપાર્ટમેન્ટ, ઉલ્લાસનગર કેમ્પ નંબર-2, મહારાષ્ટ્ર) અને યશ હેમરાજ રાવલ (રહે. 102, બયાન્ગ હિલ્સ ઘોડાબંદર, થાણે મહારાષ્ટ્ર) કારમાં વડોદરા આવી પહોંચ્યા હતા. તે સાથે પ્રશાંત નન્નાવડે પણ રૂપિયા 20 રોકડા લઇ વડોદરા આવી પહોંચ્યો હતો.

વડોદરાની હોટલમાં મીટીંગ થઇ
પૂર્વ આયોજન પ્રમાણે રોહિત જાદવ સયાજી ગંજમાં એક હોટલમાં પોતાની ટોળકી સાથે રોકાયો હતો અને તા. 5 એપ્રિલના રોજ વેપારી પ્રશાંત નન્નાવડેને હોટલમાં બેંક મેનેજર અજીત જોષી સાથે મિટીંગ કરવાના નામે બોલાવ્યો હતો. પ્રશાંત નન્નાવડે રૂપિયા 20 લાખ લઇ હોટલમાં પહોંચી ગયો હતો. હોટલમાં ગયા બાદ પ્રશાંતે રૂપિયા 12 કરોડ બતાવવાનું જણાવતા ટોળકીએ કોરા કાગળો ભરેલો કોથળો બતાવ્યો હતો. પરંતુ, પ્રશાંતે કોથળામાંથી રોકડ રકમ કાઢીને બતાવવા જતા ટોળકી બતાવવા તૈયાર થઇ નહોતી.

ટોળકીના બે સાગરીતો પોલીસ બન્યા
આ ઘટનાક્રમ દરમિયાન વેપારી પ્રશાંત પાસેથી રૂપિયા 20 લાખ આંચકી લેવા માટે રોહિત જાદવની ટોળકીનાજ બે સાગરીતો પોલીસ બનીને આવી પહોંચતા પ્રશાંત ગભરાઇ ગયો હતો. આ સમય દરમિયાન તેણે વડોદરા પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રશાંત સ્થાનિક પોલીસને સંપર્ક સાધે તે પહેલાં ટોળકી પ્રશાંત નન્નાવડે પાસેના રૂપિયા 20 લાખ લઇ હોટલમાંથી રવાના થઇ ગયા હતા.

પોલીસે નાકાબંધી કરી
દરમિયાન પ્રશાંત નન્નાવડેનો સંપર્ક સ્થાનિક પોલીસ સાથે થતાં તેઓએ પોતાની હકીકત જણાવી હતી. તુરંત જ સયાજીગંજ પોલીસ મથકના પી.આઇ. આર.જી. જાડેજાએ વડોદરા પોલીસ કંટ્રોલમાં જાણ કરી નાકાબંધી કરાવી દીધી હતી અને ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો શરૂ કરી દીધા હતા. આ સમય દરમિયાન કારમાં નાસી છૂટેલી ટોળકીને નવસારી ખાતેથી ઝડપી પાડી વડોદરા લાવવામાં આવી હતી.

ટોળકી પાસેથી 15 લાખ રીકવર
નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભેજાબાજ ટોળકીએ પૂનાના વેપારી પ્રશાંત નન્નાવડેની મિટીંગ માટે વડોદરાના ભૂતડી ઝાંપા પાસે આવેલી એક ઓફિસ તૈયાર રાખી હતી. અને ત્યાં બેંક મેનેજરનો રોલ ભજવનાર અજીત જોષી નામના વ્યક્તિને પણ તૈયાર રાખ્યો હતો. જોકે, ટોળકી પ્રશાંતની ભૂતડીઝાંપા ખાતેની બોગસ ઓફિસમાં બેંક મેનેજર સાથે મિટીંગ કરાવે તે પહેલાં રૂપિયા 20 લાખ લઇ ફરાર થઇ ગઇ હતી. આ ભેજાબાજ ટોળકીએ આ કાવતરાને પાર પાડવા માટે વડોદરામાં રહેતા વિક્રમ વિજય પવાર (રહે. જયભવાની મંદિર પાસે કોમન પ્લોટમાં રાઘવ પાર્ક સોસાયટી, મીરા ચાર રસ્તા હરણી રોડ)ની મદદ લીધી હતી. સયાજીગંજ પોલીસે આ બનાવમાં ટોળકી પાસેથી રૂપિયા 15 લાખ રોકડા, 20 મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂપિયા 30, 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, 5 લાખ લઇ ટોળકીના અન્ય સાગરીતો ફરાર થઇ ગયા હતા.

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ

1. રોહિત ભીમરાવ જાદવ (રહે. સીરંગાવ ભોસલેનગર, બોહન ફેસ-2, 702, બદલાપુર ઇસ્ટ, તા. અંબરનાથ, જિ. થાણે, મહારાષ્ટ્ર) 2.દિપક ગુલાબરાય જયસ્વાણી, (રહે. 301, મોહિત એપાર્ટમેન્ટ, ઉલ્લાસનગર કેમ્પ નંબર-2, મહારાષ્ટ્ર) 3. અમર ગુલાબરાય જયસ્વાણી (રહે. 301, મોહિત એપાર્ટમેન્ટ, ઉલ્લાસનગર કેમ્પ નંબર-2, મહારાષ્ટ્ર) 4. યશ હેમરાજ રાવલ (રહે. 102, બયાન્ગ હિલ્સ ઘોડાબંદર, થાણે મહારાષ્ટ્ર) 5.નિર્ભયસીંગ કેવલસીંગ હુંજન (રહે. રૂમન નંબર-4, સેક્ટર-36, કરાવે નવી મુમ્બઇ, મહારાષ્ટ્ર) 6. વિક્રમ વિજય પવાર (રહે. જયભવાની મંદિર પાસે કોમન પ્લોટમાં રાઘવ પાર્ક સોસાયટી, મીરા ચાર રસ્તા હરણી રોડ)

વોન્ટેડ આરોપીઓ
1. બેંક મેનેજરની ભૂમિકામાં સમાવેશ અજીત જોષી
2. પ્રકાશ ઠાકોર
3. જય સંતોષે
4. અન્ય બે આરોપી

અલગ-અલગ ભૂમિકા ભજવી
નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, પૂના-મહારાષ્ટ્રની આ ભેજાબાજ ટોળકી બેંક મેનેજર તરીકે જે અજીત જોષીનું નામ આપતી હતી, તે ખરેખર બેંક મેનેજર છે અને તેના અન્ય બે સાગરીતો કોણ છે? તે દીશામાં તપાસ ચાલી રહી છે. ઉપરાંત ભૂતડીઝાંપા પાસે જે ઓફિસ બતાવવામાં આવી હતી. તે ઓફિસના માલિક કોણ છે અને આ ટોળકી સાથે તેઓની સંડોવણી છે કે કેમ?

તે દીશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ટોળકીના ઝડપાયેલા 6 સાગરીતો પૈકી યશ હેમરાજ રાવલ બેંક એક્સપર્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. જ્યારે નિર્ભયસીંગ હુંજન વોચર તરીકેની ભૂમિકા ભજવતો હતો.

સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ
આ કૌંભાડ અંગેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે. આ કૌંભાડની વધુ તપાસમાં હજુ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને તેઓના વધુમાં વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમ પી.આઇ. આર.જી. જાડેજાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post