વડોદરા2 કલાક પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલી જમીનના બે પ્લોટોના માલિક ન હોવા છતાં માલિક હોવાનું જણાવી વડોદરાના પ્રજાપતિ દંપતી પાસેથી સયાજીપુરાના ભૂમાફિયાએ રૂપિયા 36 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોતાના નાણાં પરત માગતા આરોપીએ રૂપિયા 32 લાખના ચેક આપ્યા હતા. આ તમામ ચેક રિટર્ન ગયા હતા. આથી દંપતીએ વડોદરા કોર્ટમાં તેઓના ધારાશાસ્ત્રી મારફત ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 13 મહિનાની સજા અને રૂપિયા 6.40 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.
આરોપી સાથે સંપર્ક થયો
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી 10, શાંતિવન સોસાયટીમાં ગીતાબેન જાદવભાઇ પ્રજાપતિ અને જાદવભાઇ એલ.પ્રજાપતિ રહે છે. તેઓને પ્લોટ ખરીદવા હતા. તેમનો સંપર્ક નવઘણ ભોપા ભરવાડ (રહે. સાગર ફિલ્મ સિટીની બાજુમાં, સયાજીપુરા, આજવા રોડ, વડોદરા) સાથે થયો હતો.
માલિકીના પ્લોટ હોવાનું કહ્યું
નવઘણ ભરવાડે પ્લોટ ખરીદવા માગતા પ્રજાપતિ દંપતીને સયાજીપુરામાં સરવે નં. 38માં આવેલી પિકનિક પાર્ક સોસાયટી સ્થિત પ્લોટ નં. 50 અને 51 પોતાની માલિકીના હોવાનું જણાવ્યું હતું. દંપતીને રૂપિયા 36 લાખમાં વેચી આપવા કહ્યું હતું. દંપતીએ બંને પ્લોટ લેવા માટે તૈયારી બતાવી હતી. સોદો નક્કી થયા બાદ નવઘણ ભરવાડે ગીતાબેન અને જાદવભાઇ પ્રજાપતિના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો અને તેના પેટે રૂપિયા 36 લાખ લીધા હતા.
કોર્ટમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન પ્રજાપતિ દંપતિને નવઘણ ભરવાડે છેતરપિંડી કરી હોવાની જાણ થતાં તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. બાદમાં વર્ષ-2019માં નવઘણ ભરવાડે દંપતી સાથે સમાધાન કરી રૂપિયા 32 લાખના ચેક આપ્યા હતા. આ તમામ ચેક દંપતીએ બેંક એકાઉન્ટમાં નાંખતા રિટર્ન ગયા હતા. ચેક રિટર્ન ગયા બાદ દંપતીએ તેઓના ધારાશાસ્ત્રી એન.જે. મિશ્રા દ્વારા કોર્ટમાં કલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
વળતર ચૂકવવા પણ હુકમ
આ ચેક રિટર્નની ફરિયાદનો કેસ વડોદરાના 34મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષના વકીલોની દલિલો સાંભળ્યા બાદ આરોપી નવઘણ ભોપા ભરવાડને કસુરવાર ઠેરવી 13 મહિનાની કેદ અને છ માસમાં વળતર પેટે રૂપિયા 6.40 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.