ભાવનગર3 કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતીતળાવના અલંગના ભંગારના ડેલાઓમા આસામીઓ ઉપરાંત મફતનગર વિસ્તારમાં રહેતા લોકોએ કોર્પોરેશન તથા સરકારી માલિકીની જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જાઓ વાળી લાંબા સમયથી દબાણ કર્યું હતું. જેથી દબાણશાખાની ટીમે દબાણોને ધરમૂળથી દૂર કરી સરકારી માલિકીની જમીનો હસ્તગત કરવા સાથે રોડને દબાણ મુક્ત કરવાનું મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે.

દબાણો દૂર કરવાની કામગીરી શરૂ
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમોએ આજથી ચાર-પાંચ દિવસ પહેલા કુંભારવાડાના મોતીતળાવ તથા વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાથી દબાણો દૂર કર્યાં હતાં એ સમયે બાકી રહેલ દબાણો મુદ્દે આસામીઓને જમીન ખાલી કરવા સાથોસાથ અન્ય દબાણો અને સરસામાન હટાવી લેવા તાકીદ સાથે નોટિસ ફટકારી હતી, પરંતુ કુંભારવાડાથી મોતીતળાવને જોડતો 45 મીટરનો રોડ દબાણ કર્તા આસામીઓએ ખાલી ન કરતાં આજરોજ સવારથી જ ટાઉન પ્લાનિંગ વિભાગ તથા દબાણ હટાવ સેલની ટીમના અધિકારીઓ સાથે કર્મચારીઓની ટીમો ફરી દબાણ વાળા સ્થળે પહોંચી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

15થી 20 દબાણો દૂર કરાયા
અલંગના ભંગારના ડેલા ધારકોના રોડપરથી 15થી 20 દબાણો દૂર કરાયા હતા, અને 45 મીટરનો રોડ તથા સર્વિસ રોડ સુરક્ષિત કરી કોર્પોરેશન સિવાય સરકારી માલિકીની જમીનની પણ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી આ જમીન પર પ્લોટીંગ કરી આ પ્લોટીંગ વેચાણ કરવામાં આવશે તેમ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહએ જણાવ્યું હતું.

