અમદાવાદ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઉનાળાની સિઝનની શરૂઆત થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક ફૂડ અને લાયસન્સ વગર દુકાન ચલાવતા હોવાથી હોટલ-રેસ્ટોરન્ટ સહિત દુકાનો કુલ 14 જગ્યાને સીલ કરવામાં આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં હોસ્પિટલ પાસે આવેલા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, પાલડી પાસે આવેલા પીઝા ઝોન, ઠક્કરબાપાનગરમાં મોહનથાળ ભોજનાલય, ગોતા વિસ્તારમાં આવેલા જુગારી અડ્ડા સહિતની જગ્યાએ સીલ કરવામાં આવી છે.
લાયસન્સ વગરની ચાલતી દુકાનો પર ફૂડ વિભાગના દરોડા
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે, તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 1659 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ વગરની ચાલતી 14 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. ખાદ્યચીજોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મેંગો મિલ્કશેક, કેરીનો રસના – 31, લસ્સી- પનીર- ઘીના 07, આઈસ્ક્રીમ- લસ્સી- શિકનજી શરબતના – 96, બેકરી પ્રોડક્ટના – 01, મસાલાના- 19, ખાદ્યતેલના – 01 વગેરેના કુલ 173 નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી થશે
છેલ્લા એક અઠવાડિયામાં 1659 જેટલી વિવિધ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 771ને નોટિસ આપી હતી. 2224 કિલોગ્રામ અને 3132 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 278 ટીપીસી ટેસ્ટ કર્યા હતા. જ્યારે 3.30 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મૂળ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.