રાજકોટ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેરના જામનગર રોડ પર માધાપર ગામ ખાતે આવેલ બ્લુડાર્ટ કુરિયર કંપનીમાં 20 દિવસ ડિલીવરી બોય તરીકે નોકરી કરી ગ્રાહકોના આવતા મુળ પાર્સલ બદલી લઇ તેમાં બિસ્કીટ, ટુવાલ મુકી દઇ જે તે ગ્રાહકે આ પાર્સલ રિજેક્ટ કર્યા છે તેમ કહી કંપનીમાં પરત જમા કરાવી દઇ તેમજ મુળ અસલી પાર્સલ જે તે ગ્રાહકને પહોંચાડી તેની પાસેથી મળતી રકમ બારોબાર ચાઉ કરી જતાં ડિલીવરી બોય સામે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચે ડિલીવરી બોયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 15 પાર્સલોમાં ગોલમાલ કરી રૂ. 49,367 ની ચોરી કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ શખ્સ ડિલીવરી બોય તરીકે કામ કરતો
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર શેરી નં. 5 સુખસાગર હોલ સામે રહેતાં અને માધાપર ગામમાં આવેલી બ્લુડાર્ટ એક્સપ્રેસ લિ. નામની કુરિયર કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં નરેન્દ્ર કિશોરીલાલ વર્મા (ઉ.વ.27)ની ફરિયાદ પરથી પોપટપરા રેલનગર રોડ પર રહેતાં જયેશ શામજીભાઇ શીલુ વિરૂધ્ધ આઇપીસી 381 મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે. આ શખ્સ ડિલીવરી બોય તરીકે કામ કરતો હોઇ તેણે કસ્ટમરોના મુળ પાર્સલની જગ્યાએ તેમાં બિસ્કીટ, ટુવાલ વગેરેની અદલા-બદલી કરી 15 પાર્સલોમાંથી 49,367 ની ચોરી કર્યાનો આરોપ મુકાયો છે.
15 પાર્સલોમાંથી 49,367 ની ચોરી કર્યાનો આરોપ
નરેન્દ્ર વર્માએ જણાવ્યું છે કે અમારી કંપનીમાં જયેશ શીલુ 21 માર્ચથી નોકરી કરે છે. તે ડિલીવરી બોય છે. પગાર પેટે એક પાર્સલ દીઠ રૂ.14 કમિશન અપાતું હતું. કોઇ ગ્રાહક અમારી કંપની મારફત ઓનલાઇન સામાન મંગાવે તો તેને પાર્સલ શીપમેન્ટની ડિલીવરી કરવાની હોય છે. 29 માર્ચના અમારી કંપનીનો એક કસ્ટમરે કોન્ટેક્ટ કરી ફરિયાદ કરી હતી કે તેણે જે વસ્તુ મંગાવી છે તે બરાબર નથી અને તેની જગ્યાએ બીજી વસ્તુ આવી છે.
ખોટી વસ્તુ નીકળી છે તેમ કહી પાર્સલ કંપનીમાં પાછા આપી દેતો
આથી મેં અમારા વેન્ડર મનિષભાઇને વાત કરી તપાસ કરવાનું કહેતાં ખબર પડી હતી કે ડિલીવરી બોય જયેશે અલગ અલગ કસ્ટમર્સએ મંગાવેલા પાર્સલમાંની વસ્તુ બદલી તેની જગ્યાએ ખાવાના બિસ્કીટ, ટૂવાલ વગેરે નાંખી પાર્સલ બનાવી અમારી કંપનીને પરત કરી ઓરીજનલ પાર્સલ કસ્ટમરને પહોંચાડી તેના પૈસા અંગત ફાયદા માટે વાપરી નાંખતો હતો. આ રીતે આરી કંપનીના કપડા, ઘડીયાળ, કોસ્મેટીક વસ્તુ જેવી મુળ વસ્તુની અદલા બદલી કરી નાંખી મુળ વસ્તુ ગ્રાહકને આપી તેના પૈસા પોતે ખાઇ જતો હતો અને આ વસ્તુના બદલે પાર્સલમાંથી ખોટી વસ્તુ નીકળી છે તેમ કહી પાર્સલ કંપનીમાં પાછા આપી દેતો હતો.
કંપનીમાં આવા ડુપ્લીકેટ પાર્સલ જમા કરાવી દેતો
આ રીતે તે પોતાના ફાયદા માટે આવુ કરતો હોઇ પાંચેક દિવસ પહેલા કંપનીના સિક્યુરીટી હેડ સંદિપભાઇ દયાણીયાએ ચેક કરતાં જયેશે નોકરીના 20 દિવસના સમયમાં ગ્રાહકોના પાર્સલોમાંથી અસલી વસ્તુ કાઢી તેની જગ્યાએ બીસ્કીટ, ટુવાલ પેક કરી પાર્સલ ગ્રાહકોએ રિજેક્ટ કર્યા છે તેમ કહી કંપનીમાં આવા ડુપ્લીકેટ પાર્સલ જમા કરાવી દેતો હતો.
આરોપી ડીલેવરી બોયની ધરપકડ કરી
આ પાર્સલ અમારી કંપની જે તે માલ મોકલનારને પરત કરતી હતી. ત્યાં પેકીંગ સમયના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં ખબર પડી હતી કે જે તે વખતે પાર્સલમાં ગ્રાહકે મંગાવેલી ઓરિજીનલ વસ્તુ જ પેક કરવામાં આવી હતી. એ પછી ગ્રાહકને વિતરણ વખતે કંઇક ગોલમાલ થતી હોવાની શંકા ઉપજતાં જયેશ શીલુને જે પાર્સલો ડિલીવરી કરવાના હતાં તેમાં જ ફરિયાદો આવી હોઇ અને પાર્સલરિજેક્ટ થયા હોઇ તેની વિશેષ તપાસ થતાં જયેશે કુલ 15 પાર્સલોની ડિલીવરી કરી હતી. જેની ચીજવસ્તુની કિમત રૂ.49,367 હતી. તેણે આ વસ્તુઓ બારોબાર વેંચી ચોરી કરી હોઇ અમારી કંપનીએ ફરિયાદ નોંધાવી છે. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ડીલેવરી બોયની ધરપકડ કરી તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.