અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
આજે બપોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, તારીખ 29-1-2023ને રવિવારની એ સવાર હજુ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો ભૂલ્યા નથી. કારણ કે, એ દિવસે પેપર ફૂટતા ઉમેદવારોએ રઝળવું પડ્યું હતું. ત્યારે આજે ફરી પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે તંત્રએ જડબેસલાક તૈયારી કરી છે. આજે રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રેલવે દ્વારા ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી
પેપેર ફૂટ્યાના 70 દિવસ બાદ એટલે કે આજે ફરી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આપવા માટે પરીક્ષાર્થીઓ તેમને ફાળવેલા કેન્દ્રો પર પહોંચ્યા છે. આ વખતે ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યાં છે કે, આજે ફરી પેપર ન ફૂટે. આજે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ પરીક્ષાર્થીઓ માટે દોડાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ ગત રાતે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રવાના થયા હતા. જ્યારે રેલવે દ્વારા પણ ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર.
11:45 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું
પરીક્ષાના આગલા દિવસે IPS હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, 12:30એ પરીક્ષા યોજાવાની છે તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે તેમજ તેમણે વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એનું કારણ એ છે કે 15 મિનિટ પહેલાં ઓએમઆર શીટ આપીએ છીએ અને છેલ્લી ઘડીએ જનાર ઉમેદવારને કારણે કોઈ અવ્યવસ્થા ન થાય, છેલ્લી ઘડીએ પહોંચીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરે એ માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે આ બાબતમાં ઘણા સ્પષ્ટ છીએ કે કોઈપણ ઉમેદવાર ક્યાંયથી પણ દૂરથી મુસાફરી કરીને આવ્યા હોય, પણ સમયની બહાર પહોંચશે તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.
ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે
બોડી વોર્ન કેમેરા અંગે તેમણે ઉમેર્યું હતું કે, આ કેમેરામાં સતત રેકોર્ડિંગ થતું હોય છે એટલે પરીક્ષા કેન્દ્રોની અંદર જે ઉમેદવારો પ્રવેશ કરશે ત્યારે અમે ઉમેદવારોની વીડિયોગ્રાફી લઈ શકશું. કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે એટલે આ એક વધારાની વ્યવસ્થા કરાઈ છે. સતત રેકોર્ડિંગ ચાલુ રહેશે, સાથે જ ઉમેદવાર કોઈ ખોટી વસ્તુ લાવ્યા હશે તોપણ પકડાઈ જશે.

ફાઈલ તસવીર.
રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ
દરેક જિલ્લાની અંદર વહીવટી તંત્રએ વધારાના ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોડ રાખ્યા છે. રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ છે. દરેક વર્ગખંડની અંદર એક વર્ગખંડ નિરીક્ષકની ઉપર એક સુપરવાઈઝર છે, કેન્દ્ર સંચાલક છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, વર્ગખંડની બહાર લોબીમાં પણ સીસીટીવી રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત પરીક્ષા સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ લઈ લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, બોર્ડ પ્રતિનિધિ દ્વારા મોબાઈલ કબજે લઈ લેવામાં આવશે, એમ હસમુખ પટેલે ઉમેર્યું હતું.
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરની વિગત

પ્રથમ વખત પરીક્ષાર્થી માટે 254 રૂપિયાનું મુસાફરી ભથ્થું
સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપશે. ઉમેદવારોએ બીજીવાર પરીક્ષા આપવા જવાની હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે મુસાફરી ભથ્થાનું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. પરીક્ષા બાદ ઉમેદવારના બેંક ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. 9.58 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
એસટી નિગમ દ્વારા 6000 બસની વ્યવસ્થા
એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસો દોડતી કરી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. ગત વખતે આ પરીક્ષાનું પેપર લીક થતાં વહીવટી તંત્રએ આ વખતે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે.
રિક્ષા એસો. સાથે મિટિંગ કરાઈ
આ અંગે હસમુખ પટેલે જણાવ્યું હતું કે, કેટલીક જગ્યાએ રિક્ષા એસોસિયેશન સાથે મીટિંગ કરીને ઉમેદવારોને પોતાના સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી ન પડે, તેમની પાસે વધારે ભાડું લેવામાં ન આવે એ માટે પણ બેઠકો કરવામાં આવી છે. કેટલાક પોલીસ એકમોએ ઉમેદવારોને પહોંચાડવા વાહનોની વ્યવસ્થા પણ કરી છે. પોતાના પોલીસ સ્ટેશનના નંબરને હેલ્પલાઇનના નંબર તરીકે પણ રાખ્યા છે.
9 વર્ષમાં 13 પેપર ફૂટ્યા
રાજ્યમાં બે મહિના પહેલા જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી હતી. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી હતી, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 15 આરોપીઓની ધરપકડ કરી હતી અને રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયું હોવાનો એટીએસે ઘટસ્ફોટ કર્યો હતો. તેમજ તાજેતરમાં ATSએ 30 ઓરાપી ઉમેદવારની ધરપકડ કરી હતી.
ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી
બે મહિના પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું હતું. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આવતીકાલે ફરી પરીક્ષા યોજાશે. જો કે, પેપર ફૂટવાની ઘટના કંઈ પહેલીવાર બની હોય તેવું નથી. ગુજરાતમાં આ પહેલા 12 વખત પેપર લીક થઈ ચૂક્યા છે અને આ 13મી વખત પેપર લીક થયું હતું. સરકાર દર વખતે દાખલો બેસાડે તેવી તપાસના દાવા કરે છે, પણ તેમ છતાં કોઈ અસર થતી નથી અને ફરીથી પેપર લીક થઈ જાય છે.
2022માં વનરક્ષકનું પેપર લીક થયું હતું
10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું. હાઇસ્કૂલના શિક્ષકે તેના ગામના જ 3 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા ઘડેલું ષડયંત્ર હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો હતો. આ મામલે ઓબ્ઝર્વરે રવિવારે મોડી રાત્રે ઉનાવા પોલીસ મથકમાં કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે શાળાના શિક્ષક, સુપરવાઇઝર, પટાવાળા અને 4 પરીક્ષાર્થીઓ સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પણ પેપર લીક થયું હતું
12 ડિસેમ્બર-2021ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઘટનાના પ્રથમ દિવસથી જ તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
વિદ્યુત સહાયકની ભરતીનું પેપર વાઈરલ થયું હતું
2021માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડિટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યાં હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી.
2019માં બિન સચિવાલયનું પેપર લીક થયું હતું
બિન સચિવાલય પેપર લીક કાંડમાં આરોપીઓ પ્રવિણદાન ગઢવી, એમએસ સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ વાઘેલા, ફકરુદ્દીન ઘડીયારી, મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, દીપક જોષી, રામભાઈ ગઢવી અને લખવિંદર સિંહ હતા. પેપર લીકનું આખું ષડયંત્ર દાણીલીમડાની એમએસ સ્કૂલમાં ઘડાયું હતું. આ સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર હતો. પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર હતો. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી હતી. સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું હતું અને આજ સ્કૂલના ફકરુદ્દીને કટર વડે પેપર કાઢ્યું હતું. ફારૂકે પેપરનું સીલ તોડ્યુ હતું અને પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. આ પછી પ્રવીણદાને પેપરના ફોટા પાડીને પાછું સીલ કરી દીધું હતું.
2018માં LRD ભરતીમાં પેપર લીક થયું હતું
આ પહેલા વર્ષ 2018માં LRDની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના બની હતી. જેમાં દિલ્હીની ગેંગે કર્ણાટકના સાગરિતોની મદદથી ઉડુપીની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરની લીક થઈ ગયું હતું. તે વખતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય હતા. આ બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલને મૂકવામાં આવ્યા હતા.
છેલ્લા 9 વર્ષમાં આ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
2014: GPSC ચીફ ઓફિસરનું પેપર 2015: તલાટી પેપર 2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી ની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું 2018 : TAT-શિક્ષક પેપર 2018 : મુખ્ય-સેવિકા પેપર 2018: નાયબ ચિટનિસ પેપર 2018: LRD-લોકરક્ષક દળ 2019: બિનસચિવાલય કારકુન 2021: હેડ ક્લાર્ક 2021: DGVCL વિદ્યુત સહાયક 2021: સબ ઓડિટર 2022: વનરક્ષક 2023: જુનિયર ક્લાર્ક