સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

નાયબ મામલતદારના ઘરે ચોરી કરનાર પાંચ શકમંદો સીસીટીવીમાં કેદ.
ઓલપાડના નાયબ મામલતદાર સપરિવાર રજા માણવા માટે સેવણી ગામે ફાર્મ હાઉસમાં ગયા હતા. દરમિયાન તેમના ઘરે ત્રાટકેલાં તસ્કરો 4.13 લાખની કિંમતના દાગીના અને રોકડા 36 હજાર મળી કુલ્લે 4.48 લાખની મત્તા ચોરી ગયા હતા. આ તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રજા માણવા ગયા ને તસ્કરો હાથફેરો કરી ગયા
ઉત્રાણ આદિત્ય નગરમાં રહેતાં ભાવેશ ઇટાલીયા ઓલપાડના નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે. રાત્રે નવ વાગ્યે તેઓ પરિવાર સાથે સેવણી ગામમાં આવેલાં ફાર્મ હાઉસમાં રજાનો આનંદ લેવાને ઇરાદે પહોંચ્યા હતા. ગત રોજ સાડા બાર વાગ્યે પાડોશી દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો અને તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું જણાવતાં ભાવેશભાઇ ઉતાવળે તેમની પત્ની દિપાલીબેન સાથે દોડી આવ્યા હતા.

તસ્કરો થોડા દિવસ પહેલાં રેકી કરવા પણ આવ્યા હતા.
સોનાની દાગીના સહિત રોકડાની ચોરી
ઘરમાં પ્રવેશ કરતાં ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. કબાટ અને કિંમતી દાગીના સાથે રોકડ જેમાં મૂક્યા હતા તે લોખંડના પેટી પલંગની તોડફોડ કરવામાં આવી હતી. બધું મળીને 4,48,800 રૂપિયાની મત્તા ચોરી થઇ હતી. ઉત્રાણ પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતાં પાંચ શકમંદો ચોરી કરવા આવતાં કેદ થઇ ગયા હતા.