વડોદરા37 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રેમ પ્લાઝા બિલ્ડીંગના ચોથા માળ ઉપર આવેલી લેબોરેટરીમાં મોડી સાંજે આગ ફાટી નીકળી હતી. લેબોરેટરીમાં કેમિકલ હોવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા 5,000 લિટર ફોર્મનો મારો ચલાવીને દોઢ કલાકમાં આગ કાબૂમાં લીધી હતી. આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આગની પ્રચંડ જ્વાળાઓના કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
લેબોરેટરી બળીને ખાખ થઇ
સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મોડી સાંજે ગોત્રી વિસ્તારમાં આવેલ રેમ પ્લાઝાની બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી લેબોરેટરીમાં આગ લાગી હોવાની જાણ થતા જ દાંડિયા બજાર, જીઆઇડીસી, અને વડીવાડીના હાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી ગયા હતા. સ્થળ ઉપર પહોંચ્યા બાદ લેબોરેટરીમાં કેમિકલ હોવાની જાણ થતા આગને બુજાવવા માટે બે ફોર્મ ટેન્કર, એકવોટર બ્રાઉઝર મંગાવી હતી અને તે બાદ ફમનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. અંદાજે 5000 લિટર ફોર્મનો મારો ચલાવીને દોઢ કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. લેબોરેટરીમાં લાગેલી આગની પ્રચંડ જ્વાળાને જોતા સ્ટેન્ડબાઈ તરીકે સ્નોરકેલર પણ મંગાવી લેવામાં આવી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ આગમાં લેબોરેટરી બળીને ખાખ થઈ ગઈ છે.
લોકોના ટોળા ઉમટ્યા
ગોત્રી વિસ્તારમાં આવેલ રેમ્પ પ્લાઝામાં લાગેલી આગને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંમટી પડ્યા હતા. આ બનાવના પગલે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગની કામગીરી માટે ફાયર બ્રિગેડના ત્રણ સબ ફાયર ઓફિસરો સહિત 40 જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તે સાથે વીજ કંપનીની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી જઇ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.
સાયરનોથી વિસ્તાર ગુજી ઉઠ્યો
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. લેબોરેટરીમાં કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડના બંબાઓના સાઇરનથી વિસ્તાર ગુજી ઉઠયો હતો.