રાજકોટમાં રાઘવજી પટેલે કહ્યું- માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે 565 ટીમનો સરવે ચાલુ, ટૂંક સમયમાં ખેડૂતોને સહાય અપાશે | Agriculture minister says Survey of damage caused by unseasonal rain continues | Times Of Ahmedabad

રાજકોટ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
રાઘવજી પટેલ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા - Divya Bhaskar

રાઘવજી પટેલ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા

દેશભરમાં આજે ભાજપનાં 43માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ માટે યોજાયેલા એક ધ્વજારોહણના કાર્યક્રમમાં હાજરી આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરોએ વડાપ્રધાન મોદીને સાંભળ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાઘવજીએ માવઠા અંગે જણાવતા કહ્યું કે, માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે 565 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં ખેડૂતોને સહાય અપાશે.

150 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યનાં 150 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠામાં ખેડૂતોને નુકસાન થયું હોવાથી ખેતીવાડીના અધિકારીઓને સરવે કરવા આદેશ કરાયો છે. જે અંતર્ગત 565 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને માવઠાની નુકસાનીનો સરવે કરવામાં આવી રહ્યો છે.

33 ટકાથી વધુ નુકસાનનો નિયમ નહીં લાગે
કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે, સરવેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય અપાય છે. જો કે, આ વખતે 33 ટકાના નિયમને સાઈડમાં રાખીને પણ સહાય આપવામાં આવશે. આ સહાયની રકમ ખેડૂતોને ખૂબ ઝડપથી મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

કચ્છના ભૂકંપ પછી વાતાવરણ બદલાયું
વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના ભૂકંપ પછી વાતાવરણ બદલાયું છે. સાથે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ આવી રહી છે. જો કે, ખેડૂતોને જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે સરકાર દ્વારા યોગ્ય સમયે જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને સહાય માટે 10 હજાર કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

ટૂંક સમયમાં ખેડૂતોને સહાય મળશે
રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ જ્યારે ખેડૂતોને મદદની જરૂર હશે ત્યારે રાજ્ય સરકાર બનતી તમામ મદદ કરવા તત્પર છે. ટૂંક સમયમાં ખેડૂતોને સહાય મળે તેવા અમારા પ્રયાસો છે. આ તકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાઘવજી પટેલના હસ્તે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સાથે જ કૃષિમંત્રીએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સાંભળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post