ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા દબાણમુક્ત શહેર માટેની મોર્નિંગ ડ્રાઈવ, સેકટર - 6માં સપાટો બોલાવી જગ્યા ખુલ્લી કરાઈ | Gandhinagar Municipal Commissioner opened a morning drive for stress-free city in Sector-6 by calling for a site. | Times Of Ahmedabad

ગાંધીનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જે.એન.વાઘેલાએ શહેરને ગેરકાયદેસર લારી ગલ્લાથી મુક્તિ અપાવવા ખાસ મોર્નિંગ ડ્રાઈવ શરૂ કરાઈ છે. જે અંતર્ગત આજે પણ મનપાની એસ્ટેટ શાખાની ટીમે વહેલી સવારે જ સેકટર – 6 માં ત્રાટકી અડીંગો જમાવી બેઠેલા ગેરકાયદેસર લારી ગલ્લાઓ સામે કાર્યવાહી કરી હતી. વહેલી સવારે જ દબાણ તંત્રની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં ઘણાં લારી ગલ્લા ધારકો ઉંઘમાંથી જાગીને સફાળા દોડતા થઇ ગયા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જે. એન. વાઘેલાએ તાજેતરમાં જ અચાનક શહેરનો રાઉંડ લેવામાં આવ્યો હતો. જેમાં ઠેર ઠેર દબાણોનો રાફડો, આડેધડ પાર્કિંગ ઉપરાંત જ્યાં ત્યાં લાગેલા પોસ્ટર્સ બેનરો જોઈને કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓનો ઉધડો લઈ લેવામાં આવ્યો હતો. અને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે અત્યાર સુધી કહેવા પૂરતું લારી ગલ્લા દૂર કરતી એસ્ટેટ શાખાને હવે મોર્નિંગ ડ્રાઈવ કરવાની મનેકમને ફરજ પડી છે. આજે વહેલી સવારે એસ્ટેટ શાખાની ટીમે સેકટર – 6 વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લાઓ સામે તવાઈ બોલાવી દેવામાં આવી હતી. અત્યાર સુધી ઓફિસ અવર્સમાં કામગીરી કરતું દબાણ તંત્ર વહેલી સવારે પણ ત્રાટકતા ઘણા લારી ગલ્લા ધારકો ઉંઘમાંથી ઊઠીને દોડતા થઇ ગયા હતા.

એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન શહેરના સેક્ટર – 6ના શોપિંગ સેન્ટરની આસપાસ તેમજ કડિયાનાકા ખાતે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મોટાપાયે ખાણી-પીણીની લારીઓના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આજરોજ આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન દબાણ ટીમે 8 નાના-મોટા કેબીન, 5 ગલ્લા, 14 લારી, 1 રીક્ષા (નાનો ટેમ્પો), 2 લાકડાના ટેબલ, 13 ખુરશી, 30 બેસવાના સ્ટૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે અહીં સર્કલ પાસેના દબાણો સામે કોઈ કારણસર કૂણું વલણ દાખવવામાં આવતી હોવાની પણ વેપારીઓમાં બૂમરાણ ઉઠી હતી.

જ્યારે સેકટર – 24 માં પણ ટીમે ત્રાટકીને દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. આજ રીતે ગઈકાલે પણ રિલાયન્સ ચાર રસ્તાથી લઇ રક્ષાશક્તિ સર્કલ સુધી ટ્રાફિકને અડચણરૃપ થતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂટપાથ પર ચા-નાસ્તાની લારી તેમજ ગલ્લા ઉભા કરી ટ્રાફિકને અડચણરૃપ બનેલા અનધિકૃત દબાણોને દુર કરવામાં આવ્યા હતા. એસ્ટેટ શાખાની ટીમ દ્વારા 11 લારી-ગલ્લા, 24 સ્ટૂલ હટાવાયા હતા. આ ઉપરાંત 25 જેટલા પોસ્ટર્સ પણ હટાવવામાં આવ્યા હતા.

أحدث أقدم