મોરબી39 મિનિટ પહેલા
- કૉપી લિંક

મોરબીના સુપરમાર્કેટમાં શાળા કે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીઓનો રસ્તો રોકી કેટલાક ઈસમો હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતો. જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. પોલીસને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, જેથી પોલીસે તુરંત એક્શન લેતા છેડતીના બનાવમાં સંડોવાયેલા બે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિતના સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પાંચ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી આર સોનારાએ ફરિયાદી બની આરોપી રાહુલ પટેલ, નયન પાટડીયા, અક્ષયરાજસિંહ ઝાલા, દર્શન કેશુર અને અરુણ જાદવ તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિતના સાત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, ગઈકાલના રોજ મોરબી સુપર માર્કેટ ખાતે કેટલાક ઈસમો સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી જાહેરમાં રસ્તો રોકી અડચણરૂપ અને ચાળા કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં કુલ 2 વીડિયો પૈકી તા. 18 વીડિયોમાં અમુક સ્કૂલ ડ્રેસ પહેરેલી છોકરીઓ સુપર માર્કેટમાંથી જતી હોય ત્યારે ચાર છોકરા પૈકી એક છોકરો રસ્તામાં આડો પગ રાખી રસ્તો રોકવાનો પ્રયત્ન કરે છે.
અન્ય એક છોકરો જાહેરમાં ચાળા કરતો હોય અને અન્ય બે ઈસમો મદદ કરતા હોવાનું જણાઈ આવે છે. તેમજ તા. 17 એપ્રિલના વીડિયોમાં બે છોકરીઓ સાથે વાતચીત કરતા ચાર છોકરાઓ રસ્તો રોકી ઉભા તેવું દેખાતું હતું. જેથી એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી રસ્તો રોકી ભય ઉપજાવેલ હોય જેથી ગુનો નોંધી પાંચ આરોપીને ઝડપી લીધા છે. તો કાયદાના સંઘર્ષમાં આવેલ બે સગીર વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.