અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદ દ્વારા ઓનલાઇન શોપિંગ બાબતે લોકોની આદત અને પેટર્ન અંગે કરવામાં આવેલા એક સર્વે વિશેની અમુક રોચક અને રસપ્રદ વાતો સામે આવી છે. IIMના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા કરવામાં આવેલ સર્વેમાં મોટી વાત એ સામે આવી છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે કોરોનાકાળ દરમિયાન લોકોમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો છે. આ સર્વેમાં આવેલ આંકડા મુજબ 72% ગ્રાહકોએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઓનલાઇન શોપિંગનો અનુભવ કર્યો છે, જે અગાઉ ક્યારેય ન કર્યો હતો.
ઓનલાઇન શોપિંગમાં કપડાની ખરીદીને પ્રાધાન્ય આપે છે લોકો
આ ઉપરાંત આ સર્વેમાં મહત્વપૂર્ણ તારણ એ પણ આવ્યું છે કે, લોઅર મિડલ ક્લાસ એટલે કે મહિનાની 30,000ની કમાણી કરતો વર્ગ ઓફલાઈન કરતાં ઓનલાઇન કપડા અને ફેશન સંદર્ભની ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યો છે. IIM-અમદાવાદ દ્વારા મોટા શહેરોમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 35,000થી વધારે સેમ્પલ લેવામાં આવ્યા કે જે ઓનલાઈન શોપિંગ માટે ઈન્ટરનેટ સર્ફિંગ કરતું હોય અને છેલ્લે તેઓએ ખરીદી કરી હોય.

ઓનલાઈન શોપિંગમાં પુરુષો EMI ઓપ્શનને પ્રાધાન્ય આપે છે
આ સર્વેની રસપ્રદ બાબત એ પણ છે કે, મહિલાઓ ઓનલાઇન શોપિંગ દરમિયાન ફેશનને વધુ પ્રાધાન્ય આપે છે એટલે કે તે ઓનલાઈન કપડાની વધુ પડતી ખરીદી વધારે કરે છે. આ ખરીદીમાં તે સમયસર ડિલિવરી થાય છે કે નહી? તેની રિટર્ન પોલિસી શું છે? તેના પર વધારે ફોકસ કરે છે. બીજી તરફ પુરુષો કે, જેઓ ઓનલાઈન શોપિંગમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પર વધારે ફોકસ કરે છે. તેમાં રસપ્રદ બાબત એ છે કે, પુરુષો ખરીદી કરતા સમયે વસ્તુની ગુણવત્તાની સાથે-સાથે EMI ઓપ્શનને વધારે પ્રાધાન્ય આપે છે.
ઓનલાઈન ખરીદીમાં સરેરાશ 35 મિનિટનો સમય વિતાવે છે
આ સર્વેમાં લોકો સરેરાશ ઓનલાઈન ખરીદી કરતા 34 થી 35 મિનિટનો સમય પસાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત 35 વર્ષથી ઉપરના લોકો ઓનલાઈન ખરીદી કરતા સમયે એક કરતાં વધારે વેબસાઈટની મુલાકાત લઇ વિકલ્પો તપાસે છે અને પછી જ ખરીદી કરે છે.