Monday, April 24, 2023

મુખ્યમંત્રીને સંબોધીને પાટણ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું, કેસ પરત ખેંચવાની માગ કરવામાં આવી | Addressing the Chief Minister sent a petition to the Patan Collector, demanding the withdrawal of the case | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા યુવરાજ સિંહના સમર્થનમાં સોમવારે મુખ્યમંત્રીને ઉદેશીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની માગણી કરી હતી કે યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે ,સમગ્ર કાંડની પોલીસને બદલે હાઇકોર્ટ નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે તેમજ તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

પાટણ આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અનેક યુવાનોની તૈયારીઓ અને આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યાં, એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કડી મળી. એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ ના લીધી.

ખરેખર તો રાજ્યના યુવાનોના સપનાંને જીવતદાન આપવા, એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુમાન થવું જોઈએ. એને બદલે, જેમને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડી, આરોપીઓ આંગળી ચીંધે. જે ખુદ આરોપી ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા,ગુનો દાખલ કરવાને ધરપકડ કરી રિમાન્ડ માગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરે છે.

રાજ્ય સરકાર યુવરાજસિંહ તરફ સંપૂર્ણ ધ્યાન વાળીને મુખ્ય, મોટા માથાઓ જે અત્યાર સુધીના પેપર લીક, ડમી કાંડ અને બોગસ ભરતીઓ સાથે સંકળાયેલા હોય એમને બચાવવા તો નથી માગતીને? એવા વૈઘીક પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટીએ માગણી કરી હતી કે યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, સમગ્ર કાંડની પોલીસ ને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે, તમામ પેપર લીક ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આવેદનપત્રને લઈ કલેકટર કચેરી સહિત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…