અમદાવાદ32 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં આરોપી રાયમલ રબારીને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એસ.આર. મુલતાનીએ એક વર્ષની સાદી કેદની સજા તથા 6,50,000 રૂપિયા બે મહિનામાં ચુકવવાનો હુક્મ કર્યો છે. જો આ રકમ ચુકવવામાં નહીં આવે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો છે. આ સાથે જ આરોપી ફરાર હોવાથી તેમની સામે કોર્ટે બિનજામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યું છે.
ફરિયાદીએ આરોપીને 6,50,000 હાથ ઉછીના આપ્યા હતા
અમદાવાદનાં ઘાટલોડિયા પોલીસ મથકની બાજુમાં સરગમ એપાર્ટમેન્ટમાં રહેતાં નવીનિશ્ચલ પુરુસોત્તમભાઇ પટેલ અને ઘાટલોડિયા વિસ્તારની નાલંદા સ્કૂલ પાસે પાર્થ એવન્યુમાં રહેતાં રાયમલ મહીજીભાઇ રબારી સાથે મિત્રતા હતી. ફરિયાદપક્ષના જણાવ્યા મુજબ આરોપી રાયમલ રબારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. બંને વચ્ચે મિત્રતા હોવાથી એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધો હતો. આ સંબંધના કારણે જ રાયમલે ફરિયાદી નવીનિશ્ચલ પાસેથી સામાજીક કામ સારું 6,50,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદી નવિનિશ્ચલે આરોપી રાયમલને ટુકડે ટુકડે 6,50,000 હાથ ઉછીના આપ્યા હતા.
ઉછીના પૈસા લઈને આરોપી ફરાર
આ ઉછીની રકમ સામે આરોપી રાયમલે રકમ ચુકવવા માટે બેંક ઓફ મહારાષ્ટ્ર, ઘાટલોડિયા શાખાનો 6-8-2021ના રોજનો ચેક આપ્યો હતો. આ ચેક ફરિયાદી નવીનિશ્ચલે ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લીમીટેડ, પલ્લવ ચાર રસ્તા, અંકુર રોડ 7-8-2021ના રોજ ભર્યો હતો. જે ફંડ ઇનસફીશીયન્ટનાં શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે ફરિયાદીએ આરોપીને જાણ કરી હતી પરંતુ, સંતોષકારક જવાબ નહીં આપતાં ફરિયાદીને 25-8-2021ના રોજ વકીલ મારફતે નોટીસ આપી હતી પરંતુ, નોટીસનું પાલન નહીં થતાં ફરિયાદીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ-1981ની કલમ-138 હેઠળ એડવોકેટ ધર્મેન્દ્ર જાની મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદની સુનાવણી વખતે આરોપી કોર્ટ સમક્ષ હાજર નહીં રહેતાં અને કેસ બે વર્ષ જૂનો હોવાથી આરોપીની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સાથોસાથ ફરિયાદીની અધુરી રહેલી ઉલટતપાસ પૂર્ણ કરવા માટે આરોપી જાતે કે તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર રહેલાં નથી. જેથી ફરિયાદીની ઉલટતપાસનો હક્ક પણ બંધ કરવાનો કોર્ટે હુક્મ કર્યો હતો. જે હુક્મને આરોપીએ પડકારેલ નથી.
આરોપી ગેરહાજર રહેતા કોર્ટે હુકમ આપ્યો
કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે, ફરિયાદ પક્ષ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાથી પુરવાર કરેલ છે. આ કામના આરોપી તેઓની ફરિયાદ રેકોર્ડ થયા બાદ સતત ગેરહાજર રહ્યા હતા. આરોપીઓની ગેરહાજરીના કારણે ફરિયાદ પક્ષના કેસને નુકસાન થાય તેવી સંભાવના હોવાથી ફરિયાદીના વકીલ ધર્મેન્દ્ર જાનીની દલીલ સાંભળીને જજમેન્ટ આપવામાં આવ્યું છે. વધુમાં આરોપીએ જાતે હાજર રહી ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ ઍક્ટની કલમ-118 અને કલમ-139 મુજબના પ્રિઝમ્શન પોતાની તરફેણમાં પુરાવા આપ્યા નથી. જેથી, આ હુક્મ કરવામાં આવ્યો છે.
એક વર્ષની સાદી કેદની સજા ફટકારી
આ કેસની સુનાવણી બાદ એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એસ.આર. મુલતાનીએ આરોપી રાયમલ રબારીને એક વર્ષના સાદી કેદની સજા તથા ફરિયાદીને 6,50,000 રૂપિયા બે મહિનામાં ચુકવવાનો હુક્મ કર્યો હતો. આ વળતરની રકમ ફરિયાદીને ચુકવી ના આપે તો વધુ છ મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુક્મ કર્યો હતો.