બનાસકાંઠા (પાલનપુર)10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ થરાદ દ્વારા આંનદ પ્રકાશ વિદ્યાલય થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સત્કાર- સન્માન સમારંભ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ તેમજ આસપાસ વિસ્તારના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો અને યુવાઓ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી, સાફો બાંધી- ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ બહુ ભાવુકતા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો ,અને યુવાઓમાં પોતાના માટે રહેલો આદર, પ્રેમ અને સત્કારને જોઈને મારા માટે આનાથી મોટું સન્માન શું હોઇ શકે ? સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીનો ઋણ સ્વીકાર કરતાં આભાર માન્યો હતો. તેમજ પોતાનો ઘરનો પ્રસંગ હોય ને જે ખુશી થાય એવી અનુભૂતિ પોતે અનુભવી રહ્યા હોવાનું જણાવી ઉપસ્થિત બ્રહ્મ સમાજને ધન્યવાદ આપ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીવીમાં જોતા જોતા એમ થાય કે વિધાનસભામાં અધ્યક્ષ નહિ આપણું થરાદ બેઠું છે. તો માનજો આપણો લાગણીનો સેતુ અકબંધ છે. તમારુ માથું સદાય ઊંચું રહે એવા સેવા કાર્યો કરતો રહીશ એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે તેમણે આનંદ પ્રકાશ વિધાલય ટ્રસ્ટને 9 લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરતાં શાળામાં ભૌતિક સુવિધાઓની સાથે ડિજિટલ ક્રાંતિ સાથે સમન્વય સાધી વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી ઘડતર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સેમિનારો યોજવા અને તજજ્ઞોનું માર્ગદર્શન લેવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાઓને ખેતી, ઉદ્યોગ, વ્યવસાય સહિત વિદેશ અભ્યાસની ઉજ્જવળ તકો થકી નવા ક્ષેત્રો અને નવી ક્ષિતિજો સર કરવા આહવાન કર્યું હતું. આગામી સમયમાં થરાદ વિસ્તારમાં એક વિશાળ હોસ્પિટલ નિર્માણ અને જી.આઇ.ડી.સીના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરતાં આ કામો ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે આ વિસ્તારના 97 ગામોની પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટેનું આયોજન કરી આ વિસ્તારને હરિયાળો અને પાણીદાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારનું હિત સદાય હૈયામાં છે એમ જણાવતાં પ્રજાના કલ્યાણની સાથે પશુ પંખી વૃક્ષો અને પ્રકૃતિના આશીર્વાદ મળે એવું નિયતિએ નિરધાર્યું હશે એટલે મને જનસેવાની તક મળી છે.

