સુરત35 મિનિટ પહેલાલેખક: મોઇન શેખ
- કૉપી લિંક

વીઆઇપી રોડ
- લાખના બાર…: પાલિકાની તિજોરીમાં રૂપિયા નથી, ઘણા પ્રોજેક્ટ સાઇડમાં છે ત્યારે
- ‘બનાવો-તોડો પછી બનાવો’, પાલિકાના અધિકારીઓની વૃત્તિથી કોન્ટ્રાક્ટરોને બખ્ખા
તાજેતરમાં જ સુરત પાલિકાએ સાઇકલ સવારીને પ્રોત્સાહન આપવા શહેરમાં આશરે 70 કીમી સુધીના થર્મો પ્લાસ્ટ સાઇકલ ટ્રેક બનાવ્યા હતાં. જેના પાછળ કરોડોનો ખર્ચ કરાયો છે, જોકે હવે તે સાઇકલ ટ્રેક ઉપર જ ખુદ પાલિકા ડામર સરફેસિંગથી પટ્ટા ભૂંસી રહી હોય તેમ વેસુના VIP રોડ પર આશરે 4 કીમી સુધીના લેયર પાથરી રહી છે.
70 કીમી સુધીના થર્મો પ્લાસ્ટ સાઇકલ ટ્રેક બનાવ્યા હતાં
અઠવા ઝોન દ્વારા લાલ પટ્ટા પેટે કરોડોના બિલ ચૂકવાયાં હતાં ત્યાં હવે માઇક્રો સરફેસિંગના લેયર પેટે પાલિકા તિજોરી પર ભારણ લાદવામાં આવશે. આટલેથી આ એન્જિનિયરિંગ અટક્યું નથી! હવે લેયર પાથરી દેવાયા બાદ ફરી એક વખત થર્મો પ્લાસ્ટના લાલ પટ્ટા મારવામાં આવશે, જેના બિલથી કોન્ટ્રાક્ટરોને બખ્ખા થવાનો પણ અંદાજ છે. એક તરફ કરકસર કરવાની તાકીદ જ્યારે બીજી તરફ બે વિભાગો દરમ્યાન માત્ર સંકલનના અભાવે આર્થિક નુકસાનીની નોબતના પગલે લાખના બાર જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.
VIP રોડ પર 4 કિમીના રોડ પર ડામર પાથરી દેવાતાં ‘બુદ્ધિનું દેવાળું’
ગેઇલ કોલોની સુધી અઠવા ઝોને થર્મો પ્લાસ્ટના મોંઘા મટિરિયલથી લાલ પટ્ટા પાડ્યા. એટલું જ નહીં આ પટ્ટાને બૉર્ડર માટે રેમ્બલર બમ્પ પણ ગોઠવાયા હતાં. જોકે આ લેન પર હવે રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ઝોન સંકલન કેળવ્યા વગર જ માઇક્રો સરફેસિંગનું ડામર રોડ બનાવી દીધું છે.
સેફ્ટી માટે રિપેરિંગ કરાયાની કેફિયત
રોડ ડેવલપમેન્ટ વિભાગે જણાવ્યું કે, લાલ પટ્ટા હોય કે ન હોય નંદિની રેસિડન્સીથી ગેઇલ કોલોની સુધીના રોડની લાઇફ વધારવા માટે સરફેસ લેયર પાથરવું જરૂરી હતું. જે નિયમ પ્રમાણે ન કરાય તો આગામી ચોમાસામાં નવા રોડ બનાવવાનો ખર્ચ વેઠવો પડી શકે છે.
હવે ફરી લાલ પટ્ટા પાડવામાં આવશે
રોડ ડિપાર્ટમેન્ટે માઇક્રો સરફેસિંગ કરતાં પહેલાં ઝોનનો અભિપ્રાય લીધો નથી એટલે ત્યાં કામ ચાલુ છે તે અંગે પણ કોઇ જાણ નથી, જોકે પટ્ટા ભૂંસાઇ ગયા હોય તો કામ પૂર્ણ થયા પછી ફરી પટ્ટા પડાશે. > કેસુર એ. ચૌધરી, ઇજનેર, અઠવા ઝોન