છોટા ઉદેપુરમાં લગ્નની શરૂઆત થતા જ સાંસ્કૃતિક વારસો નજરે પડ્યો; પારંપરિક વિધિઓનું મહત્ત્વ હજુ અકબંધ | The cultural heritage was evident as the marriage began in Chhota Udepur; The importance of traditional rituals is still intact | Times Of Ahmedabad

છોટા ઉદેપુર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના લગ્ન શરૂ થઈ ચૂક્યા છે. આ લગ્નસરાની સીઝનમાં આદિવાસીઓનો સાંસ્કૃતિક વારસો જોવા મળી રહ્યો છે. જેમાં હજુ પણ પારંપરિક વિધિઓ કરવામાં આવી રહી છે.

છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. સામાન્ય રીતે હોળીના સમયે આદિવાસીઓ માદરે વતન આવતા હોય છે અને હોળી પછી લગ્નસરાની સિઝનની શરૂઆત થાય છે. અત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં લગ્નસરાની સીઝન શરૂ થઈ ચૂકી છે. જેમાં આદિવાસી સંસ્કૃતિ જોવા મળી રહી છે. આદિવાસીઓની પરંપરા પ્રમાણે થતા લગ્નો ત્રણથી ચાર દિવસ અને કેટલીક ઠેકાણે સાત સાત દિવસ સુધી ચાલતા હોય છે. આટલા દિવસોમાં દરરોજ અલગ અલગ વિધિ કરવામાં આવતી હોય છે.

તેલ ચઢાવવાની વિધિ
આદિવાસીઓમાં લગ્નની વિધિમાં સૌથી પહેલી વિધિ તેલ ચઢાવવાની હોય છે. જે લગ્નના ત્રણ અથવા પાંચ દિવસ પહેલા થતી હોય છે. જેમાં વર અથવા કન્યાને પીઠી ચોળવામાં આવે છે જેને તેલ ચઢાવવું કહેવામાં આવે છે.

શિંભોડીની વિધિ
શિંભોડીની વિધિમાં પ્રકૃતિની પૂજા કરતા આદિવાસીઓ લગ્નના આગલા દિવસે ગામના સીમાડે આવેલા તમામ દેવી દેવતાઓને ઢોલ ત્રાંસાના તાલે અથવા ડીજેના તાલે નાચગાન કરતા કરતા પૂજા અર્ચના કરવા જાય છે. જ્યાં દેવી દેવતાઓને ગામના પૂજારા દ્વારા લગ્ન કરનાર યુવક યુવતી અને પરીજનોના હસ્તે પૂજા અર્ચના કરાવવામાં આવે છે અને દેવી દેવતાઓને વિધિસર આમંત્રણ આપવામાં આવતું હોય છે.

ઉકેડીની વિધિ (મંડપ મુહૂર્ત)
ઉકેડીની વિધિમાં પ્રકૃતિની પૂજા કરતા આદિવાસીઓમાં યુવક અથવા યુવતી જેના લગ્ન હોય તેને ઢોરના છાણના થાપા બનાવીને તેના ઉપર બેસાડવામાં આવે છે. ત્યારબાદ આંબાનું દાતણ કરાવીને એક નાનો ખાડો કરીને તેને દાટવામાં આવે છે. આ વિધિમાં યુવતીના લગ્ન હોય તો તેને ઘોડે ચઢાવીને અથવા પરિવારના સભ્યના ખભે બેસાડીને નાચગાન કરીને ચોખાથી વધાવવામાં આવે છે અને મંડપ મુહૂર્ત કરવામાં આવે છે.

ગોત્રેડોની વિધિ
ગોત્રેડોની વિધિમાં પરિવારનું જે કુળ હોય તે કુળના કુવા ઉપરથી માટલું પાણી ભરીને લાવીને ભોજન પોતાના પૂર્વજોને ધરાવતા બાદ ભોજન શરૂ કરાય છે. જેને ગોત્રેડોની વિધિથી ઓળખવામાં આવે છે.

લગ્નવિધિ
આદિવાસીઓમાં લગ્ન વિધિ ખૂબ જ અલગ હોય છે. સામાન્ય રીતે લગ્નનાફેરા અગ્નિની સાક્ષીએ ફરાતા હોય છે, પરંતુ આદિવાસીઓમાં માટીનું લીંપણ કરીને તેના ઉપર ચોખાની ચોરી બનાવીને પૂજારા દ્વારા પારંપરિક રીતે વિધિ કરાવીને ફેરા ફરાવાતા હોય છે અને લગ્ન વિધિ પૂરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post