Friday, April 21, 2023

પક્ષપલટુ કનુ ગેડિયાએ કહ્યું- બે મહિનાથી અમે આ ઓપરેશન ચલાવતા હતા, નામ હતું 'ઓપરેશન ડિમોલિશન’ | The defector Kanu Gedia said - We were running this operation for two months, the name was 'Operation Demolition'. | Times Of Ahmedabad

સુરત2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આજે ભાજપમાં જોડાયા છે, જેમાં વોર્ડ નં.2ના AAPના કોર્પોરેટર કનુ ગેડિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કનુ ગેડિયાએ આમ આદમી પાર્ટીમાં રહીને જ વિભીષણની ભૂમિકા ભજવી હોય એવો ઘાટ સર્જાયો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, જેનું નામ ‘ઓપરેશન ડિમોલિશન’ આપવામાં આવ્યું હતું.

ગેડિયાના કહેવા મુજબ ‘ઓપરેશન ડિમોલિશન’ હજુ અધૂરું
ગત અઠવાડિયે 6 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં જોડાયા છતાં પાર્ટી ડેમેજ કંટ્રોલ ન કરી શકી, આથી આમ આદમી પાર્ટી ઊંઘતી ઝડપાઇ હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કનુ ગેડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન ડિમોલેશન અંતર્ગત અગાઉ ભાજપમાં જોડાયેલા છ કોર્પોરેટરને લાવવામાં આવ્યા હતા. હજુ 10 જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાશે અથવા આમ આદમી પાર્ટીના પક્ષમાંથી રાજીનામું આપી દેશે. આ ‘ઓપરેશન ડિમોલિશન’ સંપૂર્ણપૂર્ણ થઈ ગયા બાદ એની પાછળની તમામ માહિતી આપવામાં આવશે. કનુ ગેડિયાના જણાવ્યા મુજબ, ‘ઓપરેશન ડિમોલિશન’ હજુ અધૂરું છે અને આ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

કનુ ગેડિયાએ AAP છોડી ભાજપનો ખેસ અને ટોપી પહેરી.

કનુ ગેડિયાએ AAP છોડી ભાજપનો ખેસ અને ટોપી પહેરી.

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટર કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા, AAP સફાયા તરફ
કનુ ગેડિયા સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત
દિવ્ય ભાસ્કરઃ શું કારણ છે પરિવર્તનનું, AAP છોડીને ભાજપમાં જોડાવવાનું?

કનુ ગેડિયાઃ આ પરિવર્તનનું કારણ આત્મમંથન છે. જ્યારે મારો છોકરો ‘જય શ્રીરામ’ના નારા સાથે ગીત ગાઇ રહ્યો હતો ત્યારથી મારા આત્મમંથનની શરૂઆત થઈ હતી. 15 દિવસની અંદર મેં આત્મમંથન કર્યું. મેં ઉત્તરાખંડનો પ્રવાસ કર્યો અને ત્યાં એની શીતળતા તથા શાંતિનો જે અનુભવ થયો એ પછી મેં ભાજપ પક્ષમાં જોડાવવાનો નિર્ણય લીધો. આપણા પૂર્વજો કહી ગયા છે કે જાગ્યા ત્યાથી સવાર એટલે કે જ્યારથી સવાર એટલે જૂનું જે હતું એ ભૂલીને એક નવી શરૂઆત કરવી જોઈએ. પક્ષમાં રાષ્ટ્રહિતની પણ ભાવના છે અને રાષ્ટ્ર સુરક્ષાની પણ ભાવના છે.

ગત 20-04-2022ના આસપાસ અમે કેજરીવાલની એપોઈન્ટમેન્ટ લઈને મળવા માટે ગયા હતા. એ સમયે તે મેયર ઈલેક્શનનું બહાનું બનાવીને અમને મળ્યા નહોતા, પરંતુ અમે ત્યાં સંદીપ પાઠક, રાજ્યસભા સાંસદ અને ગુજરાતના પ્રભારીને મળ્યા હતા અને ત્યાં જઈને અમને એમ લાગ્યું હતું કે અમે જે જગ્યાએ ફરિયાદ કરવા આવ્યા છીએ એ જગ્યા ખોટી છે અને આ સમયે જ અમે અમારા ઓપરેશનની શરૂઆત કરી હતી. આ ઓપરેશન અંતર્ગત અમે બે દિવસ પહેલાં અમારા કોર્પોરેટરને મોકલ્યા હતા અને અમે આજે જોડાયા છીએ.

દિવ્ય ભાસ્કરઃ તમે આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલને મળવા ગયા હતા ત્યારે તમારી ફરિયાદ શું હતી?

કનુ ગેડિયાઃ અમે એ ફરિયાદ લઈને ગયા હતા કે અહીં કોઈપણ પ્રકારનું દિશાવિહીન કામ ચાલી રહ્યું છે. અહીં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. નિર્ણાયક શક્તિનો અભાવ છે એવું લાગી રહ્યું છે અને અંદરોઅંદર ઝઘડાનો માહોલ ચાલી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કરઃ હજુ અન્ય કેટલા કોર્પોરેટર પક્ષપલટો કરશે?

કનુ ગેડિયાઃ હજુ 10-11 અન્ય કોર્પોરેટર જોડાઈ શકે અને વિરોધપક્ષ શૂન્ય થઈ જશે.

દિવ્ય ભાસ્કરઃ શાસક પક્ષ કામ નથી કરતો તો શું તમે એમાં જોડાઈને તમારા મતવિસ્તારના લોકોનું કામ કરશો?

કનુ ગેડિયાઃ અમે અમારા પૂરતો પ્રયત્ન કરીશું, દેશના વિકાસ તથા સુરતના વિકાસમાં ફાળો આપીશું, શક્ય એટલા ઝડપી કામ કરીશું.

દિવ્ય ભાસ્કરઃ તમે કોઈ નિશ્ચિત રકમ આમ આદમી પાર્ટીને આપવા ઈચ્છો છો?

કનુ ગેડિયાઃ હું આમ આદમી પાર્ટીને 1 લાખ 11 હજાર 111 રૂપિયાનો ચેક આપીશ, કારણ કે અવારનવાર પક્ષ એમ કહે છે કે અમે ગરીબ પાર્ટી છીએ, એટલે જો તમે મારા જેવા બાહોશ નેતા વિરુદ્ધ લડવા ઈચ્છતા હો તો લડો ને આ લો ફંડ હું તમને આપીશ.

દિવ્ય ભાસ્કરઃ તમે ઓપરેશનની વાત કરી રહ્યા હતા, આ ઓપરેશન કોના દ્વારા અને ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?

કનુ ગેડિયાઃ બે મહિનાથી અમે આ ઓપરેશન ચલાવી રહ્યા હતા. અમે આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન ડિમોલિશન’ રાખ્યું હતું. જે રીતે અમે એક-એક મતદાતાને મળીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. હકીકતમાં આ અમારી પર્સનલ મહેનત હતી અને અમારી આ મહેનત પાણીમાં જઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. અમારા જેવા નિર્દોષ યુવાનો સાથે રમત રમવામાં આવી, ગુજરાતની જનતા સાથે રમત રમવામાં આવી. ગુજરાતની અસ્મિતા તોડવાનો પ્રયાસ કર્યો એટલે અમે આ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશન અંતર્ગત હજુ 10-11 કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાશે. આ ‘ઓપરેશન ડિમોલિશન’ પૂર્ણ થશે ત્યારે એની જાણ કરવામાં આવશે. ‘એવરી થિંગ ઈઝ અ પ્લાન ઓફ ગેમ’.

અલ્પેશ પટેલે આપમાંથી ભાજપામાં જોડાયા.

અલ્પેશ પટેલે આપમાંથી ભાજપામાં જોડાયા.

આ પણ વાંચોઃ 27માંથી વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આપના 15 જ રહ્યાં, 1/3 કરતા વધુ ભાજપમાં જોડાવાથી પક્ષાંતર ધારો લાગશે નહીં: પરેશ પટેલ

પક્ષપલટુ અલ્પેશ પટેલની દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
દિવ્ય ભાસ્કરઃ ‘આમ આદમી પાર્ટી ડિમોલિશન’ કરીને એક કેમ્પેન ચલાવ્યું હતું, એના વિશે શું કહેશો?

અલ્પેશ પટેલઃ આમ આદમી પાર્ટીમાં અમે જ્યારે જોડાયા ત્યારે એક મોટી આશા સાથે જોડાયા હતા, નિર્વિચારધારા સાથે જોડાયા હતા, પણ એ વિચારધારા ખરી ઊતરી નથી રહી, એટલે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છીએ.

દિવ્ય ભાસ્કરઃ શું છે આ ‘ઓપરેશન ડિમોલેશન’?

અલ્પેશ પટેલઃ આ ડિમોલિશન નથી, પણ સક્સેશન છે. તમે એને અલગ રીતે સમજો છો.

દિવ્ય ભાસ્કરઃ તમારા જ સાથી કોર્પોરેટરે આ ઓપરેશન બે મહિનાથી ચાલુ કરવામાં આવ્યું છે એવું કહ્યું છે એના વિશે શું કહેશો?

અલ્પેશ પટેલ: બધાની વિચારધારા અલગ-અલગ હોય છે, તમે બીજું નામ આપી દેશો એટલે બીજું નામ ફેલાઈ જશે. તેઓ કંઈ વિચારધારા સાથે આ નામ બોલ્યા એ મને ખબર નથી, પણ જો આમ આદમી પાર્ટીની આવી જ વિચારધારા રહેશે તો ઘણા કાર્યકર્તાઓએ પક્ષ છોડી દીધો અને જેટલા પરપોટા બચ્યા છે એ પણ છોડી દેશે.

દિવ્ય ભાસ્કરઃ તમે શા માટે ભાજપમાં જોડાયા?

અલ્પેશ પટેલઃ જે વિચારધારા સાથે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એમાં સમાજવાદની વાત હતી. આ હવાહવાઈ વાતો હતી એ અમે આ અઢી વર્ષમાં અનુભવ કર્યો છે.

દિવ્ય ભાસ્કરઃ તમને પ્રજાએ આમ આદમી પાર્ટીના નામ પર મત આપ્યા હતા, હવે તમે ભાજપમાં જોડાયા તો મત આપશે?

અલ્પેશ પટેલઃ એ પ્રજા નક્કી કરશે. આમ આદમી પાર્ટીમાં રહીને અઢી વર્ષમાં શું કામ થયાં છે અને શાસક પક્ષમાં આવીને શું કામ કર્યા છે.

શાસક પક્ષના નેતા અમિત રાજપૂત.

શાસક પક્ષના નેતા અમિત રાજપૂત.

ભાજપમાં કોઈ ઓપરેશન ડિમોલિશન ચાલતું નથીઃ શાસક પક્ષના નેતા
આ અંગે શાસક પક્ષના નેતા અમિત રાજપૂતે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારનું ડિમોલિશન ઓપરેશન ચલાવવામાં આવતું નથી. આ બન્ને નેતા સ્વૈચ્છિકપણે પોતાના પક્ષમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપમાં જોડાયા છે એનું એકમાત્ર કારણ એ જ છે કે ગુજરાત અને ભારતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સબળ નેતૃત્વ કામ કરી રહ્યું છે એનાથી પ્રેરાઇને આ લોકો ભાજપમાં જોડાયા છે. ગુજરાત અને સુરતને મજબૂત કરવા માટે તેઓ ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઇને તેઓ ભાજપમાં જોડાયા છે. અમે માત્ર એટલું જાણીએ છીએ કે હવે અમે સાથે મળીને કામ કરીશું અને સાથે મળીને સુરતને આગળ લઈ જઈશું.

આપના કોર્પોરેટરો કહેતા, અમને કેમ રૂપિયા મળતા નથીઃ ઇટાલિયા
જ્યારે AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જે ગયા એ કોર્પોરેટરોને પૈસા નથી મળતા એ વાતનું દુઃખ છે, જે લોકોએ પક્ષ પલટો કર્યો એ આ પૂર્વે પણ અમને કહેતા હતા કે ભાજપના કોર્પોરેટરોને ટેન્ડર પાસ કરવામાં અઢળક રૂપિયા મળે છે. અમને કેમ રૂપિયા મળતા નથી. ભાજપના કોર્પોરેટર જો તેમના વોર્ડ વિસ્તારમાંથી કટકી કમિશન મેળવતા હોય તો એ અમને પણ મળવાપાત્ર છે. એ વખતે આમ આદમી પાર્ટી દ્વારા તેમને એવું સમજાવવામાં આવ્યું હતું કે આ પાર્ટીની પોલિસી નથી.

ભાજપે લોભ, લાલચ, કમિશનની બાંયધરી સાથે પોતાની સાથે જોડ્યા
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આવું કોઈપણ પ્રકારનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે નહીં, શક્ય છે કે ભાજપના લોકોએ આ પક્ષપલટુઓને લોભ, લાલચ, કમિશન કે કટકી કરવાની બાંયધરી સાથે તેમની પાર્ટીમાં જોડ્યા છે. આવા મુશ્કેલીના સમયમાં ભાજપ સાથે લડીને સત્યનો સાથ આપનાર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરનું હૃદયથી આભાર માનું છું, અમારા કાર્યકરો ક્રાંતિકારીઓ છે, અમે આગળ પણ આ જ રીતે કામ કરતા રહીશું અને આ લોકશાહીની હત્યા કરવાવાળાના મોઢા પર જીત મારીને અમે સત્યને સાબિત કરીશું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: