વડોદરા18 મિનિટ પહેલા
- કૉપી લિંક
પિડીતાના પરિવારે આર.ડી.સી.ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી
પિતા માટે નોકરીની ભલામણ કરાવવા ગયેલી સગીર દીકરીને પાદરાના દૂધવાળા ગામના સરપંચે નોકરીના બદલામાં સગીરાના ફોન ઉપર મેસેજ કરી બીભત્સ માંગણી કરી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી પીડિતાએ તેના પરિવાર સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી. સગીરાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
નોકરી અપાવવા વિનંતી
આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાની 16 વર્ષની સગીરા સુનિતાએ (નામ બદલ્યું છે) ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. સુનિતા પોતાના બેરોજગાર પિતાને નોકરી મળે તે માટે દૂધવાળા ગામના સરપંચ ઉત્તમભાઈ પટેલને મળી હતી. સુનિતાએ સરપંચને જણાવ્યું હતું કે, તમારી કંપનીઓમાં સારી ઓળખ છે. પિતાને નોકરીની જરૂર છે. નોકરી અપાવવા વિનંતી કરી હતી.

પરિવાર વડોદરા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા આવ્યું
નોકરીના નામે બોલાવી
જોકે, સરપંચ ઉત્તમ પટેલે સગીરા સુનિતાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી સુનિતાને પોતાની સાથે ફરવા બોલાવી હતી. સુનિતાએ સરપંચ ઉત્તમભાઇને કોઈ જવાબ ન આપતા સરપંચે મેસેજ કરી સગીરાને જણવ્યું હતું કે, તું એક વખત અહીંયા આવી જા તારા પિતાની હું નોકરી અપાવી દઈશ. તેવું જણાવી અવાર-નવાર વોટસઅપ પ૨ ફોન કરતો હતો અને મેસેજ કરી હેરાન કરતો હતો.

સગીરા પાસે બિભત્સ માંગણી કરનાર સરપંચ ઉત્તમ પટેલની ફાઇલ તસવીર
હાથ પકડી છેડતી
સરપંચ ઉત્તમ પટેલની હરકતોથી કંટાળીને સુનિતા પોતાના પિતા સાથે કંપનીમાં પિતાને નોકરી પર લગાડવાની લાલચે સરપંચ પાસે ગઇ હતી. તે દરમિયાન સરપંચ ઉત્તમ પટેલે યુવતી પાસે બીભત્સ માંગ કરી હતી અને યુવતીનો હાથ પકડી જણાવ્યું હતું કે, “ચાલ વાર નહીં લાગે” એમ કહી સુનિતાની છેડતી કરી હતી.

વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી
સરપંચ ફરાર થઇ ગયો હતો
દરમિયાન સરપંચ ઉત્તમ પટેલની વધી ગયેલી હેરાનગતિથી ત્રસ્ત સુનિતાએ વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સરપંચ ઉત્તમ પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા. જોકે, ફરિયાદ દાખલ થતા સરપંચ ઉત્તમ પટેલ ફરાર થઇ ગયો હતો.

પિડીતા સહિત પરિવારે ન્યાયની માંગ કરી
પીડિતા પરિવાર સાથે રજૂઆત કરવા આવી
પીડિતા સુનિતાએ જણાવ્યું હતું કે, સરપંચ ઉત્તમ પટેલે મારી પાસે બીભત્સ માંગણી કરી હતી. જે અંગે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, પોલીસે આરોપીની અટકાયત કરીને છોડી દીધા છે. પોલીસે નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સુનિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ આરોપીને પ્રોટેક્શન આપી રહી છે અને અમો પીડિતા તથા અમારા પરિવાર ઉપર જોખમ ઉભું કરી રહી છે. આજે હું અને મારા પરિવારજનો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને માજી સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી લેખિત રજૂઆત કરી છે. અમો ન્યાય ઇચ્છી રહ્યા છે.