અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટે સૌથી જાણીતા એવા અટલ ફૂટ બ્રિજ ઉપર વચ્ચે કાચમાંથી સીધું નદીનું પાણી દેખાય તેના માટે લગાવવામાં આવેલા આકર્ષક 8 કાચમાંથી 1 કાચમાં તિરાડો પડી ગઈ છે. આ કાચ પર તિરાડો પડતા તાત્કાલિક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેને બેરીકેટ કરી અને તેના ઉપર કોઈ ના રહે તે રીતે કોર્ડન કરી દેવામાં આવ્યુ છે. દિવ્યભાસ્કરે આજે સાબરમતી અટલ ફૂટ બ્રિજ પર લગાવવામાં આવેલા 8 કાચ અંગેની તપાસ કરી હતી તો તેમાં જાણવા મળ્યું હતું કે, આ 8 કાચ ખૂબ જ ઘસાઈ ગયા છે અને નદીનું ચોખ્ખું પાણી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી દૂરથી જ કાચ ખૂબ જ ખરાબ દેખાય છે. આ કાચ ખરાબ થઈ ગયા છે અને સેફટીના હેતુથી તેને દૂર કરવા માટે લોકોની માગ પણ ઉઠી છે.
ઉદ્ઘાટનના સાત મહિનામાં જ તિરાડો દેખાઈ
સાબરમતી રિવરફ્રન્ટ પર 27 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલ ફૂટ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનનાં સાત મહિનામાં જ રિવરફ્રન્ટ પર નદીના પાણીને સ્પષ્ટ જોઈ શકાય તેવા પાંચ લેયરવાળા આકર્ષક 8 કાચ લગાવવામાં આવ્યા છે, જેમાંથી એક કાચમાં તિરાડ પડ્યા બાદ દિવ્ય ભાસ્કરે આજે ફૂટ ઓવરબ્રિજ પર તપાસ કરી તો તેમાં આખા કાચમાં તિરાડો પડી ગઈ હતી અને તેના ઉપર સ્ટેન્ડ મૂકી અને તેને કવર કરી દેવામાં આવ્યું છે. સિક્યુરિટી દ્વારા બીજા 7 જેટલા કાચ ઉપર કોઈપણ વ્યક્તિને ઉભા રહેવા દેવામાં આવતા નથી.

તપાસમાં કાચ પર સ્ક્રેચ દેખાયા
જો કે, દિવ્ય ભાસ્કરે તમામ 8 કાચની તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ કાચ હવે ઘસાઈ ગયા છે અને ખરાબ થઈ ગયા છે. તેના ઉપર એટલા બધા સ્ક્રેચ પડી ગયા છે કે, નદીની નીચે રહેલું ચોખ્ખું પાણી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. સાબરમતી અટલ ફૂટ બ્રિજ જોવા માટે વિદેશથી એક દંપત્તિ આવ્યું હતું, તેઓ પણ આ કાચ પર ઉભા રહી અને નદીનું પાણી જોવા માગતા હતા પરંતુ, આ કાચ એટલા ઘસાઈ ગયેલા અને ખરાબ હતા કે, તેમને સ્પષ્ટ દેખાતું નહોતું. જેથી તેઓએ પાણીની બોટલ લઈ અને કાચ ઉપર નાખ્યું હતું અને સ્પષ્ટ જોવાનો પ્રયાસ કરતા હતા પરંતુ, તેમને સ્પષ્ટ દેખાડ્યું નથી જેથી ત્યાંના ઉભેલા લોકોમાં પણ હાસ્ય ફેલાઈ ગયું હતું.

6 દિવસની અંદર કાચ બદલાઈ જશે
અટલ ફૂટ બ્રિજના કાચ તૂટી જતા આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલ સહિતના રિવરફ્રન્ટનાં અધિકારીઓએ ફૂટ ઓવર બ્રિજ પર જે કાચ તૂટી ગયો હતો, તે કાચની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. બ્રિજ પર આવેલા કાચના ભાગ પર લોખંડની ગ્રીલ લગાવવા વિચારણા કરાઈ છે. 6 દિવસની અંદર કાચ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હાલ તૂટેલા કાચને બેરિકેડથી ઢાંકવામાં આવ્યા છે અને ત્યાં બે પોલીસ કર્મીઓને સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે. અટલ ફૂટ બ્રિજ મુલાકાતીઓ માટે હજુ પણ ચાલુ રાખવામાં આવ્યો છે માત્ર કાચ ઉપર કોઈને ઉભા રહેવા દેવામાં આવતા નથી.

લોકોની સેફટીનું ખાસ ધ્યાન રાખવું
અટલ ફૂટ બ્રિજ પર આવેલા સોનમ કપૂર નામની મહિલાએ જણાવ્યું હતું કે, ‘આ રીતે સાત જ મહિનામાં જે કાચ તૂટી ગયો છે તે લોકોની સેફટી માટે યોગ્ય નથી. જે 8 કાચ લગાવવામાં આવ્યા છે, તે કાચ પર સેફટી હોય તેવું લાગતું નથી, જેથી કાચને દૂર કરી દેવા જોઈએ. જ્યારે નીલમબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે, આ કાચ તૂટી ગયો છે ત્યારે તેને જલ્દીથી રીપેર કરવો છે અને લોકોની સેફટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે, નાના બાળકોની સાથે લોકો જમવા માટે આવતા હોય છે જેથી ખાસ કરીને સેફ્ટીનું ધ્યાન રાખવું છે અને જો ક્યાંય તકલીફ હોય તો તરત રિપેર કરવું જોઈએ.

યોગ્ય રીતે તેને મેન્ટેનન્સ કરવું જરૂરી
સુરતથી અમદાવાદ અટલ ફૂટ બ્રિજ જોવા આવેલા ઉમેદભાઈએ જણાવ્યું હતું કે કાચમાં તિરાડ પડી છે તો તાત્કાલિક તેને બદલી દેવા જોઈએ. આમાં મજબૂત કાચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં કોઈ વાંધો આવવો જોઈએ નહિ. યોગ્ય રીતે તેને મેન્ટેનન્સ કરવું જરૂરી છે. કોઈ આવી ઘટના બને તો તાત્કાલિક તેને બેરીકેટ કરી અને બદલી નાખવું જોઈએ તેના કારણે કોઈ તકલીફ ન પડે.
અટલ ફૂટ બ્રિજના ઉદ્ઘાટનના સાત મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક આઠ કાચમાંથી એક કાચમાં આ રીતે તિરાડો પડતા અનેક સવાલો ઉભા થયા છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતા ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું. જો ગરમીના કારણે આવી રીતે તિરાડ પડતી હોય તો હજી તો અમદાવાદમાં ગરમીની એટલી શરૂઆત જ થઈ નથી.

નબળા કાચ લગાવી લોકોના જીવ સાથે રમત
ગરમીના કારણે જો આવી રીતે કાચ તૂટી જતા હોય તો 45 ડિગ્રી તાપમાનમાં તો કાચ તરત જ તૂટી જઈ શકે અને ત્યારે જ જો કોઈ વ્યક્તિ તેના ઉપર ઉભો રહે અને તિરાડ પડે તો વ્યક્તિ નદીમાં નીચે પડી શકે છે. રિવરફ્રન્ટના અધિકારી મુજબ જો ગરમીના કારણે આવા કાચમાં તિરાડો પડતી હોય તો પછી શા માટે આવા નબળા કાચ લગાવી અને લોકોના જીવ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન રમત રમી રહ્યું છે. આવા નબળા કાચ હોય તો તેને દૂર કરી દેવા જોઈએ.