અંબાજી41 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી લાખો કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવતા હોય છે. તો અંબાજીમાં દેશભરથી ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા અને માતાજીથી પ્રાર્થના કરવા પગપાળા સંઘ લઈને અંબાજી પહોંચતા હોય છે. આજે દાંતાથી અંબાજી 20 કિલોમીટર સુધી પગપાળા સંઘ લઈ 300 જેટલા ભક્તો માતાજીના ધામે પહોંચ્યા હતા. તો વિશ્વ કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પહોંચ્યા હતા. હાલમાં ચાલી રહેલા કુદરતના કોપને શાંત કરવા જન કલ્યાણ હેતુથી આજે દાંતાના રાજપરિવાર સહિત દાંતા તાલુકાના ખેડૂતો, ગ્રામજનો અને વેપારીઓ દ્વારા દાંતાથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું.

મા આદ્યશક્તિને મનાવવા અને હાલમાં થઈ રહેલા કુદરતના કોપને શાંત કરવા આજે ખેડૂતો સહિત ગ્રામજનો અને દાંતાના રાજપરિવારે દાંતાથી અંબાજી સુધી 20 કિલોમીટર જેટલી પગપાળા યાત્રા કરી હતી અને મા અંબાના દર્શન કરી ધ્વજા રોહણ કર્યું હતું. હાલમાં ચાલી રહેલા કુદરતના કોપ જેમ કે ભર ઉનાળે ચોમાસા જેવો પડી રહેલો ધોધમાર વરસાદ અને કોરોના મહામારી જે ફરીથી પોતાનું માથું ઉંચકી રહી છે. તેના પર નિયંત્રણ થાય અને લોકોમાં સુખાકારી પ્રસરાય તેવી મા અંબાને નતમસ્તક થઈને પ્રાર્થના કરી હતી. આ સંઘમાં 300થી વધુ લોકો જોડાયેલા હતા અને દાંતાથી અંબાજી સુધીનો આ પહેલો સંઘ છે. જેમાં રાજપરિવાર સહિત આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


