રાજકોટ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેર એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ વીઆઇપી ગેટ તોડી રિક્ષા સાથે રન-વે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે ફરજ પર હાજર CISF જવાનોએ તેને અટકાવી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રિક્ષામાં ઘૂસેલો આ ચાલક નશાની હાલમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને CISF દ્વારા તેનો કબજો સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રિક્ષા ચાલક એરપોર્ટનો વીઆઇપી ગેઇટ તોડી ધૂસ્યો
પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજના ચાર વાગ્યા આસપાસ ઇન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારી હતી. દરમિયાન આ સમયે નશામાં ધૂત એક રિક્ષા ચાલક રિક્ષા સાથે એરપોર્ટના વીઆઇપી ગેઇટ પાસે ધૂસ્યો હતો અને કોઇ કંઇપણ સમજે તે પહેલા જ વીઆઇપી ગેટ તોડીને રિક્ષા સાથે રન-વે નજીક પહોંચવા પ્રયાસ કર્યો હતો.

રિક્ષા ચાલકને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો
જો કે, આ ઘટનાને લઇ ફરજ પર તૈનાત CISFના જવાનો દોડ્યા હતા અને દિપક જેઠવા નામનો રિક્ષા ચાલકને રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને ગાંધીગ્રામ પોલીસ તેની પુછપરછ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી
GJ.03.BU.7403 નંબરની રિક્ષા સાથે ચાલક VIP ગેઇટ સુધી પહોંચ્યો હતો. આ સાથે જ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે બધાનો સામનો સહિતની વસ્તુઓની ફેર ચકાસણી કરવામાં આવી હતી. આ કારણે ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી.

રાજકોટ શહેર SOG પોલીસ કાફલો એરપોર્ટ પહોંચી
જો કે, હાલ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને હાલ સ્થાનિક પોલીસની સાથે સાથે રાજકોટ શહેર SOG પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પહોંચી તપાસમાં જોડાયો છે.

