ચાર દિવસ પહેલા સિક્કિમની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક ખાબક્યા બાદ લાપત્તા થયો હતો, આજે મોતના સમાચાર મળતા ગામ આખામાં શોક છવાયો | Four days ago, an army truck went missing in the Teesta river in Sikkim, today the entire village was in mourning after the body was found. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Four Days Ago, An Army Truck Went Missing In The Teesta River In Sikkim, Today The Entire Village Was In Mourning After The Body Was Found.

મહેસાણા2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આવતીકાલ સુધીમાં પાર્થિવદેહને વતનમાં લાવવામાં આવે તેવી શક્યતા

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલીપુર ગામનો જવાનનું સિક્કિમમાં ફરજ દરમિયાન અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનો અને સુલીપુર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ચાર દિવસ પહેલા સિક્કિમમાં ફરજ દરમિયાન આર્મીની ટ્રક તિસ્તા નદીમાં ખાબકતા જવાન લાપત્તા બન્યો હતો. પરિવારજનો ચાર દિવસથી જવાન હેમખેમ મળી આવે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આજે તિસ્તા નદીમાં શોધખોળ દરમિયાન જવાનનો મૃતદેહ મળતા પરિવારજનોને તેના ખબર આપવામાં આવતા પરિવારજનો અને સુલીપુર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આર્મી જવાનની ફાઈલ તસવીર

આર્મી જવાનની ફાઈલ તસવીર

શું હતો સમગ્ર મામલો?
મહેસાણા જિલ્લાના સુલીપુર ગામમાં રહેતા રાયસંગજી ઠાકોર સિક્કિમમાં ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ આર્મીની ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે જ તીસ્તા નદીમાં ટ્રક ખાબકી હતી. આ સમયે ટ્રકમાં રાયસંગજી સાથે અન્ય એક જવાનો પણ હતો. પરંતુ, તે કૂદી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. શનિવારે નદીમાં ટ્રક ખાબક્યા બાદ ઈન્ડિયન આર્મી અને અન્ય એજન્સીઓ દ્વારા તીસ્તા નદીમાં રાયસંગજીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જે નદીમાં અકસ્માત થયો તેની તસવીર

જે નદીમાં અકસ્માત થયો તેની તસવીર

ચાર દિવસની શોધખોળના અંતે રાયસંગજીનો મૃતદેહ મળી આવ્યો
શનિવારે થયેલા અકસ્માતની જાણ સુલીપુરમાં રહેતા રાયસંગજીના પરિવારજનોને થતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. તો બીજી તરફ આર્મી દ્વારા તીસ્તા નદીમાં રાયસંગજીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસના અંતે આજે રાયસંગજીનો મૃતદેહ મળી આવતા આર્મી દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

રાયસંગજીની ફાઈલ તસવીર

રાયસંગજીની ફાઈલ તસવીર

આવતીકાલે નશ્વરદેહને વતનમાં લવાય તેવી શક્યતા
સિક્કિમમાં તીસ્તા નદીમાંથી આજે જવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ ત્યાં પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલ સુધીમાં જવાનના પાર્થિવદેહને પોતાના વતનમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે, હજી સુધી આ અંગે તંત્રને કોઈ સત્તાવાર માહિતી ત્યાંથી મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

નદીમાંથી બહાર કાઢવામાં આવી રહેલી આર્મીની ગાડી. આ ગાડી જ રાયસંગજી ચલાવી રહ્યા હતા.

નદીમાંથી બહાર કાઢવામાં આવી રહેલી આર્મીની ગાડી. આ ગાડી જ રાયસંગજી ચલાવી રહ્યા હતા.

પહેલા પ્રયત્ને આર્મીની પરીક્ષા પાસ કરી ને જમ્મુમાં પોસ્ટિંગ
સુલીપુર ગામમાં રહેતા સવાજી ઠાકોરના દીકરા અને આર્મી જવાન એવા રાયસંગજીએ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં ફોર્મ ભર્યું હતું. રાયસંગજીએ આ પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી લેતા તેમની 2017માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કીમમાં પોસ્ટિંગ થયું હતું. જ્યાં યુનિટ-517, બટાલિયન ASCમાં તેઓ ફરજ બજાવતા હતા.

આર્મી જવાન રાયસંગજી અને તેમના પત્ની અસ્મિતા

આર્મી જવાન રાયસંગજી અને તેમના પત્ની અસ્મિતા

2019માં અસ્મિતા સાથે લગ્ન થયાં, હાલ 8 મહિનાનું બાળક
આર્મીમેન રાયસંગજી ઠાકોરનાં લગ્ન ગોરીસણા ગામે રહેતા અનુપજીની દીકરી અસ્મિતા સાથે 23 મે 2019ના રોજ થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેઓ એક બાળકના માતા-પિતા બન્યાં હતાં. આ બાળક 8 માસનું જ છે.

‘સવારે 6 વાગ્યે પત્નીને કહ્યું ‘અત્યારે હું ગાડી લઈને જઈ રહ્યો છું’
જવાનના પત્ની અસ્મિતાબહેને ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં બે દિવસ પહેલા જણાવ્યું કે, શનિવારે સવારે 6 કલાકે ફોન આવેલો. આ સમયે તેમણે પૂછ્યું કે, શું કરે છે? મેં કહ્યું કંઈ નહીં એટલે તેમણે કહ્યું કે, અત્યારે હું ગાડી લઈને જઈ રહ્યો છું, મોડા ફોન કરું. ત્યારબાદ સવારે પોણા નવ કલાકે ફરી કોલ આવ્યો પણ એ દરમિયાન સરખો અવાજ ન આવતા હેલ્લો…હેલ્લો…કરતા હતા. પરંતુ મારો અવાજ જતો નહોતો. પછી ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. પછી તો સાંજ સુધી ફોન ના લાગ્યો અને અત્યાર સુધી ફોન લાગતો નથી. રાત્રે 8.30 વાગ્યે સેનામાંથી અકસ્માતની ઘટના અંગેનો ફોન આવતા સેના તરફથી જણાવ્યું કે સવારે 10 થી 11 વચ્ચે જવાનને અકસ્માત નડતા તેઓ પાણીમાં ડૂબી ગયા છે.

’10 એપ્રિલે આવવાના હતા પણ…’
અસ્મિતાબહેને આગળ જણાવ્યું કે, છેલ્લે તેઓ 24 ડિસેમ્બરના રોજ ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેઓ 15 દિવસ રોકાયા હતા અને 9 જાન્યુઆરીએ પરત ગયા હતા. પરિવારમાં લગ્ન હોવાથી તેઓ 10 એપ્રિલે પાછા આવવાનું કહીને ગયા હતા. તેઓને ત્યાં ક્વાર્ટર મળતા મને પણ ત્યાં રહેવા લઇ જવાના હતા. આ ક્વાર્ટરની માત્ર ચાવી લેવાની જ બાકી હતી બસ…

અભ્યાસની સાથે ખેતી કરતા, આર્મીમેન બનતા નવી આશા જાગી
26 વર્ષીય રાયસંગજી સેનામાં લાગ્યા પહેલાં પોતાના પરિવાર સાથે ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં પોતાના ભાઈ તથા પિતા સાથે જ રહેતા હતા. તેમજ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. જોકે અભ્યાસ દરમિયાન ખેતીમાં પિતાની મદદ કરતા હતા. જેમાં કોઈ દિવસ પાણી વાળવું, ડામા પૂરવા અને અન્ય ખેતીકામમાં પિતાને મદદરૂપ થતા હતા. જો કે રાયસંગજીને સેનામાં નોકરી મળતા પરિવારને નવી આશા અને નવી દિશા મળી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post