મહેસાણા36 મિનિટ પહેલા
- કૉપી લિંક

સતલાસણાની ભાવના હોસ્પિટલમાં પ્રસુતાના મોત મામલે પરિવાર હંગામો મચાવતા તબીબના સમર્થનમાં વડનગર,ખેરાલુ,સતલાસણાના ડોકટર ચાર દિવસથી હડતાળમા જોડાયા છે.ત્યારે આવતી કાલે સોમવારે મહેસાણાના ડોકટર પણ આ હડતાળ જોડાઈ સતલાસણાના ડોકટરને સમર્થન કરશે જેમાં સવારે આઠ થી સાંજે આઠ સુધી સ્ત્રી રોગના તમામ ડોકટર હડતાળ પર ઉતરશે.
હડતાળ પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક
હડતાળની આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા દ્વારા મહેસાણા જિલ્લામાં તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ,અર્બન આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડનગર, સહિત તમામ સંબંધિત ડોક્ટર્સ, સ્ટાફ ,પેરામેડિકલ સ્ટાફ અને જરૂરી તમામ દવાઓ સાધન સામગ્રી રેફરલ સહિતની વાહન વ્યવસ્થા ની તૈયારી સાથે આગોતરા આયોજન રૂપે આદેશ આપ્યા છે
કાલે તમામ આરોગ્યના સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ આ સ્થિતિમાં સામાન્ય જનતાને કોઈ તકલીફ ન પડે તે માટે ફરજિયાત રાઉન્ડ ધ ક્લોક 24 × 7 કલાક આરોગ્ય અને ઇમર્જન્સીની તમામ સેવા પૂરી પાડવા સાથે તમામ સ્ટાફ હેડ ક્વાર્ટર ખાતે ફરજિયાત હાજર રહેવાના પણ આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખી તમામ ઈમરજન્સીની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા તેમજ તેનું સતત મોનિટરિંગ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.આમ મહેસાણા માં કાલે સ્ત્રી રોગ નિષ્ણાંત ખાનગી ડોકટર વહેલી સવાર થી હડતાળ પર ઉતરી સતલાસણા, ખેરાલુના ડોકટરને સમર્થન કરશે.