પાલનપુર10 મિનિટ પહેલા
- કૉપી લિંક

- માર્ગ પર પડેલા ખાડા અને ગંદા પાણીથી રોગચાળાની દહેશત
પાલનપુરના મીરાગેટથી ગણેશપુરાના માર્ગમાં મોટા ખાડા હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. જાહેર માર્ગ પર મોટા ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે. જો કે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાએ ધ્યાન ના આપતા આખરે લોકોને આંદોલન કરવાની ફરજ પડશે તેમ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુર શહેરના મીરાગેટથી ગણેશપુરા તરફનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાથી લોકોને શહેરમાં જવા-આવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જાહેર માર્ગ પર મોટામોટા ખાડા પડી ગયા હોવાથી અને ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળાની પણ દહેશત વર્તાઈ રહી છે. આ રસ્તા ઉપર બાળકોને પણ આવવા જવામાં તકલીફ પડે છે. આ અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી. આમ પાલિકાની બેદરકારીને કારણે છેલ્લા કેટલાય સમયથી અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
આ અંગે સ્થાનિક રહીશ જ્યંતીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘વોર્ડ નંબર-11 માં વારંવાર ગટર ઉભરાઈ રહી છે. રસ્તો પણ બિસ્માર છે. અમારા દ્વારા અનેક વાર લેખિતમાં પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.
આ માર્ગની વરસાદ પાણીના નિકાલ માટેની કામગીરી પણ મંજૂર પણ થઇ ગયેલી છે પરંતુ તંત્ર દ્વારા ગ્રાન્ટના બહાના કાઢી અને છેલ્લા ચાર વર્ષથી કોઈ પ્રકારની કામગીરી કરી નથી. . મહિલા કોર્પોરટરના પતિ ધીરુભાઇએ જણાવ્યું હતું કે અમારા વોર્ડ નંબર-11 માં હાલ જે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે અંગે અમે પાલિકામાં રજૂઆત પણ કરી છે અને રસ્તો મંજૂર પણ કરાવેલ છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને પાણી જે ભરાય છે તેનો પણ નીકાલ કરીશું.