વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

વર્ષ 1984 દરમિયાન IPCL કંપનીની કેન્ટીનમાં રૂપિયા 680.25 જમા દર્શાવી તથા રૂપિયા 200.20 ઉધાર દર્શાવી 17 હજારની ઉચાપતનાં કેસમાં કેન્ટીન ઇન્ચાર્જને અદાલતે એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 1000નો દંડની બે અલગ-અલગ સજાઓ ફટકારતો હુકમ કર્યો છે.
ઓડીટમાં હકીકત બહાર આવી
આ બનાવ અંગેની વિગત એવી છે કે, CISF યુનિટનાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કુશાલસિંગે ફરિયાદ નોંધાવી હતી કે, શર્મા તથા ઝુત્સી IPCLની કેન્ટીન ફંડમાં ઓડિટ કરવા માટે ગયા હતા. જેમાં આરોપી વિજયકુમાર ચંદ્રરોખર નાયર ( રહે. મહારાષ્ટ્ર/મૂળ રહે. કેરાલા ) વાઉચર અને પરચેઝ વાઉચરની રકમો કરતાં વધારે રકમો કેસબુકમાં લખી 17 હજાર જેટલી રકમનો ઉમેરો કરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.
બંને તરફ ધારદાર દલીલો થઈ
આ મામલે વર્ષ 1984 દરમિયાન જવાહરનગર પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો હતો. જે કેસની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, આરોપીએ એક સરકારી સંસ્થામાં ગુનો કર્યો છે. આરોપીએ વેલ્ફેર માટે ચાલતી સંસ્થામાં ગુનો આચરીને ગુનાની ગંભીરતા વધારી છે, જ્યારે આરોપી પક્ષ તરફથી ધારા શાસ્ત્રીએ એવી દલીલો કરી હતી કે, વર્ષ 1985થી આરોપી પરેશાન થાય છે. આરોપીની ઉંમર 50 વર્ષની છે. તેમના ઉપર માતા-પિતાની જવાબદારી છે.
અપુરતી સજા સિસ્ટમને નુકસાન કરે
વધુમાં જણાવ્યું હતું કે, વધુ સજા કરવામાં આવે તો આરોપીને નુકસાન થશે. જેટલો સમય કસ્ટડીમાં રહ્યા તેટલા સમય પૂરતી સજા કરવામાં આવે અથવા ઓછામાં ઓછી સજા થાય કારણ કે, કોર્ટનાં હુકમ મુજબ હજુ વધુ ચાર્જસીટોની ટ્રાયલ પણ આરોપીએ ફેસ કરવાની છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, સમાજમાં દાખલો બેસાડવા માટે યોગ્ય સજા થવી અનિવાર્ય છે. અપૂરતી સજા સિસ્ટમને નુકસાન કરે છે.