અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક

માનવ ગરિમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના મોતના મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર વતી વકીલે ચીફ જસ્ટિસની કોર્ટમાં રજુઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હોવા છતાં અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગટર સફાઈ કામદારો પાસે મેન્યુઅલ કામ કરાવે છે. જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સ્થાનિક સરકારો પાસે જેટ મશીન નથી. તાજેતરમાં જ દહેજ, સુરત અને વલસાડમાં આવી રીતે ગટરમાં ઉતરીને મેન્યુઅલ કામ કરતા સફાઈ કામદારોના મોત થયા છે.
10 લાખ રૂપિયા વળતરની જોગવાઈ
ગુજરાતમાં 1993થી 2013 દરમિયાન આવા 152 કામદારોના મોત નોંધાયા છે. આ કામદારોના મોતને લઈને પોલીસ એફઆઈઆર નોંધવામાં આવતી નથી. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવતા નથી. આવા સફાઈ કામદારોના કેસમાં 10 લાખ રૂપિયા વળતરની જોગવાઈ છે. તે વળતર પણ મૃતકના પરિવારોને ચુકવવામાં આવતું નથી. આવા કિસ્સાઓમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ.
સોગંદનામુ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો
ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. 01 મેનાં રોજ રાજ્ય સરકારને વિગતવાર સોગંદનામુ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.