ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

નિવૃત્તિને લોકો આરામ અને કામને વિરામ આપવાનો સમયગાળો માને છે. પણ હકીકતે કેટલાંક લોકોના માટે નિવૃત્તિ એટલે નોકરી બાદ સમાજ હિતકારી નવી નવી પ્રવૃત્તિઓમાં જોડાવવું એવું થાય છે. નેચર ફર્સ્ટ ઝુંબેશ સાથે જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓએ આ વાતને ખરી સાબિત કરી બતાવી છે.
જૂનાગઢના પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્રની પ્રેરણાથી શરૂ થયેલ નેચર ફર્સ્ટ અભિયાન આજે રાજ્યના ચાર શહેરોમાં પ્લાસ્ટિક મુક્તિ માટે કાર્ય કરી રહ્યું છે. રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મહેન્દ્ર ત્રિવેદી અને એગ્રો સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન એન. પી. પટેલ આ ઝુંબેશના સંચાલક બનીને પ્લાસ્ટિક મુક્તિની સાથે અનુકૂળ અને સ્વસ્થ પર્યાવરણ માટે નવી પેઢી તૈયાર કરી રહ્યા છે. હાલ નેચર ફર્સ્ટની પ્રવૃતિઓ રાજ્યના ચાર શહેરો જુનાગઢ, ભાવનગર, હારીજ અને ગાંધીનગરમાં ચાલે છે.
ગાંધીનગરમાં દર શનિવારે અને અન્ય શહેરોમાં દર રવિવારે નિવૃત્ત કર્મચારીઓ અને સ્વયં સેવકો પ્લાસ્ટિક મુક્તિ માટે આગળ આવે છે. શહેરના વિસ્તારોમાં જઈને પ્લાસ્ટિક કચરો એકઠો કરાય છે અને આ પ્લાસ્ટિકને રિસાયકલ માટે મોકલવામાં આવે છે. આ સિવાય નેચર ફર્સ્ટ દ્વારા પાણી બચાવવા માટેના જાગૃતિ અભિયાનો, હવા પ્રદૂષણને રોકવા વાહન ચાલકોને સમજ આપવી, વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે લોક ઝુંબેશ તેમજ પરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ માટે જાગૃતિ અભિયાનો હાથ ધરાય છે.

નેચર ફર્સ્ટના સંચાલક મહેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે નેચર ફર્સ્ટ એ પ્રકૃતિને પ્રેમ કરવાનું એક વિચાર આંદોલન છે, જેમાં જેને જોડાવવું હોય તે જોડાઈ શકે છે. આ કોઈ એનજીઓ કે સંસ્થા નથી પણ પ્રકૃતિને બચાવવાનું એક જનહિતાર્થ મંચ છે. પ્રકૃતિની ચિંતા કરતાં તેઓ કહે છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે. લોકો આ વાતને સમજતા થયા છે એમ એમ સામે ચાલીને પ્રકૃતિની સેવામાં જોડાતા થયા છે. તેઓ વધુમાં કહે છે કે પ્રકૃતિ પાંચ તત્ત્વો પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ, આકાશની બનેલી છે અને આ પાંચેય તત્વોનું માનવ શરીર પણ બનેલું છે.
આ પાંચેય તત્વોને જેટલા સાચવીશું અને જેટલો પ્રેમ કરીશું, એની જેટલી કાળજી લઈશું એટલી જ સલામત પ્રકૃતિ આવનારી પેઢી માટે છોડી જઈશું.
નિવૃત કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને હાલ સેવા આપી રહેલા કર્મચારીઓ પણ સમય કાઢીને દર શનિવારે નેચર ફર્સ્ટની પ્રવૃત્તિઓમાં જોડાય છે. આજે ગાંધીનગરમાં એમનો 86મો શનિવાર હતો. દર શનિવારે એક કલાક પ્લાસ્ટિક એકત્ર કરવાનો કાર્યક્રમ રખાય છે.
આ ઉપરાંત જે લોકો શોપિંગ મોલ, દુકાનોમાં વગેરે જગ્યાએ ખરીદી કરવા આવે છે તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈને કપડાંની થેલી રિપ્લેસ કરી આપવામાં આવે છે. થેલી આપ્યા બાદ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે લોકો સુધી એક સંદેશો પહોંચાડવામાં આવે છે. નેચર ફર્સ્ટ દ્વારા 11 હજાર જેટલી કપડાંની થેલીઓ લોકોમાં વહેંચીને પર્યાવરણ પ્રત્યે સજાગ કરાયા છે.

છેલ્લા ઘણા સમયથી નેચર ફર્સ્ટ સાથે જોડાયેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની જિલ્લા શાખાના ચેરમેન જીલુભા ધાંધલ જણાવે છે કે ગાંધીનગરના સન્માનનીય વડીલો, જવાબદાર વ્યક્તિઓ, સમયનું દાન આપી, રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવી અને પર્યાવરણને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
યુવા સ્વયંસેવક અશોકભાઇ ચાવડા છેલ્લા 8 મહિનાથી દરેક શનિવારે સવારે નેચર ફર્સ્ટની પ્રવૃતિઓમાં આવે છે. તેઓ ઉત્સાહપૂર્વક કહે છે કે દર શનિવારે આયોજક દ્વારા શહેરનો એક પોઈન્ટ આપી દેવામાં આવે છે અને બધા લોકો સમયસર પહોંચીને પ્લાસ્ટિક વીણવાનું કાર્ય કરે છે. પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરેની ભેગા કરીને રિસાયકલ યુનિટ સુધી પહોંચાડવામાં આવે છે.