તાલીમબદ્ધ હોમ કેર ટેકર તૈયાર કરવા રેડક્રોસનો પ્રયાસ, સેવા સાથે રોજગારીની તકો ઉભી કરવા રેડક્રોસનો હેતુ | Red Cross effort to produce trained home care takers, Red Cross aims to create employment opportunities with service | Times Of Ahmedabad

પોરબંદર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ માનવ સેવાના કાર્યો કરવામાં આવે છે. નવનિયુક્ત ચેરમેન લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર રેડક્રોસ દ્વારા વધુ એક સેવા પ્રવૃત્તિ સ્વરૂપે એલ્ડરલી હોમકેર આસીસ્ટન્ટ કોર્ષ નામથી બે મહિનાનો તાલીમ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. બીમાર વ્યક્તિની સારસંભાળ માટે તાલીમબદ્ધ હોમ કેર ટેકર તૈયાર કરવાના હેતુ સાથે પોરબંદર રેડક્રોસ દ્વારા 18થી 45 વર્ષના યુવક યુવતિઓ માટે બે મહિનાનો એલ્ડરલી હોમકેર આસીસ્ટન્ટ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષ દ્વારા સારા હોમકેર ટેકર તૈયાર કરી બીમાર વ્યક્તિની સારસંભાળ માટે ક્વોલિફાઇડ માણસ ઉપલબ્ધ કરવાનો છે અને સેવા સાથે બેરોજગારોને રોજગારીની તકો મળી રહે તે ઉદ્દેશ સાથે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં 60 તાલીમાર્થીઓને તાલીમ અપાશે
એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ માટેના બે મહિનાના આ કોર્ષના પ્રથમ તબક્કામાં 60 યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવશે. આ કોર્ષ પૂર્ણ થયા બાદ રેડક્રોસ અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકાર માન્ય સર્ટીફિકેટ આપવામાં આવશે.જે સર્ટિફિકેટ દેશ વિદેશમાં પણ કેરટેકર તરીકેની નોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પ્રેક્ટિકલ અને થિયરી બંને તાલીમ અપાશે
બે મહિના સુધી ચાલનાર આ કોર્ષમાં થિયરી ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવશે. એક મહિનો કલાસરૂમ તાલીમ અને એક માસ હોસ્પિટલમાં પ્રાયોગિક કામ માટે પ્રેક્ટિકલમાં મોકલવા જેમાં આરોગ્યની સારસંભાળ,સારસંભાળ આપનારની ગુણવત્તા આવડતો અને જવાબદારીઓ,નાળી ધબકારા તાપમાન અને લોહીનું દબાણ માપવાની ચોક્કસ રીતો,શરીરની રચના શરીર વિજ્ઞાન,રોગોની જાણકારી,તબિબી સાધનોની જાણકારી,દવાઓ આપવાની રીત, ન્યુટ્રિશિયન, યોગાસન, માનસિક આરોગ્ય, કોમ્યુનિકેશન,ઇમરજન્સી નંબર વગેરે દરેક બાબતોની પ્રેક્ટિકલ તાલીમ પણ આ કોર્ષમાં આપવામાં આવશે. જેથી આ કોર્ષથી એક તાલીમબદ્ધ કેરટેકર તૈયાર કરી શકાય. આ કોર્ષમાં ટ્યુટર તરીકે અરવિંદ રાજ્યગુરુ તાલીમ આપશે.

રેડક્રોસની માનવતાવાદી અને ઉમદા કામગીરી સ્વરૂપે પોરબંદર રેડક્રોસ ઓફિસ ખાતે એલ્ડરલી હોમકેર આસીસ્ટન્ટ કોર્ષની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબર સોરઠીયા, ઉપપ્રમુખ અરવિંદ રાજ્યગુરુ, ખજાનચી ચંદ્રેશ કિશોર, ત્રિલોક ઠાકર, ધર્મેન્દ્ર વાઘેલા, જયેશ લોઢિયા, ભરત દાસા, જગદીશ થાનકી, કમલેશ કોટેચા, કિરણ ભટ્ટ વગેરે હોદ્દેદારો અને કોર્ષના તમામ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…