કૌભાંડી અધિકારી બચવા માટે દિગ્ગજ નેતા પાસે પગરખા ઘસ્યા, ભાજપના નેતા પાણીનું પણ પૂછતા નથી | Scam official rubs shoes with veteran leader to escape, BJP leader doesn't even ask for water | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી…

ઢાંકેચા ના ઢોલ વાગશે કે નહિ? કે પછી રાદડીયાનો દબદબો યથાવત રહેશે
રાજકોટ જિલ્લાની બે સહકારી સંસ્થામાં વર્તમાન ચેરમનેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા જ નવા ચેરમેન કોણ તે અંગે છેલ્લા 15 દિવસથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું હતું અને તેમાં પણ જયેશ રાદડિયાના હરીફ જૂથ દ્વારા બાંયો ચડાવવામાં આવી હોવાની પણ ચર્ચાઓ જોરશોરથી ચાલતી હતી. ત્યારે 12 એપ્રિલના રોજ રાજકોટ ડેરીના નવા ચેરમેન માટે ગોરધન ધામેલિયાને રિપીટ કરવામાં આવતા ફરી એકવાર રાદડિયાનો દબદબો યથાવત હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે 17 એપ્રિલના રોજ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ માટે જયેશ રાદડિયા સામે જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે હાઈકોર્ટ સુધી પહોંચેલા અને પક્ષમાં ફરિયાદો કરી ચૂકેલા હરીફ જૂથના જ લોકો અને રાજકોટ લોધિકા સંઘના જ પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા જૂથ ફરી મેદાને છે. ત્યારે ડેરી બાદ રાલો સંઘમાં રાદડિયાનો દબદબો યથાવત રહેશે કે પછી હરીફ ઢાંકેચા ઢોલ વગાડશે તે જોવું રસપ્રદ રહેશે.

કૌભાંડી અધિકારી બચવા માટે દિગ્ગજ નેતા પાસે પગરખા ઘસી રહ્યો છે
સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ કૌભાંડમાં ઝડપાયા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ચર્ચા છે કે, એક અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો બેનામી સંપત્તિ બહાર આવી શકે છે. કરોડો રૂપિયાનો કૌભાંડી અધિકારી ભાજપના દિગ્ગજ નેતાના શરણે પહોંચ્યો છે. પોતે કરેલા કૌભાંડમાંથી બહાર આવવા માટે દિગ્ગજ નેતા પાસે પગરખા ઘસી રહ્યો છે. જોકે, ભાજપના બેડામાંથી જાણવા મળ્યું છે કે, અધિકારીનો ભૂતકાળમાં જે નેતાઓ સાથે સારો ઘરોબો હતો તે હવે તેને નડી રહ્યો છે.

સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વધુ રસ
સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ માટેની ચૂંટણી લડાવવા જઈ રહી છે. ત્યારે ફરી એકવાર મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે જંગ જામ્યો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ઘણા લાંબા સમયથી સુરત ચેમ્બર ઓફ કોમર્સ ઉપર ટેક્સટાઈલના ઉદ્યોગકારોનો દબદબો હતો. હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો ચેમ્બર ઓફ કોમર્સમાં વધુ રસ લેતા દેખાઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ ઔદ્યોગિક રીતે સુરત શહેરના ઉદ્યોગને વેગ આપવા માટે એવું કોઇ મોટું કામ કરી લેતું નથી માત્ર સરકારની હાજ કરે છે છતાં પણ પદની લાલસાના કારણે રાજકીય રીતે આ પદનું પણ મહત્વ વધી રહ્યું છે.

ગુજરાત યુનિ.ના અધિકારીની બેદરકારીને કારણે કર્મચારી ઇજાગ્રસ્ત
ગુજરાત યુનિવર્સિટીના એક વિભાગમાં ફરજ બજાવતા અધિકારીની બેદરકારીને કારણે થોડા દિવસ અગાઉ પંખો પડતા એક કર્માચારીના માથામાં ઇજા થઈ હતી. જેમાં કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો. પંખાની સ્થિતિને જોઇ અગાઉ રીપેરિંગ કરવા રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ તે વિભાગમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા એક અધિકારીને કોઈ લાભ ન થતા તેમણે ધ્યાન આપ્યું ના હતું અને નિર્દોષ કર્મચારીનો જીવ જોખમમાં મુકાયો હતો. અગાઉના કુલપતિ દ્વારા આ પ્રકારની ઘટના બદલ જવાબદાર અધિકારીને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હવે અત્યારના કુલપતિની ટર્મ પૂરી થવાના દિવસ નજીક હોવાથી તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ઇન્ચાર્જ પરના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે.

90 રૂપિયાના કાગળ 109 રૂપિયા આપીને ખરીદવાનું કૌભાંડ
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડનો મુદ્દો કેટલાય દિવસથી ચાલી રહ્યો છે. 90 રૂપિયાના કાગળ 109 રૂપિયા આપીને ખરીદવામાં આવે છે. જૂની સરકારે જે કંપનીને માન્યતા આપીને ખરીદી કરવા મંજૂરી આપી હતી તે કંપની પાસેથી નવી સરકાર બનતા 90 રૂપિયાના કાગળ ખરીદી પાઠ્યપુસ્તક મંડળે બંધ કરી છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સમગ્ર મામલે મૌન સેવી દેવામાં આવ્યું છે. 60 કરોડથી વધુ પાઠ્યપુસ્તક મંડળને નુકસાન થશે અને ખાનગી કંપનીને ફાયદો થશે જેમાં આડકતરી રીતે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓનો હિસ્સો રહેશે. અનેક રજૂઆત અને ફરિયાદ થઈ છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

ભાજપના નેતા પાણીનો ભાવ પણ પૂછતા નથી
ગુજરાતીઓ મહેમાનગતિ માટે જાણીતા છે. જો કોઈપણ ગુજરાતીના ઘરે કોઇ આવે તો તેને જમવાનો આગ્રહ કરતા હોય છે. ઘરે આવતા મહેમાન કે કોઈપણ વ્યક્તિને પાણી તો જરૂર પીવડાવે છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના એક હોદ્દેદારની ચેમ્બરમાં આવતા નાગરિકો કે કોર્પોરેટરોને તો પાણીનો આગ્રહ પણ કરવામાં આવતો નથી. નાગરિકો હોય કે કોર્પોરેટરો હોય ભાજપના હોદ્દેદારની ચેમ્બરમાં જતા હોય છે પરંતુ ત્યારે પણ તેઓને સામેથી પાણીનું પૂછવામાં આવતું નથી. તેઓને સામેથી કહેવું પડે છે કે સાહેબ પાણી મંગાવો. જોકે, ભાજપના હોદ્દેદારની આ ચેમ્બરમાં જો કોઈ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય અથવા મોટા હોદ્દેદાર આવે તો તરત સાહેબને પાણી, ચા-નાસ્તો વગેરેનો આગ્રહ કરાય છે. જોકે, આ હોદ્દેદારને ત્યાં આવેલા નાગરિકો કે કોર્પોરેટરોને તો પાણીનો ભાવ પણ પૂછવાની જરૂરિયાત લાગતી નથી. હવે તો ઉનાળાની સીઝન શરૂ થઈ છે અને બપોરના સમયેમાં પાણીની જરૂરિયાત વધારે પડતી હોય છે. ત્યારે હવે આ ભાજપના હોદ્દેદારની ચેમ્બરમાં જતા નાગરિકો કે કોર્પોરેટરોને તો તરસ્યા રહેવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે.

નામ મે ક્યાં રખા હૈ
ગતિશીલ એટલે સતત વિકાસશીલ. પરંતુ, એવું લાગે છે કે, જ્યારે વિકાસના એજન્ડાને આગળ ધપાવવા માટે ઉદ્યોગ સંસ્થાઓ માટે નામકરણ કરવાની વાત આવે ત્યારે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની છાપ છોડવાનો આગ્રહ રાખી રહ્યા નથી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી (વાઇબ્રન્ટ ગુજરાત) નામકરણની આ પરંપરા આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાત નામ આપ્યું તો વિજય રૂપાણીએ સંવેદનશીલ ગુજરાતનું નામ આપ્યું હતું. પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલ (જે આનંદીબેન પટેલ નજીક માનવામાં આવે છે) પરંપરાને વિદાઇ આપી રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યાલયે કન્ફર્મડ્રેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII) તેમના વિકાસ એજન્ડામાં ‘ગતિશીલ ગુજરાત’ પસંદ કરવા માટે સહમત કર્યા છે. CCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલ, જે સરકાર સાથે તાલમાં તાલ મિલાવી કામ કરે છે. તેણે શુક્રવારે રાજ્યના વિકાસ માટેના એજન્ડાને આગળ ધપાવવા માટે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાત ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’નું અનાવરણ કર્યું હતું.

એક હોદ્દેદારને ફાયદો થયો તો એકને હોદ્દો ગુમાવવાનો વારો આવ્યો
ગત વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટ માટે ભાજપનું નાક દબાવનાર જિલ્લા હોદ્દેદારોને બે હોદ્દાનો ફાયદો થયો છે. જ્યારે એક હોદ્દેદારને સહકારી ક્ષેત્રનો હોદ્દો ગુમાવવાનો વારો આવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટમી સમયે વડોદરા જિલ્લાની એક બેઠક ઉપર ટિકિટ મેળવવા માટે હોદ્દેદારે અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી હતી. જોકે, અંતિમ ઘડીએ મોવડી મંડળે તેઓને સમજાવી લીધા હતા અને તે સમયે હોદ્દેદારોએ કરેલી બે માગ ભાજપા દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લાની અન્ય એક વિધાનસભા બેઠક ઉપર ભાજપામાં બળવો કરીને ચૂંટણી લડનાર હોદ્દેદારને વડોદરા જિલ્લાની સૌથી મોટી કહેવાતી સહકારી ક્ષેત્રનું ચેરમેન પદ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે ભાજપામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, સમય આવે ત્યારે ભાજપાનું નાક દબાવો તો કોઇપણ હોદ્દો મળી શકે છે અને જો નાક દબાવતા ન આવડે અને પોતાનું જીદ્દી વલણ અપનાવી રાખો તો હોદ્દો ગુમાવવાનો પણ વખત આવે છે. તો ભાજપામાં એવી પણ ચર્ચા છે કે, ભાજપામાં રાતો રાત હોદ્દો જોય તો હોય તો કોંગ્રેસમાંથી ભાજપામાં આવી ગયા પછી હોદ્દો મળી જાય છે. તાજેતરમાં સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા ડેરીમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં એવું જ થયું. કોંગ્રેસના ડિરેક્ટર કોંગ્રેસ છોડીને ભાજપામાં આવી જતા તેઓને બરોડા ડેરીના ઉપપ્રમુખનો હોદ્દો મળી ગયો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم