સુરત23 મિનિટ પહેલા
- કૉપી લિંક

રૂ 50 લાખથી વધુના ડ્રગ્સ સાથે SOG પોલીસે મહિલાની ધરપકડ કરી
સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સુરત SOG પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી રૂ 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું ત્યારે બીજાને નસાનું વેચાણ કરી જીવન બરબાદ કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરતાં મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.
આરોપીની પત્ની પણ ડ્રગ્સનું વેચાણ કરતી
સુરત SOG પોલીસને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારના કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જર ડ્રગ્સના કેસમાં છેલ્લા અનેક મહિનાથી લાજપોર જેલમાં બંધ છે ત્યારે તેના ડ્રગ્સના વેચાણનું રેકેટ તેની પત્ની હીના ચલાવી રહી છે અને તે ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવી તેના મકાનમાં સંતાડી રાખ્યો છે. માહિતીના આધારે SOG પોલીસે રાંદેર મોરાભાગળ સ્થિત વ્હાઈટ હાઉસની ગલીમાં તેના ઘરે દરોડો પાડ્યો હતો.

SOG પોલીસે લાખોના ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી પાડી
પોલીસે ઘરમાંથી 50.70 લાખની કિમતનું 507 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 50 હજારની કિમતનો એક મોબાઈલ, રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 51.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત ડ્રગ્સ માફિયાની પત્ની હીનાની ધરપડક કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો પતિ ઈસ્માઈલ ગુજ્જર છેલ્લા આઠેક મહિનાથી ડ્રગ્સ કેસમાં લાજપોર જેલમાં બંધ છે. જેથી તેના પતિનો ડ્રગ્સનો કારોબાર તેની ગેરહાજરીમાં જાતે જ સંભાળી લઇ ડ્રગ્સ હેરાફેરી કરતા પેડલરો પાસેથી ડ્રગ્સ મગાવી તેનું વેચાણ કરવા લાગી હતી.
ધરપકડ થયા બાદ મહિલાને ભાન થયું
SOG પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા હિનાની ધરપકડ કરતા તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. અત્યાર સુધી ડ્રગ્સનું વેચાણ કરી યુવાનોને નશાના રવાડે ચડાવી જીવન બરબાદ કરી રહી હતી ત્યારે તેને આ નસાનો કારોબાર સોનાની ખાણ જેવો લાગતો હતો. પતિની ધરપકડ થયા હોવા છતાં મહિલાને ભાન થયું ન હતું અને હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી ત્યારે તેને પશ્ચયાતાપ થવા લાગ્યો હતો.

મહિલાને ડ્રગ્સ આપનાર અને મોકલનાર બંને વોન્ટેડ
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020થી સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’નું અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને આ ઝુંબેશના ખુબ સારા પરિણામ પણ મળ્યા છે. આ સમય દરમિયાન SOG પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઈસ્માઈલ મુબારક શેખની પત્ની હીનાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 50.70 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. પતિ જેલમાં હોવાથી તેની જગ્યાએ તેનો ધંધો તેની પત્ની હીના સંભાળતી હતી.
મહિલાને ડ્રગ્સ આપનાર સાહિલ ઉર્ફે સાહિલ અરવિંદભાઈ ગોસાઈ કે જે અગાઉ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. ઈસ્માઈલ જેલમાં ગયો ત્યારથી આ આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવીને તેની પત્ની હીનાને આપતો હતો. તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. બીજો અન્ય એક આરોપી છે વસીમ નિપ્પલ તે પણ ઈસ્માઈલ ગુજ્જર સાથે કામ કરતો હતો. હમણાં તે હીના સાથે સંપર્કમાં હતો તેની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહિલાનો પતિ જુદા-જુદા કેસમાં જેલમાં બંધ
વધુમાં જણાવ્યું હતું કે, ઝડપાયેલા મહિલાના પતિ પણ નાર્કોટીક્સના ગુનામાં પકડાયો હતો. કોકેનના એક કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્મ્સ એક્ટનો પણ કેસ થયો છે સાથે-સાથે વડોદરામાં ATS દ્વારા પણ એક કેસ કરવામાં આવ્યો હતો. આ તમામ ગુનામાં આરોપી લાજપોર જેલમાં છે.
‘અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે’ : સુરત પોલીસ કમિશ્નર
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે, ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 85 કેસો કરવામાં આવ્યા છે. જે ભૂતકાળના કોઈ પણ વર્ષો કરતા આ સંખ્યા વધારે છે. કુલ 257 આરોપીઓની ધરપકડ નાર્કોટીક્સના ગુનામાં આ અભિયાન હેઠળ કરવામાં આવી છે. જેમાં ઓડીશાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, નાઈઝેરીયન જે મુંબઈમાં રહેતા હતા ત્યાથી એક, મધ્ય પ્રદેશમાંથી 1, હિમાચલમાંથી 5 અને સુરત શહેર અને બીજા જિલ્લામાંથી કુલ 147 આમ કુલ 257 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી કરવામાં આવી છે.
