વલસાડ3 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ SOGની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન SOGની ટીમને નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો આરોપી જતીન દોલતભાઈ પટેલ, હાલ વલસાડના ફણસવાડા આદર્શ વાડી ખાતે તેના ઘરે હાજર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે ફણસવાડા, આદર્શવાડી ખાતેથી જતીન પટેલને ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા ની સુચના મુજબ, વલસાડ SOGની ટીમ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પ્રયત્નશીલ બની હતી. 28 ફેબ્રુઆરી 2013 ના રોજ ચીખલીના છીપવાડ ખાતે રહેતા, આનંદકુમાર સુરેશચંદ્ર પાઠકે આરોપી જતીન દોલતભાઈ પટેલને તેમની સ્કોર્પિયો કાર નંબર DN 09 2222 રૂપિયા 2.80 લાખમાં વેચી હતી. નક્કી કરેલી વેચાણ કિંમત પૈકીના 1.30 લાખ રોકડા જતીન પટેલે આનંદભાઈને ચૂકવી આપ્યા હતા, બાકીના 1.50 લાખ રૂપિયા આરોપી ચૂકવતો ન હતો. આનંદભાઈએ રૂપિયાની માંગણી કરતા જતીન પટેલે આનંદભાઈને બેંકનો કોરો ચેક સહી કરી આપી, આ ચેક પાસ થઈ જશે તેવું વચન અને ભરોસો આપ્યો હતો. જોકે, આનંદભાઈ સાથે છેતરપિંડી કરી હતી. જેને લઇ આનંદ ભાઈએ જતીન પટેલ વિરુદ્ધ 2013 માં ચીખલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 2013 થી આરોપી જતીન પટેલ નાસતો ફરતો હતો. આ ઉપરાંત જતીન પટેલ વલસાડ રૂલર પોલીસ મથકના પણ અલગ અલગ ગુનામાં વોન્ટેડ જાહેર થયો હતો.
25 એપ્રિલ 2023 ના રોજ SOG ની ટીમને નવસારીના ચીખલી પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી જતીન દોલતભાઈ પટેલ, હાલ વલસાડના ફણસવાડા આદર્શ વાડી ખાતે તેના ઘરે હાજર હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે વલસાડના ફણસવાડા, આદર્શવાડી ખાતેથી જતીન પટેલને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને વલસાડ રૂરલ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે.