પરીક્ષા આપવા જતા ઉમેદવારોએ ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે, બેંક-કોલલેટર વિગત સાથે 254 રૂપિયાનો રિફંડેબલ ચાર્જ | Candidate will have to make online booking for travel in ST bus; Bank and call letter details have to be provided | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય ST વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે ST બસમાં મુસાફરી કરવા માટે ઉમેદવારોએ બે દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ ટિકિટ બુક કરાવવાની રહેશે. આ ટિકિટ બુકિંગની પ્રોસેસમાં ફેરફાર એટલો રહેશે કે, ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે તમારે બેંકની વિગતો અને કોલ લેટરની વિગતો અંદર મુકવાની રહેશે.

ST બસમાં મુસાફરી માટે વિદ્યાર્થીઓએ ચૂકવવા પડશે 254 રુપિયા
સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં અત્યાર સુધીમાં ST બસમાં મુસાફરી કરનારા ઉમેદવારો કોલ લેટર બતાવી અને મફતમાં મુસાફરી કરતા હતા પરંતુ, ચાલુ વર્ષે સરકાર દ્વારા 254 રૂપિયા જેટલું ભાડું ઉમેદવારોને ચૂકવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે હવે ઉમેદવારોએ પહેલા પોતાના ટિકિટનો ખર્ચ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ સરકાર તેની ચુકવણી કરશે. ST બસમાં મુસાફરી કરનારા ઉમેદવારોએ ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. જેમાં તેઓએ પોતાના બેંક એકાઉન્ટ અને કોલ લેટરની વિગતો નાખવાની રહેશે. જેથી સીધા સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરાવી દેશે અને આ ઓનલાઇન ટિકિટ બુકિંગથી ઉમેદવારોને પણ વધુ રાહત થશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 6 હજાર બસોની ગોઠવણી
ગુજરાત ST નિગમનાં MD એમ. કે ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત ST નિગમ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે ST નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવાર અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 6,000 જેટલી બસો જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મૂકવામાં આવનાર છે. સામાન્ય રીતે સ્પેશિયલ ટ્રીપ હોય તો દોઢુ ભાડું વસૂલ કરવામાં આવે છે પરંતુ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ખાસ કિસ્સામાં ઉમેદવાર પાસેથી માત્ર સામાન્ય ભાડુ જ વસુલ કરવામાં આવશે.

બે દિવસ પહેલા ઓનલાઇન બુકિંગ કરાવવુ પડશે
પરીક્ષાર્થીઓએ ST બસમાં મુસાફરી કરી અને પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું હોય તેણે બે દિવસ પહેલા ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે જેનાથી મુસાફરીમાં સરળતા રહેશે. પરીક્ષાના દિવસે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે તેના માટે 24 કલાકનો કંટ્રોલ રૂમ પણ અમદાવાદ મુખ્ય ઓફિસ ખાતે શરૂ કરવામાં આવશે.

CCTV કેમેરા મારફતે સતત નજર રાખશે
વધુમાં તેમણે અપીલ કરી હતી કે, મોટી સંખ્યામાં લોકો ST બસમાં મુસાફરી કરી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા હોય છે અને ઘણા કિસ્સામાં ભીડ વધુ થઈ જતી હોય છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારની સાથે તેમના વાલીઓ પણ આવતા હોય છે. ખાસ કરીને મહિલાઓનું ધ્યાન ST નિગમ દ્વારા રાખવામાં આવશે. સતત CCTV કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. જેથી લોકોને અપીલ છે કે, ઉમેદવારની સાથે તેમના વાલી ન આવે જેથી બસમાં ભીડ ન થાય. પરીક્ષા પૂર્ણ થયા બાદ ST બસ સ્ટેન્ડ ઉપર ભીડ વધુ થતી હોય છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સરકાર પાસે માગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post