પાંડેસરા, ભટાર અને મજુરામાં ત્રણ બાળકોને શ્વાને બચકા ભર્યા, પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ | Three children were bitten by dogs in Pandesara, Bhatar and Majura areas, the children were admitted to hospital | Times Of Ahmedabad

સુરત3 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં રખડતા શ્વાન આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા અટકવાનું નામ લેતા નથી. આજે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ત્રણ બાળકો પર શ્વાને હુમલો કરી બચકા ભર્યાના બનાવ બન્યા છે. શ્વાને બચકા ભરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામા આવ્યો છે.

ત્રણ વિસ્તારમાં શ્વાને બાળકો પર હુમલો કર્યો
આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક શનિ સંજય રામ રમતો હતો ત્યારે અચાનક શ્વાને હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે બીજા બનાવોમાં મજુરા વિસ્તાર અને ભટાર વિસ્તારમાં બાળકો રમતા હતા, તેના પર પણ રખડતા શ્વાને હુમલો કરતા બાળકોને ઈજા પહોંચી છે. આવા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. થોડા દિવસના વિરામ બાદ ફરીથી રખડતા કુતરાના બાળકો પર હુમલા વધતાં વાલીઓમાં ગભરાટનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

અગાઉ બે બાળકોના મોત થઈ ચૂક્યા છે
સુરતમાં છેલ્લા ઘણા વખતથી રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા શ્વાનો બાળકો પર હુમલો કરી રહ્યાં છે. આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. શ્વાન દ્વારા બાળકો પર હુમલામાં બે બાળકોના મોત પણ ભૂતકાળમાં થયાં છે. આવા બનાવ બાદ પાલિકા તંત્રએ શ્વાનના ખસીકરણ અને રસીકરણની કામગીરી આક્રમક બનાવી છે. જોકે, પાલિકાની આવી કામગીરી છતાં પણ રખડતા શ્વાનના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી.

أحدث أقدم