ગાંધીનગર9 કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરના કુડાસણમાં આવેલ સિટી સ્કવેર મોલમાં ખરીદી કરવાના બહાને લેડીઝ કુર્તીની ચોરી કરતી અમદાવાદની બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ગઈ હતી. જે બંનેને મોલના કર્મચારીઓએ પકડી પાડી ઈન્ફોસિટી પોલીસને સોંપી દેવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલા સિટી સ્કવેર મોલમાં મેનેજર તરીકે મહિપાલસિંહ રાજ પુરોહિત ફરજ બજાવે છે. આજરોજ સવારના દસેક વાગે તે રાબેતા મુજબ પોતાની નોકરી ઉપર હાજર હતો. એ દરમ્યાન બપોરના સમયે બે મહિલા ખરીદી કરવાનાં બહાને મોલમાં પ્રવેશી હતી. બાદમાં મોલમાં આમતેમ ફર્યા પછી બંને મહિલાઓ લેડીઝ વિભાગમાં ફરીને કપડાં જોવા લાગી હતી. જે બંનેની વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવતાં મેનેજર મહિપાલસિંહને શંકા ગઈ હતી. આથી તેણે મોલના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કરી સ્ટાફના માણસોને બંને મહિલાઓ ઉપર નજર રાખવા કહ્યું હતું.
એક મહિલા પોતે પહેરેલ મોટી કુર્તિમાં એક પ્લાઝાનો સેટ સંતાડતા કેમેરામાં જોવા મળી હતી. આ મામલે બંનેની પ્રાથમિક પૂછતાંછ કરવામાં આવી હતી. પરંતુ બંને મહિલા ચોરી કર્યાનું સ્વીકારવા તૈયાર ન હતી. આથી મોલની લેડીઝ સ્ટાફ દ્વારા બન્ને ને ટ્રાઇલ રુમમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બંનેની તલાશી લેતાં એક મહિલા પાસેથી ચોરી કરેલ પ્લાઝો મળી આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સિટી સ્કવેર મોલ પહોંચી ગઈ હતી. અને બંનેને પોલીસ ચોકી લઈ જઈ કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ખુશ્બુ નિલેશભાઈ ઘમંડે( ઉં.વ. 38 રહે. ફ્રિ કોલોની, છારાનગર, કુબેરનગર) તેમજ અંકીતા અશોકભાઈ પરમાર(છારા) (ઉ.વ.30 રહે. ચાલી નં.2, મહાજનીયાવાસ, નરોડા પાટીયા) હોવાનું જણાવ્યું હતું. અને બંને જણા ખરીદી કરવાના બહાને મોલમાં ઘૂસી હતી. પરંતુ ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.