બનાસકાંઠા કલેકટર તરીકે વરુણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો, પૂર્વ કલેકટર આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો | Varunkumar Baranwal took charge as Banaskantha Collector, farewell ceremony of former Collector Anand Patel held | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલની રાજકોટ મ્યુનિસીપલ કમિશનર તરીકે બદલી થતાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે તેમના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વિદાય લઇ રહેલા કલેક્ટર આનંદ પટેલને શ્રીફળ, સાકર આપી શાલ ઓઢાડી નવી ઇનિંગની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટર આર. એન. પંડ્યાએ નવનિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલને બુકે અને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આનંદ પટેલે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની લાગણીશીલ પ્રજાને નતમસ્તક વંદન કરી અહીંથી વિદાય લઇ રહ્યો છું. આ જિલ્લાના લોકો સરકારી તંત્રને ખૂબ આદર અને સન્માન આપે છે. આ જિલ્લાના લોકો સાથે લાગણીના તાંતણે બંધાયો છું. અહીંની પ્રજા સાથે સાથે રેવન્યુનો સ્ટાફ પણ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સ્ટાફ હોવાનું કહી ટીમ બનાસકાંઠાના કાર્યોની તેમણે પ્રશંસા કરી હતી. જે વ્યક્તિઓ સાથે ઋણાનુંબંધ હોય તેમની સાથે જીવનમાં કામ કરવાનું બનતું હોય છે. આ જિલ્લો ખુબ વિશાળ હોવાથી અનેક પડકારો પણ હતા, પરંતુ સહુના સાથ સહકારથી સંતોષકારક રીતે ફરજ બજાવી શક્યો છું. મારી સરકારી સેવા દરમ્યાન કચ્છ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડકારોની વચ્ચે કામ કરવાની સાથે ઘણું નવું શિખવા પણ મળ્યું છે. મા અંબાના ધામ બનાસકાંઠા જિલ્લા પર માતાજીના કાયમ આશીર્વાદ રહ્યા છે. આ જિલ્લામાં કામ કરવાના આત્મસંતોષ સાથે અહીંથી જઇ રહ્યો છું.

આ અંગે નવ નિયુક્ત કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તરીકે પ્રથમવાર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ખુબ સારા સંકેતો સાથે આ જિલ્લામાં આવ્યો છે. તેઓએ પૂર્વ કલેક્ટર આનંદ પટેલને જે સાથ સહકાર સ્ટાફ એ આપ્યો એવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. આપણે બધા સાથે મળીને આ જિલ્લાને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇશું એમ જણાવ્યું હતું.

આ અંગે નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યાએ વિદાય આપતા જણાવ્યું કે ભાદરવી પૂનમનો મેળો, વિધાનસભાની સામાન્ય ચૂંટણી, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સહિતના તમામ કાર્યક્રમો આપણે કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમણે નવા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં આનંદ પટેલના પરિવારજનો, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم