ગાંધીનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવી શિક્ષણ નીતિને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે ટેટ-1ની પરીક્ષા માટેના નવા નિયમો બનાવ્યા છે. જેમાં બી.કોમ. બીએડની લાયકાતને બાકાત રાખવામાં આવી છે. આથી લાયકાત હોવા છતાં ઉમેદવારો ટેટ-1ની પરીક્ષાનું ફોર્મ નહી ભરવાથી રોષ ઉઠવા પામ્યો છે. ટેટ-1ની પરીક્ષા માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગણી સાથે શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.
શાળામાં શિક્ષક બનવા માટેની લેવામાં આવતી પરીક્ષાના નિયમોમાં રાજ્યના શિક્ષણ વિભાગે ફેરફાર કર્યા છે. નવી શિક્ષણ નીતિના કારણે કરાયેલા ફેરફારને પગલે બીકોમ બીએડના ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે. ટેટ-1ની પરીક્ષા માટેની લાયકાતમાં બી.કોમ બીએડની લાયકાતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી રાજ્યના હજારો ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે.
જોકે ટેટ-1ની પરીક્ષા માટે બીએસસી, બીએની સાથે ઇન્ટ્રીગ્રેટેડ બીએડની લાયકાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બીકોમ બીએડની લાયકાતનો ઉલ્લેખ કરવા છતાં નવા નિયમોમાં સમાવેશ નહી કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. જોકે સામાજિક વિજ્ઞાનની લાયકાતને બદલે ધોરણ-9 અને 10માં યોગ અને શારિરીક શિક્ષણના શિક્ષકની લાયકાતમાં સમાવેશ કેમ કરવામાં આવ્યો છે તેવા પ્રશ્નો ઉમેદવારોમાં ઉઠ્યા છે.