મહેસાણા29 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરીક્ષાર્થીઓને પહોંચાડવા માટે એસટી વિભાગનો પણ મહત્વનો ફાળો રહ્યો. જેનો ફાયદો એસટી વિભાગને પણ થયો. ગુજરાત એસટી વિભાગે એક જ દિવસમાં એક કરોડ કરતા વધુની આવક મેળવી હતી. જેમાં મહેસાણા ડિવિઝન એક કરોડ કરતા વધુ આવક સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું છે.
ગુજરાત એસટીને એક જ દિવસમાં 10 કરોડની બમ્પર આવક
ગુજરાતમાં 7 તારીખે રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષામાં પરીક્ષાર્થીઓના નંબર અન્ય જિલ્લાઓમાં ફાળવવામાં આવ્યા હતા. જેથી તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ગુજરાત એસટી દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું ખાસ આયોજન કરાયું હતું. એસટી વિભાગ દ્વારા પરીક્ષાને લઈ માઈક્રો પ્લાન્ગિં કરાયું હતું અને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરતા રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. જેના થકી એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતા વધુની આવક થઈ હતી.
મહેસાણા ડિવિઝને 500 એકસ્ટ્રા બસ દોડાવી
મહેસાણા એસટી ડિવિઝન અંતર્ગત આવતા 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રી સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણઆ ડિવિઝનમાં જ 30 હજાર કરતા વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. જેના કારણે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની બમ્પર આવક થઈ છે. જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ છે.
ડિવિઝન વાઈઝ ST વિભાગને 7 તારીખે થયેલી આવક
ડિવિઝન | આવક (રૂપિયા) |
મહેસાણા | 10331232 |
પાલનપુર | 9548864 |
અમદાવાદ | 9201655 |
ગોધરા | 8009503 |
હિંમતનગર | 7323142 |
નડિયાદ | 7227256 |
જૂનાગઢ | 7193120 |
રાજકોટ | 6754662 |
સુરત | 5921947 |
ભુજ | 5142408 |
વલસાડ | 4998993 |
ભાવનગર | 4881354 |
વડોદરા | 4499316 |
અમરેલી | 4496031 |
જામનગર | 3649014 |
ભરૂચ | 2761819 |
કુલ | 101940516 |
પરીક્ષા પૂર્ણ થયા બાદ ડેપો પર ભારે ભીડ જોવા મળી હતી
ગઈકાલે રવિવારે બપોરના સમયે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક સાથે પરીક્ષાર્થીઓ પોતાના વતનમા જવા માટે જે તે જિલ્લાના એસટી બસ ડેપો પર પહોંચ્યા હતા. જેના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા બસપોર્ટ પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.એસટી બસ પોર્ટની અંદર અને બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ટ્રાફિક હળવો કરવામાં એસટી વિભાગને કલાકો લાગી ગયા હતા. મોડી રાત્રિ સુધી બસોનું સંચાલન કરી પરીક્ષાર્થીઓને પોતાના વતનમાં પહોંચાડવામાં આવ્યા હતા.