સરકારી નોકરીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ, સરકારે છેલ્લાં 10 વર્ષમાં 106.92 ટકા ભરતી કરી | Cabinet gave in-principle approval to fill vacancies in government jobs, government recruited 106.92 percent in last 10 years | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની પ્રવર્તમાન સ્થિતી અંગે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાણીની સ્થિતી અંગે તેમજ જીપીએસસીની આગામી 10 વર્ષીય ભરતી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો દાવો છે કે છેલ્લાં 10 વર્ષમાં 100 ટકા ભરતી કરવાના લક્ષ્યાંક સામે 106.92 ટકા ભરતી કરવામાં આવી છે.

ભવિષ્યમાં ભરતી કરવાનો રોડ મેપ તૈયાર કરાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023માં જીપીએસસીની ભરતી માટેનું કેલેન્ડર પૂરું થઈ રહ્યું છે ત્યારે આગામી 10 વર્ષ એટલે કે વર્ષ 2024-2033 માટેની ભરતી કરવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે વિવિધ વિભાગોની બેઠક મળશે અને ત્યાર બાદ કયા વિભાગની કેટલી ભરતી કરવી તે અંગે રોડ મેપ તૈયાર કરી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.

છેલ્લાં 10 વર્ષમાં 106.92 ટકા ભરતી કરી
ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે તેમ જણાવી પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં રાજ્ય સરકારનો લક્ષ્યાંક હતો કે 1,54,417 ભરતી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેની સામે સરકારે વિવિધ સંવર્ગની કુલ 1,56,417 ભરતી કરી છે. આમ, 100 ટકા લક્ષ્યાંક સામે સરકારે 106.92 ટકા ભરતી કરી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

14 જિલ્લામાં પાણીની સમસ્યા? 187 ટીમ તૈયાર કરાઈ
ગુજરાતમાં ઊનાળા દરમિયાન લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકારે 72 ડેમમાં આરક્ષિત પાણી રાખ્યા બાદ પાણીનો ઉપયોગ કરવા માટેની તૈયારી શરૂ કરી છે. જે ગામો અને વિસ્તારમાં પાણી નથી પહોંચી શકતું ત્યાં પાણી પહોંચી શકે તે માટે વ્યવસ્થા કરી છે. 14 જિલ્લામાં 187 ટીમ તૈયાર કરી છે અને પાણી પુરવઠાની જૂથ યોજના ના હેડ વર્ક રીફ્રેશર તાલીમ આપી છે જેથી યોજનાઓ ના લાભ લોકોને મળી શકે.

22 ગામોમાં ટેન્કર રાજ
પ્રવક્તા મંત્રીએ પાણી ન પહોંચતું હોય તેવા વિસ્તારો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના 2 ગામ, ગીર સોમનાથના કેટલાક વિસ્તારમાં, રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના 5 અને પડધરીના 7 ગામ, લોધિકાના 3 ગામ, જામનગરનો ધ્રોલ તાલુકા, મોરબીના વાંકાનેર તાલુકાના 3 ગામ, માળિયા-હળવદના 28 વિસ્તાર, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામ, બનાસકાંઠાના વાવ-થરાદ અને સૂઈ ગામમાં હવાડા ભરવા, અમીરગઢના 1 ગામ સહિત લગભગ 22 ગામમાં પાણીની સમસ્યા છે. આ તમામ વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બાલ વાટિકામાં પ્રવેશતા બાળકોનો પણ પ્રવેશોત્સવ
રાજ્યમાં આગામી જૂન માસથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર તારીખ 12,13,14 જૂનના રોજ પ્રવેશોત્સવ યોજશે. આ ઉપરાંત આ સત્રમાં બાલ વાટિકા પણ શરૂ કરવામાં આવી રહી છે એટલે તેમાં પ્રવેશ મેળવતા બાળકો માટે પણ પ્રવેશોત્સવ યોજાશે. જે બાળકોની ઉંમર 6 વર્ષ કરતાં ઓછી હશે તે બાળકને બાલ વાટિકામાં પ્રવેશ અપાશે. જ્યારે 6 વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાશે.

એસ કે લાંગા મુદ્દે તપાસ ચાલુ છે એટલે કંઈ ટિપ્પણી નહિ થાય- ઋષિકેશ પટેલ
પૂર્વ સનદી અધિકારી એસ કે લાંગા સામે ગુનો દાખલ કરી અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, તેમના કાર્યકાળ દરમિયાન જ ફરિયાદો મળતા તપાસ કરાવી હતી જેમાં રીપોર્ટ આવતા હવે લાંગા સામે ગુનો દાખલ થયો છે. સમગ્ર બાબતે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલને પુછવામાં આવ્યું ત્યારે તેમણે આખી બાબત તપાસ હેઠળ છે એટલે ટિપ્પણી કરવી યોગ્ય નથી તેમ જણાવતાં કહ્યું કે, ઘટનાની તપાસ બાદ કસૂરવાર સામે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત તપાસ ટીમે રીપોર્ટ આપ્યો છે કે નથી? અને આપ્યો છે તો શું રીપોર્ટ આપ્યો છે? તે પ્રવક્તા મંત્રીને ખ્યાલ નથી પણ આખી બાબત તપાસ હેઠળ હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.

Previous Post Next Post