જૂનાગઢ23 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં દીપડાના માનવ પર હુમલાઓની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ હુમલા ઉનાળાની ઋતુમાં થાય છે. જેનું કારણ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મુખ્ય વન સંરક્ષક આરાધના સહુ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ઉનાળામાં થતાં વધુ હુમલાના કારણો અને દીપડાના હુમલાથી બચવા શું તકેદારી રાખવી જોઇએ એ અંગે જણાવ્યું હતું.
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે માનવીથી લઈને પ્રાણીઓ ગરમીથી ત્રાસી જતા હોય છે. વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ આવી ચડે છે. જેમાં સિંહ અને દીપડાઓનો વધુ સમાવેશ થાય છે. ઉનાળાની ઋતુમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં હુમલાની 10 જેટલી ઘટના બનવા પામી છે. તેના પાછળનું કારણ એક જ છે કે વાડી વિસ્તારમાં ખેતરની અંદર રાત્રીના સમયે માનવી ખુલ્લામાં સૂતા હોય છે તે સમયે દીપડો ખોરાક અને પાણીની શોધમાં આવી ચડે છે અને ત્યારે માનવ પર દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. સાથે માલધારીઓ ઢોરને ચરાવવા જતા હોય છે અને ઢોર અને દીપડાના પીવાના પાણીના પોઇન્ટ એક જ હોય છે જેના કારણે પણ ઘટનાઓ બનવા પામે છે.
મુખ્ય વન સંરક્ષક આરાધના સહુ.
દીપડાઓ પાણી અને ખોરાકની શોધમાં આવતા હોય છે: આરાધના સહુ
મુખ્ય વન સંરક્ષક આરાધના સહુએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની સિઝન ચાલે છે. ઉનાળામાં દીપડા અને અમુક જગ્યા પર સિંહોના હુમલાની ઘટનાઓ બને છે. આ વર્ષે 10થી વધુ હિંસક પ્રાણીઓના હુમલાના કિસ્સાઓ બન્યા છે. આ કિસ્સાઓમાં ઘણા બાળકો પર હુમલાના બનાવો સામે આવ્યા છે. જે માણસો ખેતરોમાં રહે છે અને ખુલ્લામાં સુતા હોય છે તો આ દરમિયાન દીપડાના હુમલાના કિસ્સાઓ વધુ બને છે. ક્યારેક માનવ અને દીપડાઓના સામ સામે આવવાના કિસ્સાઓ બને છે. ત્યારે દીપડાઓ હુમલો કરે છે. ઘણા વિસ્તારોમાં પાણીની અછતના કારણે પણ દીપડાઓ રેવન્યુ વિસ્તારમાં પાણી હોવાના લીધે આવા વિસ્તારોમાં દીપડાઓ ચડી આવતા હોય છે.
હુમલાથી બચવા શું તરેદારી રાખવી જોઇએ?
આરાધના સહુ જણાવે છે કે, રાતના સમયે બાળકોને ખુલ્લા ખેતરમાં ન છોડવા જોઈએ. ખેતરમાં જે મજૂરો રહેતા હોય છે અને જે મજૂરો કે લોકો માંસાહારી હોય તેવા લોકોએ આવો ખોરાક બહાર ન મુકવો જોઈએ. જે પશુના મૃત્યુ થયા હોય તેવા પશુઓના મૃતદેહના અવશેષોને બહાર મુકવા ન જોઈએ અને મૃત પશુઓના મૃતદેહને દફનાવા જોઈએ. સિંહના હુમલાઓના કિસ્સાઓમાં જ્યારે સિંહને પજવણી કરવામાં આવે છે. ત્યારે સિંહો માનવ પર હુમલો કરે છે. સિંહો માનવ ઉપર હુમલા કર્યાના કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. સિંહ દ્વારા માનવ પર હુમલો કર્યા બાદ તેને બીજી જગ્યા પર ઢસડીને નથી લઈ જતો. કારણ કે માનવ સિંહના ખોરાકમાં આવતો નથી અને સિંહ મનુષ્યને ખાવા ટેવાયેલ પણ નથી. સિંહનો ખોરાક જૂદો હોય છે હરણ, ગાય ,બળદ, નીલગાય અને ભૂંડનો શિકાર સિંહ વધુ કરતા હોય છે. સિંહ માનવ પર ત્યારે જ હુમલો કરે છે જ્યારે સિંહની પજવણી કે કનડગત કરવામાં આવતી હોય.
તંત્ર તરફથી શું કાળજી લેવામાં આવે છે?
જ્યાં જંગલનો સુરક્ષિત વિસ્તાર છે, ત્યાં વન વિભાગ દ્વારા પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે. ઉનાળા દરમિયાન આ જંગલ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઇ વન્ય પ્રાણીઓ વન વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા કૃત્રિમ પાણીના સ્ત્રોતનો વધુમાં વધુ ઉપયોગ કરે. વન વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોમાં વન્ય પ્રાણીઓને લઈ જાગૃતિ આવે તે માટે નિશાળો અને ગામોમાં કાર્યક્રમો પણ કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા માનવ હુમલાના કિસ્સાઓમાં ઇજાગ્રસ્તોને અને મૃત્યુ પામનારને ડોક્ટરના પ્રતિભાવ મુજબ સહાય ચૂકવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ ઉનાળાની ઋતુમાં જ માનવ પર દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે જેની સામે વન વિભાગ છે અને વન વિભાગ એ વાડી વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં લેવા પણ અનુરોધ કર્યો છે.