ભુજએક કલાક પહેલા
- કૉપી લિંક
- યુનિવર્સિટીના આર્ટસના ડીન અને પીએચડી વિદ્યાર્થીએ રાજ્યની સ્કૂલોમાં પાણી અને સ્વચ્છતા પર કર્યું સંશોધન
- જુનમાં અમેરિકાની યુનિવર્સિટીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે સંશોધનપત્રની પસંદગી
કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને આર્ટસ ફેકલ્ટીના ડીન ડો.કલ્પના સતીજા તથા તેમના પીએચડી વિદ્યાર્થી મનીષ છતલાની દ્વારા રાજ્યની શાળાઓમાં પાણી અને સ્વચ્છતા સહિતની બાબતો અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.જેમાં 100 માંથી 90 ગુણ મળ્યા છે.મહ્ત્વનું છે કે,આગામી જુન મહિનામાં અમેરિકાની યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાવાની છે જેમાં કચ્છનું આ સંશોધન પત્ર પસંદગી પામ્યું છે.
કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે પૂરતા જળ સંસાધનને ટકાવી રાખવું મહત્વપૂર્ણ છે આ અભ્યાસમાં ગુજરાતના જિલ્લાઓએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG-6 લક્ષ્યાંકોને કેટલી અસરકારક રીતે હાંસલ કર્યા છે તેનું વિશ્લેષણ કરાયું છે. જેમાં મુખ્ય ટકાઉ વિકાસ, સ્વચ્છતા, આંતર-જિલ્લા અભ્યાસ પર ભાર મુકાયો છે.કુલ વાર્ષિક વરસાદના લગભગ 95% વરસાદ ચોમાસાના થોડા દિવસો દરમિયાન થાય છે.
અભ્યાસ બાદ તારણ સામે આવ્યું કે,સ્વચ્છતા સુવિધાઓના કવરેજને સુધારવા માટે ગુજરાતના ગ્રામીણ અને ઉત્તરીય પટ્ટાના વિસ્તારોમાં વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. વરસાદી પાણીનો સંગ્રહ, છત પરથી પાણીનો સંગ્રહ, ઉદ્યોગો માટે યોગ્ય કચરાના નિકાલની વ્યવસ્થા જેવી સંરક્ષણ પદ્ધતિઓનો સૂક્ષ્મ સ્તરનો વિકાસ ખાસ કરીને પાણીની અછતથી પ્રભાવિત વિસ્તારોમાં પાણીના પુનઃઉપયોગમાં મદદ કરી શકે છે રાજ્યની જળ નીતિ પણ ગતિશીલ અને જરૂરિયાતના આધારે અપડેટ થવી જોઈએ.
96% શાળામાં હેન્ડવોશની સુવિધાનો છાત્રો ઉપયોગ કરે છે
મુખ્ય 4 પરિમાણો દ્વારા જિલ્લાઓનું વિશ્લેષણ કરાયું હતું જેમાં શાળાઓમાં હાથ ધોવાની સુવિધા ,પીવાના પાણીના સ્ત્રોત, સ્વચ્છતા સુવિધા અને પાણીની ઉપલબ્ધતા 100 ના સ્કોર પર સ્થાનિક/શાળાઓમાં સૂચકાંકો બનાવાયા હતા. તપાસવામાં આવેલી 96% શાળાઓમાં હેન્ડવોશની સુવિધા હતી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ઉપરાંત સુધારેલ સ્વચ્છતા એટલે ફ્લશ ટુ પાઇપ્ડ ગટર સિસ્ટમ, ફ્લશથી સેપ્ટિક ટાંકી, ફ્લશ ટુ પિટ લેટ્રીન, વેન્ટિલેટેડ ઇમ્પ્રુવ્ડ પીટ (વીઆઇપી)/બાયોગેસ લેટ્રીન, સ્લેબ સાથે ખાડો લેટ્રીન, ટ્વીન પીટ/કમ્પોસ્ટિંગ ટોઇલેટ વિગેરેની માહિતી મળી છે.
આ જિલ્લામાં સુધારાની જરૂર
સિંગલ સ્કોર પર અનુક્રમણિકા કર્યા પછી સામે આવ્યું કે,મહેસાણા જિલ્લો 97.8 સ્કોર સાથે સૌથી વધુ અને સૌથી ઓછો દાહોદ જિલ્લાએ 74.6 સ્કોર મેળવ્યો હતો. ગુજરાત રાજ્યએ ઇન્ડેક્સ પર 89.9 સ્કોર કર્યો છે જેમાં બહુમતી જિલ્લાઓએ રાજ્યની સરેરાશ કરતાં વધુ સ્કોર કર્યો છે. કુલ 19 જિલ્લાઓએ 90 થી વધુનો સંયુક્ત સ્કોર પોસ્ટ કર્યો છે જે ઉત્કૃષ્ટ પ્રગતિ દર્શાવે છે. બધાએ શાળાઓમાં પાણીની સુવિધાની જોગવાઈમાં 90% થી વધુ કવરેજ પ્રાપ્ત કર્યું છે. ગાંધીનગર, જામનગર, મહેસાણા , રાજકોટ અને વડોદરા ટોપ 5 માં SDG 6 ના વિશ્લેષણમાં આવે છે જયારે બનાસકાંઠા,છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને પંચમહાલ છેલ્લા 5 નંબરમાં આવે છે જ્યાં હજુ સુધારાની જરૂર છે.