રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના અમીનમાર્ગ પર ગતરાત્રિના એક કાર ચાલક બેફામ બન્યો હતો. 100ની સ્પીડે નીકળેલા અજાણ્યા કારચાલકે રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતાં યુવતી ફંગોળાઇને રોડ પર પટકાતા હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં માલવીયનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવતીનું નિવેદન નોંધી કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
યુવતીને 100ની સ્પીડે આવતી કારે ટક્કર મારી
ફરિયાદી મુસ્કાનબેન જાકિરહુસેન રાઉમા (ઉ.વ.22)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અમીનમાર્ગ પર આવેલી હાઉસ ઓફ બેબીઝ નામની શોપમાં કામ કરે છે. ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ તે શોપમાંથી છૂટી ઘરે આવવા માટે અમીનમાર્ગ પર કોમલ હોમ ડેકોરની સામેની બાજુ જવા માટે રોડ ક્રોસ કરતી હતી. ત્યારે પુરપાટ 100ની સ્પીડે આવેલા અજાણ્યાં કારચાલકે તેને ઠોકર મારી નાસી છૂટ્યો હતો.
યુવતીને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઇજા
બનાવ સ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. યુવતીને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.બાદમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે કાર નંબર જીજે.37.બી.7351 ના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.