અરવલ્લી (મોડાસા)4 કલાક પહેલા
- કૉપી લિંક

શહેર હોય કે ગામડું કોઈપણ જૂની પુરાણી બાંધકામ વાળી મિલકતો ક્યારેક જોખમી સાબિત થતી હોય છે. આવી મિલકતો સામે કાયદેસર નોટિસ પાઠવી મિલકતો ઉતારી લેવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવતી હોય છે. તે મુજબ મોડાસા શહેરમાં 100થી વધુ જોખમી મિલકતોને ઉતારી લેવા પાલિકા દ્વારા નોટિસ અપાઈ છે.

ઉનાળો હવે ઉત્તરાર્ધમાં છે અને ચોમાસુ આવે એ પહેલાં જૂની મિલકતોને સુરક્ષિત ઉતારી લેવા માટે મિલકત માલિકોની ફરજ હોય છે. છતાં જોખમી મિલકતો બાબતે નિષ્ક્રિયતા દાખવનાર મિલકત માલિકો સામે મોડાસા નગરપાલિકા એ લાલ આંખ કરી છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ જુના પુરાણા શ્યામ સુંદર શોપિંગ સેન્ટરમાં 100થી વધુ દુકાનો જર્જરિત છે. દરેક દુકાનોની છતના સળિયા દેખાઈ આવ્યા છે. મુખ્ય દીવાલોમાં પણ મોટી મોટી તિરાડો જોવા મળી છે.

આમ કોઈપણ સમયે આવી મિલકતો ધરાશઇ થાય એવી સંભાવના છે. ત્યારે મોડાસા પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રિમોન્સૂન પ્લાનના ભાગ રૂપે જોખમી અને જર્જરિત ઇમારતો અંગે સર્વે હાથ ધરાતા શ્યામસુંદર શોપિંગની 100થી વધુ દુકાનો જર્જરિત અને જોખમી હાલતમાં જોવા મળી. એ તમામને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે ઉતારી લેવા માટે નોટિસો પાઠવવામાં આવી છે. જેથી આગામી ચોમાસામાં વાવાજોડા દરમિયાન મોટી દુર્ઘટનાથી બચી શકાય.