પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક
સામાન્ય ખેડૂત માટે ટ્રેક્ટર ખરીદવવું એ ખૂબ જ અઘરું કામ છે. તેથી ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એ.જી.આર.50 યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટરની સહાયતા કરવામાં આવે છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ખેડૂતોને 487.75 લાખની સહાયરૂપે 1003 લાભાર્થીઓને ટ્રેક્ટરોનું વિતરણ કરવામાં આવ્યું છે.
એ.જી.આર.50 યોજનાનો લાભ મેળવેલ લાભાર્થી એવા મેલુસન ગામના રબારી ભીખાભાઈ જીવાભાઇ જણાવ્યું હતું કે, હું ટ્રેક્ટર ભાડેથી લાવીને ખેતીવાડીનું કામ કરતો હતો. કેટલીકવાર સમયસર ખેતી કરવા ભાડેથી સાધનો મેળવવા માટે ખૂબ જ તકલીફનો સામનો પણ કરવો પડતો હતો. આ વાતની જાણ મે ગ્રામસેવક અને ખેતીવાડીના સ્ટાફને કરી હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામસેવક અને ખેતીવાડીના સ્ટાફ દ્વારા એ.જી.આર.50 યોજના વિશેની માહિતી મને આપવામાં આવી અને આ માહિતીનો ઉપયોગ કરીને મેં ટ્રેક્ટર સાધન યોજનાનો લાભ લીધો છે.
હવે મને ખેતી કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ છે. ખેતી માટે ટ્રેક્ટર હવે ભાડે નથી લેવું પડતુ. પરંતુ જ્યારે ભાડેથી ટ્રેક્ટર લાવીને ખેતીનું કામ કરતાં હતા ત્યારે ખેતી કરવાનો વાર્ષિક ખર્ચો 1,20,000 નો થતો હતો. અને હવે ખેતીવાડી દ્વારા ટ્રેક્ટરની સહાય મળવાથી મારો ખેતીનો વાર્ષિક ખર્ચ 75,000 થાય છે. જેથી મને વાર્ષિક 45000 નો ફાયદો થવા લાગ્યો છે.આ સાધન સહાય મળવાથી ખેડ, વાવણી, આતરખેડ તેમજ થ્રેસીંગ સમયસર થાય છે.
ટ્રેક્ટરની ખરીદી પર નાણાકીય સહાય અંગે વિસ્તરણ અધિકારી અંકિત જોષીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો ખેતી કામમાં યાંત્રીકરણનો મહત્તમ ઉપયોગ કરે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટરની ખરીદી પર નાણાકીય સહાય આપવામાં આવે છે 40 પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે 45000 તથા 40 પીટીઓ હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના મોડલ માટે 60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. અરજી કર્યા બાદ માન્યતા પ્રાપ્ત મોડલ ખરીદી શકાય છે.
માન્યતા પ્રાપ્ત મોડેલ અને વેચાણકર્તાઓની યાદી આઇ ખેડુત પર ઉપલબ્ધ હોય છે ત્યારબાદ પૂર્વ મંજૂરી મળ્યા બાદ 60 દિવસ સુધીના સમય મર્યાદામાં જરૂરિયાત મુજબના સાધનીક કાગળો પોતાના ગામના ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી પાસે જમા કરાવવાના હોય છે ત્યારબાદ ખેતીવાડી તંત્ર દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂતોને સહાય ચુકવવામાં આવે છે આ યોજના અંતર્ગત 2022-23માં પાટણ જિલ્લામાં કુલ 1003 ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 4.86 કરોડની સહાય ચુકવવામાં આવી છે.
આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક હિતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. આ નિર્ણયમાંથી જ એક નિર્ણય એ.જી.આર.50 યોજનાનો છે .આ યોજનાનો લાભ આજે અનેક ખેડૂતો લઈ રહ્યા છે. એ.જી.આર.50 યોજના થકી આજે ખેડૂતોનું જીવન બદલાયું છે, અને તેઓને આર્થિક રીતે અનેક ફાયદા થયા છે.