પંચમહાલ (ગોધરા)27 મિનિટ પહેલા
- કૉપી લિંક

ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત પંચમહાલ જિલ્લાના 103 બાળકો અને 42 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પરિવારો અને બાળકોને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન (CISS) અન્વયે જિલ્લાના સંકલનના 42 અધિકારીઓએ બાળકો અને પરિવારની સંપૂર્ણ જવાબદારી લઈને દત્તક લીધા છે.

જિલ્લા કલેક્ટર આશિષ કુમારે ગોધરા સ્થિત પાનમ કોલોની પાસે રહેતા રવિ નાગોરાના બે બાળકો દિવ્યાંગ અને પ્રિયંકાને દત્તક લઈને પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આ પરિવારના ઘરે જઈને તમામ બાબતોની વિગતો મેળવી હતી. જેમાં સરકારી સહાય સહિત વિવિધ ડોક્યુમેન્ટને ચેક કરીને પરિવાર તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે બાળકને વ્હાલ કરીને બાળકના અભ્યાસ માટે પુસ્તકો અને ચોકલેટ ભેટ કરી હતી. આ સાથે તેમણે તમામ પ્રકારની મદદ તથા માતા પિતાને પોતાના કૌશલ્ય મુજબ ધંધો કરવા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. બાળકને આગળ અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી હતી. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી લખારા અને મામલતદાર હાજર રહ્યા હતા.

હવે પછી દત્તક લીધેલા બાળકોના જીવન ધોરણમાં સુધારો કરવા તેમજ માનસિક અને શારીરિક વિકાસમાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે. જેમાં બાળકોનાં આરોગ્યની સમયાંતરે ચકાસણી કરવી, શિક્ષણ સંબંધિત તમામ જરૂરિયાતો જેવી કે યુનીફોર્મ, ટ્યુશન ફી, સાહિત્ય અને સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ પરિવારોના તમામ સભ્યોના જીવન વીમા લેવા તેમજ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવા ખાતરી અપાઈ હતી.

