આઇપીએલ સટ્ટોડિયાને પકડવા રાજકોટ પોલીસનાં દરોડા, 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત | Rajkot Police raids to nab IPL bettors, 1.08 lakh worth of money seized; Woman committed suicide by hanging | Times Of Ahmedabad

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે મટુકી રેસ્ટોરેન્ટ પાસે નંદનવન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-201માં દરોડો પાડતા ત્યાં રહેતા હેમરાજ લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.વ.36) અને ચેતન ઉર્ફે આર.સી. હસમુખભાઇ રાઠોડ (ઉ.વ.31)ને આઇપીએલમાં ચાલતી દિલ્હી કેપિટલ અને પંજાબ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી Golf-777.com નામની એક ક્રિકેટ સટ્ટાની આઈડી મળી આવી હતી. જેને લઇ પોલીસે તેઓ પાસેથી રોકડ 11 હજાર,ચાર મોબાઇલ અને લેપ ટોપ સહિત રૂ.1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછમાં આ ક્રિકેટ આઈડી જય ઉર્ફે સની ઉર્ફે કુમાર પટેલનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મહિલાએ ગળાફાસો ખાઈને જીવ ટૂંકાવ્યો
રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા પરશુરામ મંદિરની સામે ઓરડીમાં રહેતી શીતલબેન રમેશભાઈ ટોયટા (ઉ.વ.23) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. શીતલબેનના બે મહિના પૂર્વે જ લગ્ન થયા હોવાનું અને તેમના પિતાનું છ મહિના પહેલા અવસાન થયું હોવાનું પોલીસ પુછપરછમાં સેમ આવ્યું છે. જયારે તેમના પતિ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા હોવાનું પ્રાથમિક પુછપરછમાં સેમ આવ્યું છે. હાલ પોલીસે શીતલબેનના આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

સ્પીડબ્રેકર પર બાઈક અથડાતા નિધન
જેતપુરના અમરનગરમાં રહેતા અસ્મિતાબેન પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.36) ગઇ તા.15.05.2023 ના રોજ તેના પતિ પ્રકાશભાઇ સાથે બાઇકમાં સવાર થઇ બહારગામ જઇ રહ્યા હતા ત્યારે અમરનગર ગામથી આગળ સ્પીડબ્રેકર આવતા મહિલા બાઇક પરથી રોડ પર પટકાયા હતા, જેને માથામાં ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સારવારમાં જેતપુર હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીમારીની દવાનો ઓવરડોઝ લેતા બેભાન
રાજકોટ નજીક વાવડીમાં પોલીસ ચોકી પાછળ રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા કોન્ટ્રાકટર વિનોદભાઇ પ્રભુભાઇ જોટાણીયા (ઉ.વ.53) ગઇકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ રેસકોર્ષ બગીચામાં બેસી બીમારીની દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન થઇ ગયા હતા. જેમને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. વિનોદભાઇના પુત્રએ જણાવ્યું હતું કે, તેના પિતાએ કોઠારીયા રોડ પર એક બાંધકામ સાઇટનું કામ રાખેલ હતું. જે બાંધકામનો સમય બિલ્ડરને આપેલ હતો તે સમયે કામ પુરૂ ન થતા તેમને લાગી આવ્યું હતું અને પગલુ ભર્યુ હતું.

ફરિયાદીના પગને બાઈક અડતા મારામારીનો ગુનો નોંધાયો
રાજકોટના પુનિતનગર વિસ્તારમાં વૃંદાવન શેરી નંબર-1માં રહેતા રવિરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.28) દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાઇક નંબર જીજે.36.ઇ.5596 ના ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિરાજસિંહ ઈમ્પિરિયલ હાઇટસમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય અને ગેટ પર ટ્રાફિક નિયમન કરાવતા હતા. ત્યારે આરોપીએ અહીંથી બાઇક લઈને આવતા ફરિયાદીના પગને આ બાઈક અડી ગયું હતું. જેથી તેમણે થોડીવાર રાહ જોવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇ ગાળો બોલી ફરિયાદીને મારમાર્યો હતો. આ અંગે માલવીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ​​​​​​​
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળ ખાતે શીતળા માતાના મંદિર પાસે આંબેડકરનગરમાં રહેતી જયોતિ બોઘાભાઇ વાણવી (ઉ.વ.21) નામની યુવતીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી જે બાદ શાપર પોલીસે આવી કાર્યવાહી કરી હતી. યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે ગઇકાલે તે કંપનીમાં કામે ગયા બાદ સાંજે ઘરે પરત ફરી ત્યારે મે તેમની પાસે મોબાઇલ ફોન જોવા માગ્યો હતો. જે મામલે ભાઇ-બહેન વચ્ચે ચડભડ થઇ હતી અને હું ઘરેથી બહાર નીકળી ગયો હતો અને ઘેર પરત ફર્યો ત્યારે તેને ફીનાઇલ પી લીધી હતી. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.