ધો.12 સાયન્સના રિઝલ્ટમાં 10% અસર પહોંચી, ગુજરાતમાં 20થી 50 હજાર ડમી વિદ્યાર્થી કરે છે અભ્યાસઃ શિક્ષણવિદો | 10% effect reached in 12th science result, 20 to 50 thousand dummy students study in Gujarat: Educationists | Times Of Ahmedabad

અમદાવાદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડમી સ્કૂલની લાલચ આપી સ્કૂલ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉજળા ભવિષ્યની ગેરંટી આપી રહ્યા છે. ગુજરાતમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો તેની સીધી અસર આજે ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં જોવા મળી છે. આ વર્ષનું રિઝલ્ટ 13 વર્ષમાં સૌથી નીચું ગયું છે. ખાસ કરીને ડમી સ્કૂલ સાથે સંકળાયેલા ક્લાસિસ ગ્રામ્ય અને શહેરી વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવાના સપના દેખાડે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ડમી સ્કૂલની નવી પ્રલાણી ઘર કરી ગઈ છે તેની પોલ આજના રિઝલ્ટે ખોલી છે. શિક્ષકવિદો, શાળા સંચાલકો અને વિદ્યાર્થી સાથે વાત કરી ડમી સ્કૂલ અને કોચિંગ કેવી રીતે શિક્ષણની ઘોર ખોદી રહી છે તેના વિશે ખાસ દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. જેમાં શિક્ષણવિદોના મતે ગુજરાતમાં 20થી 50 હજાર ડમી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ખાનગી કોચિંગ ક્લાસિસ અને ડમી સ્કૂલનો ટ્રેન્ડ
ખાનગી કોચિંગ ક્લાસિસ અને ડમી સ્કૂલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને કારણે નિયમિત ચાલતી સ્કૂલોમાં 11 અને 12 સાયન્સના વર્ગ ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. વિદ્યાર્થીઓ ધોરણ 11માં આવતા જ કોચિંગમાં એડમિશન લઈ લે છે, ત્યારબાદ કોચિંગ ક્લાસ દ્વારા જ ડમી સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવે છે. જેના કારણે સ્કૂલમાંથી જ તૈયારી કરાવવાની પ્રથા ધીમે ધીમે દૂર થઈ રહી છે અને વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસિસ પર નિર્ભર બની રહ્યા છે.

સ્કૂલ સંચાલકોની લાલચ ભારે પડી રહી છે
ગુજરાતમાં 12 સાયન્સના પરિણામ બાદ સારી કોલેજમાં એડમિશન માટે લેવાઈ રહેલી એક્ઝામ માટે અનેક પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચાલી રહ્યા છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં વાલીઓને ડમી સ્કૂલમાં ભણવા માટે આગ્રહ કરી સમજાવવામાં આવી રહ્યા છે અને બધું જ ભણતર તેમને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપવામાં આવશે તેવી પટ્ટી ભણાવી સમજાવવામાં આવે છે. ત્યારે ખાનગી ઇન્સ્ટિટયૂટ દ્વારા ચાલી રહેલી ડમી સ્કૂલના ભણતરનું આજના પરિણામે ચિત્ર ખોલી દીધું છે.

ખાનગી કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓને એક જ સાહિત્ય અપાઈ છે
અમદાવાદની વિજયનગર સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પાઠકે જણાવ્યું હતું કે, ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને એક જ સાહિત્ય આપવામાં આવે છે, જેમાંથી JEE, NEET અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે છે, તો ગુજરાત બોર્ડ દ્વારા એક પૂરક સાહિત્ય તૈયાર કરવામાં આવે તો NEET,JEE અને બોર્ડની પરીક્ષા તૈયારી કરી શકે. આ કરવાથી વિદ્યાર્થીઓ સ્કૂલ સાથે જોડાયેલા રહેશે અને એક જ સાહિત્યમાંથી જ તૈયાર કરશે તો સરળતા રહેશે.

ડમી સ્કૂલ અંગે શિક્ષણ વિભાગ અજાણ નથી
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર આવેલી જય અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશ શાહે જણાવ્યું હતું કે, વાસ્તવિક શાળાઓ અને ડમી શાળાઓ… વાસ્તવિક શાળાઓ એટલે એવી શાળાઓ જેની મંજૂરી માધ્યમિક શિક્ષણ બોર્ડ આપે છે. જ્યાં વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, પૂર્ણકાલિન ત્યાં અભ્યાસ કરે છે, બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરે છે અને પરિણામ જ્યારે આવે છે, તે શાળાનું હોય છે અને ડમી શાળાઓ કે જેના અંગે શિક્ષણ વિભાગ પણ જાણે છે, કશું એમનાથી અજાણ નથી.

ડમી વિદ્યાર્થી આખું વર્ષ સ્કૂલમાં હોતો નથી
પરેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમુક એવા કોચિંગ ક્લાસ શાળાઓને સંપર્ક કરે છે, શાળાઓ વિદ્યાર્થીઓને ફક્ત પ્રવેશ આપે છે. વિદ્યાર્થી આખુ વર્ષ શાળાના સંપર્કમાં નથી હોતો અને તે મોટા મોટા કોચિંગ ક્લાસમાં જાય છે. શાળાઓમાં તો વિદ્યાર્થીઓની ફક્ત હાજરી બતાવવામાં આવે છે અને ત્યાંથી માત્ર બોર્ડનું ફોર્મ ભરાય છે. જો આવું જ ચાલતું રહેશે તો વાસ્તવિક સ્કૂલોની ઓળખ આપણે ગુમાવી દઇશું.

તોતિંગ ફી ગરીબ-મધ્યમ વર્ગ ભરી શકતો નથી
પરેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ નહીં મળે. કારણ કે શાળાઓની એક કે બે વર્ષની ફી સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા હોય છે. આટલી ફી વિદ્યાર્થીઓના વાલીઓને ભરવાની આવશે તો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. ખરેખર શાળાઓમાં વિદ્યાર્થીઓને શીખવું જોઇએ અને ઘડતર થવું જોઈએ એ નહીં થાય, માત્ર પ્રોફેશનલ વિદ્યાર્થીઓ જ આપણા સમાજમાં જોવા મળશે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ.

ડમી સ્કૂલથી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, ડમી સ્કૂલ 100% બંધ થવી જોઈએ. ડમી સ્કૂલ મારફત વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ફંડામેન્ટલ સ્કૂલ ધોરણ 6થી શરૂ કરી દેવામાં આવે છે. આનાથી બાળકનું બાળપણ છિનવાઇ જાય છે. બાળકનું બાળપણ જોખમાઇ છે. રાજકોટમાં લગભગ અંદાજે 2000 જેટલા અને ગુજરાતમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે.

ડમી સ્કૂલ સામે મારો સખ્ત વિરોધ છે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ ડમી સ્કૂલ અંગે જણાવ્યું હતું કે, રેગ્યુલર ટીચિંગ ક્યારેય પણ છોડવું ન જોઈએ. સાંજના સમયે એક્સ્ટ્રા સમય દરમિયાન કોચિંગ ક્લાસ કરી જ શકાય છે. ડમી સ્કૂલ સામે મારો સખ્ત વિરોધ છે તે બંધ થવું જ જોઈએ. આ મામલે સરકારે પણ ગંભીરતાપૂર્વક આકરા પગલાં લેવા જોઈએ અને આવી ડમી સ્કૂલો બંધ કરાવવી જોઈએ. ગાંધીનગર ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે જ્યાં દરેક જિલ્લાની દરેક શાળાના વિદ્યાર્થીઓનો રોજની હાજરી તેમજ અન્ય તમામ ડેટા સાથે વિગતવાર માહિતી ઉપલબ્ધ હોય છે. સરકારને પણ ડમી સ્કૂલ વિશે માહિતી હશે જ તે ચોક્કસ સંપૂર્ણ બંધ થવું જોઈએ.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા.

ડમી સ્કૂલમાં વિદ્યાર્થીને પૂરતું કોચિંગ મળતું નથી
ડી.વી. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ડમી સ્કૂલમાં વિદ્યાર્થીને પૂરતું કોચિંગ મળતું નથી. ભાષાનો કોઈ અભ્યાસ કરાવવામાં આવતો નથી અને સાથે સાથે વિદ્યાર્થીને સમાજ વિશે કોઈ જ્ઞાન કે મહત્વ સમજાવવામાં આવતું નથી, જેની અસર પણ આગળ જતા વિદ્યાર્થીને મુશ્કેલીરૂપ સાબિત થાય છે. રાજકોટમાં અંદાજિત આવા 1500થી 2000 વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે.

ડમી સ્કૂલ સદંતર બંધ થવી જોઈએ
ડી.વી. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આખા ગુજરાતમાં 50,000 વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે. સ્કૂલ સંચાલકોની પણ બેદરકારી કહેવાય કે, તેઓ લાલચમાં આવી આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેતા હોય છે. કોચિંગ ક્લાસિસવાળા સ્કૂલ સંચાલકને 15થી લઈ 30 હજાર સુધી રકમ આપવાની લાલચ આપતા હોય છે. પરંતુ આ વ્યાજબી નથી, આ ડમી સ્કૂલ સદંતર બંધ થવી જોઈએ.

વડોદરાના શિક્ષણવિદ ભરતસિંહ રાઠોડ.

વડોદરાના શિક્ષણવિદ ભરતસિંહ રાઠોડ.

વિદ્યાર્થીઓના જીવન માટે ખૂબ ઘાતક છે
વડોદરાના શિક્ષણવિદ ભરતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આજની શિક્ષણની પરિસ્થિતિ વિચિત્ર પ્રકારની છે. સરકારનો અભિગમ એ પ્રકારનો છે કે, વિદ્યાર્થીઓ શાળાઓમાં જાય નહીં અને ખાનગી ઇન્સ્ટિટ્યૂટો અને સંસ્થાઓમાં અભ્યાસ કરે અને આગળ વધવાનો પ્રયત્ન કરે, પણ આ બાબત ખરેખર વિદ્યાર્થીઓના જીવન માટે ખૂબ ઘાતક છે. વિદ્યાર્થીની ભાવિ કારકિર્દીનું પ્રવેશદ્વાર જ શાળા છે. જો વિદ્યાર્થી શાળામાં પ્રવેશ નહીં કરે અને ખાનગી ઇન્સ્ટિટ્યૂટો અને સંસ્થાઓની અંદર જઈને કારકિર્દીનું ઘડતર કરવા માગશે તો ક્યારેય એ સફળ થઈ શકશે નહીં.

શિક્ષણ અને વિદ્યાર્થીના જીવનમાં શાળા કેન્દ્ર સ્થાને છે
ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થી શાળાના પગથિયા ચડશે તો જ એનામાં સંસ્કારોનું સિંચન થશે. એ પોતે શિસ્ત અને નિડરતાના ગુણ શીખશે. જીવનની અંદર આગળ કેવી રીતે વધવુ અને ખેલદિલીની ભાવના કેવી રીતે મેળવવી, આજનું વિશ્વ ખૂબ વિશાળ છે, શિક્ષણ જગત પણ ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે શાળા એ મહત્વનું અંગ છે. શિક્ષણ અને વિદ્યાર્થીના જીવનમાં શાળા કેન્દ્ર સ્થાને છે.

ડમી સ્કૂલ શિક્ષણ જગત માટે ખૂબ જ નિંદનીય
ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, શાળાને બાજુમાં મૂકીને આવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય તો એ શિક્ષણ જગત માટે ખૂબ જ નિંદનીય છે અને આગળ પ્રગતિ કરી શકશે કે નહીં તે અંગે મોટો પ્રશ્ન છે. માર્કશીટના આધારે એનું મૂંલ્યાકન કરવાનું થાય તો થોડા માર્ક વધારે આવશે પણ જીવનની અંદર આગળ વધવામાં એ એને મદદરૂપ થશે નહીં. શાળામાં વિદ્યાર્થીઓએ જવું જ જોઈએ અને એના દ્વારા એનો વિકાસ થશે.

ડમી સ્કૂલમાં માત્ર નામની હાજરી પૂરાઇ છે
અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ફક્ત બોર્ડની પરીક્ષામાં બેસવા અને નિયમિત વિદ્યાર્થી છે તેવું બતાવવા માટે નોંધાયેલી વિજ્ઞાન પ્રવાહની સ્કૂલમાં નામ ચાલે છે અને હકિકતમાં રાજ્ય બહારથી આવેલા ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં હાજર હોય છે. ડમી સ્કૂલમાં માત્ર નામની હાજરી પૂરાઇ છે. ભૂતકાળમાં શિક્ષણમંત્રીએ ભૂતિયા વિદ્યાર્થીઓ અને સ્કૂલો પકડી જ હતી. સરકારને ખબર છે કે, બહારથી આવેલા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણે છે તો શા માટે ચલાવી લેવામાં આવે છે.

વડોદરાની શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયના સંચાલક દિનેશ યાદવ.

વડોદરાની શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયના સંચાલક દિનેશ યાદવ.

વિદ્યાર્થીઓ સ્કૂલથી દૂર થઈ રહ્યા છે
વડોદરાની શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયના સંચાલક દિનેશ યાદવે જણાવ્યું હતું કે, આમ તો સરકાર ડમી સ્કૂલ કે કોન્સેપ્ટ સ્કૂલને મંજૂરી આપતી જ નથી, પણ લોકો કોન્સેપ્ટ સ્કૂલ કરીને ચલાવી રહ્યા છે. વિદ્યાર્થી ડમી સ્કૂલમાં જાય જ નહીં અને કોચિંગ ક્લાસમાં જાય છે, એ મેથડ ખોટી છે અને વિદ્યાર્થીઓને સ્કૂલથી દૂર કરતી જાય છે. કોચિંગ ક્લાસ માટે પ્રોત્સાહન આપતી જાય છે. અમારે ત્યાં ધો.11 અને 12માં વિદ્યાર્થીઓ આવે છે અને સ્કૂલમાં ભણે છે. તેઓ કોઈ મોટા ટ્યુશન ક્લાસની ફી એફોર્ડ કરી શકતા નથી. જેની પાસે પૈસા છે એ લોકો આવી વસ્તુઓમાં જઈ રહ્યા છે, જે ભવિષ્ય માટે સારું નથી. સરકાર જ્ઞાનસેતુમાં એક બાળક પાછળ 20 હજાર રૂપિયા ખર્ચીને ભણાવવાનો પ્રયાસ કરી રહી છે.

દેખાદેખીમાં હવે વાલીઓ ખર્ચા કરે છે
વડોદરા શહેર આચાર્ય સંઘના પ્રમુખ અને મહાત્મા ગાંધી સ્કૂલના પ્રિન્સિપાલ હેતલ પટેલે જણાવ્યું હતું કે, ડમી સ્કૂલના કોન્સેપ્ટથી વિદ્યાર્થી ક્લાસરૂમથી દૂર થઈ રહ્યો છે. સાયન્સના પ્રોક્ટિકલ જે સ્કૂલમાં કરવાના હોય તે આવી ઇન્સ્ટિટ્યૂટ કે કોન્સેપ્ટ સ્કૂલો એવોઇડ જ કરે છે અને થિયરી પર જ ચાલે છે. આ તો 10 વર્ષથી ચાલે છે અને હવે આ બધું ખૂબ જ વધી ગયું છે. સાયન્સ પ્રવાહમાં રાજ્યમાં આ વખતે 1.10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી IITમાં જવાવાળા વિદ્યાર્થીઓનું સંખ્યા ખૂબ જ ઓછી છે, તેમ છતાં દેખાદેખી હવે વાલીઓ ખર્ચા કરે છે. જે વિદ્યાર્થી ગુજરાતની બહાર જવુ જ નથી. તો એને આકાશ કે IITમાં ન જાય અને ગુજરાત સરકારના કોર્સમાં ગુજકેટની પરીક્ષા આપે તો વિદ્યાર્થી સરળતાથી પ્રવેશ મેળવી શકે છે.

ટ્યુશન ક્લાસિસ માટે પણ કોઈ પોલિસી બનાવવી જોઈએ
અમદાવાદના એચ.બી કાપડિયા સ્કૂલના મુક્તક કાપડિયાએ જણાવ્યું હતું કે, સરકાર પણ જાણે જ છે કે, ખાનગી કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. કોચિંગ ક્લાસ માટે કોઈ રેગ્યુલેશન નથી. નવી શિક્ષણ નીતિમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે તો ટ્યુશન ક્લાસિસ માટે પણ કોઈ પોલિસી બનાવવી જોઈએ. જેથી તેના પર અંકુશ આવી શકે. આ ઉપરાંત સંચાલકોએ શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેથી પરિણામમાં પણ સુધારો આવે.

ક્લાસિસ વગર 99.87 % PR લાવનાર વિદ્યાર્થિની રાધિકા સાનગઠીયા

ક્લાસિસ વગર 99.87 % PR લાવનાર વિદ્યાર્થિની રાધિકા સાનગઠીયા

રેગ્યુલર સ્કૂલ જતી અને 99.87 પીઆર મેળવ્યા
સુરતમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની રાધિકા સાગઠીયા આજે જાહેર થયેલી ગુજકેટમાં 99.87 % PR લાવી હતી, ત્યારે તેની સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, મેં કોઈ પણ પ્રાઈવેટ કોચિંગ કે ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લીધું નથી. મેં માત્ર શાળામાં ભણાવવામાં આવતા અભ્યાસ પર જ ધ્યાન આપીને આ પરિણામ હાંસલ કર્યું છે. મારી સાથે ભણતી અનેક મારી ફ્રેન્ડ જુદી જુદી પ્રકારની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતી હતી. પરંતુ તેમાંથી કોઈ પણ ફ્રેન્ડના સારા માર્ક આવ્યા નથી. મારી તમામ ફ્રેન્ડ કરતા હું કોઈ પણ કોચિંગ ક્લાસમાં ગઈ નથી. તેમ છતાં મારા તેમના કરતાં સારા પર્સન્ટાઈલ ગુજકેટમાં આવ્યા છે.

કોચિંગ ક્લાસમાં જવા કરતા સ્કૂલમાં ભણવું જોઈએ
ગ્રાન્ટેડ સ્કૂલના પ્રિન્સિપાલ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ તરફ વળ્યા છે. વિદ્યાર્થીઓને ડમી સ્કૂલમાં એડમિશન પણ અપાવવામાં આવે છે. જેનાથી ગ્રાન્ટેડ સ્કૂલમાંથી ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલમાં પણ અનુભવી શિક્ષકો છે જે સારો અભ્યાસ કરાવે છે તો વિદ્યાર્થીઓ વધુ રૂપિયા ખર્ચીને કોચિંગ ક્લાસમાં જવા કરતા સ્કૂલમાં એડમીશનનો આગ્રહ રાખીને સ્કૂલમાં ભણવું જોઈએ.

ડમી સ્કૂલ વિદ્યાર્થીઓના ભણતર સાથે રમત કરે છે
પ્રાઇવેટ કોચિંગમાં વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને ડમી સ્કૂલમાં સમજીને મૂકે છે. જેના પર સુરતના ખાનગી શાળાના સંચાલક જે.બી. પટેલે જણાવ્યું હતું કે બની બેઠેલી ઘણી બધી ખાનગી કોચિંગ ઇન્સ્ટિટયૂટ વાલીઓને ગેરમાર્ગે દોરીને પોતાના વિદ્યાર્થીનું એડમિશન કરાવડાવે છે. તેઓ વાલીઓને મોટી મોટી વાતો કરીને તમામ ભણતર અહીંથી જ આપવામાં આવશે તેમ કહીને તેમના ભણતર સાથે રમત કરે છે. આવા ઇન્સ્ટિટયૂટ્યોની વાતોમાં આવીને વાલીઓ શાળાઓમાં ડમી એડમિશન કરે છે અને અભ્યાસ આવી ઇન્સ્ટિટયૂટમાંથી મેળવે છે.

સુરતના ખાનગી શાળાના સંચાલક જે.બી. પટેલ.

સુરતના ખાનગી શાળાના સંચાલક જે.બી. પટેલ.

એક વિદ્યાર્થી JEEની પરીક્ષામાં પાસ, 12 સાયન્સમાં નાપાસ
જે.બી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં બાળકોનો વિકાસ રૂંધાઈ જાય છે. એવો પણ કિસ્સો મારી સમક્ષ આવ્યો છે જેમાં ડમી સ્કૂલની વાતમાં આવીને વાલીએ તેના બાળકને આવા ઇન્સ્ટિટયૂટમાં એડમિશન કરાવ્યું હતું અને આ વિદ્યાર્થી JEEની પરીક્ષામાં પાસ થઈ ગયો પરંતુ 12 સાયન્સની પરીક્ષામાં જ નાપાસ થઈ ગયો હતો.

ભૂતિયા સ્કૂલ અંગે શિક્ષણ વિભાગ અજાણ નથી
શિક્ષણવિદ કિરીટ જોશીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 બાદ JEE અને NEETની પરીક્ષા આપવાની હોય છે, જેમાં CBSE અને પાઠ્યુ પુસ્તકના અભ્યાસક્રમ મુજબ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓની ભ્રમિત કરવામાં આવે છે. સેંકડો વિદ્યાર્થીઓ જોડાઇ છે, જેમાંથી 2થી 5 ટકા જ પરિણામ આવે છે. વાલીઓ પણ ભ્રમિત થાય છે. હજુ એવી સ્કૂલો છે જ્યાં ભણાવે તો ટ્યુશનની જરૂર પડતી નથી, પરંતુ વાલી ત્યાં એડમીશન મેળવતા નથી. ક્લાસના માલિક ભૂતિયા વિદ્યાર્થીઓ દાખલ કરાવે છે. જેનાથી વિદ્યાર્થીઓનું જીવન બગડે છે. ભૂતિયા સ્કૂલ અંગે શિક્ષણ વિભાગ અજાણ નથી, ત્યાં આંખ આડા કાન થઈ રહ્યા છે.

Previous Post Next Post