વડોદરા33 મિનિટ પહેલા
- કૉપી લિંક
બંધ મકાનમાંથી ચોરી કરનાર તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સનફાર્મા રોડ પર રહેતું પરિવાર સામાજિક પ્રસંગમાં ગયું હતું. તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગી અને રોકડ સહિત રૂપિયા 12 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. પરિવારના બંધ મકાનમાંથી લાખ્ખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી જનાર તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ થયા છે. આ બનાવ અંગે પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
બંધ મકાનના તાળાં તોડયા
મળેલી માહિતી પ્રમાણે શહેરના જે.પી. પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા સનફાર્મા રોડ ખાતે આવેલ એ-8, ડિવાઇન કાઉન્ટી ડુપ્લેક્ષમાં હર્ષદભાઈ તડજાભાઇ મકવાણા પરિવાર સાથે રહે છે. અને પાદરા ખાતે ઓએનજીસીમાં ફરજ બજાવે છે. તેઓ પરિવાર સાથે તા.24મીના રોજ છાણી વિસ્તારમાં રહેતા તેમના સાળાના ઘરે વાસ્તુ પૂજન હોવાથી મકાનને તાળું મારીને ગયા હતા. દરમિયાન તસ્કરોએ મકવાણા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી સોના-ચાંદી દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૂપિયા 12 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે ડિવાઇન કાઉન્ટી ડુપ્લેક્ષ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મકાનના કબાટમાં મુકેલા દાગીના તસ્કરો ચોરી ગયા
પરિવાર દોડી આવ્યું
મકાન માલિક હર્ષદભાઈ મકવાણાની પત્ની મંજુલાબેને જાણવ્યું હતું કે, અમે મારા નાના ભાઈના ઘરે વાસ્તુ પૂજન હોવાથી છાણી ખાતે તેમના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાં રોકાઈ ગયા હતા. ત્યારે મારા મોબાઇલ પર સોસાયટીમાં ચોરી થઇ હોવાનો મેસેજ આવતા પાડોશીને અમારા ઘરે તપાસ કરવા માટે જણાવ્યું હતું. આથી પાડોશીએ તપાસ કરતા મકાનનું તાળું તૂટેલું જણાઇ આવ્યું હતું. પાડોશીએ મકાનના તાળાં તુટેલા હોવાનું જણાવતા તુરતજ ઘરે પરત ફર્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
મકાન માલિક હર્ષદભાઈ મકવાણાએ જણાવ્યું હતું તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડ્યા બાદ ઇન્ટર લોક તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. અને મકાનના ડ્રોઅરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા છે. આ ચોરીની ઘટના બાદ સી.સી. ટી.વી. ફૂટેજ તપાસતા પાંચ જેટલા તસ્કરો જણાઇ આવ્યા છે. આ અંગે જે.પી. પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.