રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા અમી ચોલેરા પાસેથી કુલ 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો રૂ.1.23 લાખનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સપ્લાયર તરીકે જલાલ તાલબ કાદરીનું નામ ખુલતા તેની ધરપકડ કરી જેલ ખાતે મોકલી દેવાયો હતો. આ પછી આ કેસમાં ચાર્જશીટ રજૂ થઈ જતા જલાલે એન.ડી.પી.એસ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ હતી જેમાં આરોપીના એડવોકેટે કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરાયો હતો.
રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા માલિયાસણ ગામે રહેતા કંચનબેન અશોકભાઈ પરમાર નામના 39 વર્ષના મહિલા ગઈકાલે રાત્રિના સમયે તેમના પુત્ર સંજયની બાઈક પાછળ બેસી લીંબડી માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે બેટી ગામના પુલ પાસે ચાલુ બાઈકે ચક્કર આવી જતા કંચનબેન બાઈક પરથી નીચે પટકાયા હતા અને તેઓને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જો કે અહીં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કંચનબેનને બે પુત્ર બે પુત્રી છે. તેમજ પતિ મજૂરી કામ કરે છે. આ અંગે એરપોર્ટ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલનગરમાં મહર્ષિ અરવિંદ ટાઉનશિપ પાસે આવેલી કર્ણાવતી સ્કૂલ સામે ઉભા રહીને મોબાઈલમાં શંકાસ્પદ હરકત કરી રહેલા દીપક નટવરલાલ પોપટ (ઉવ.43) ની અટકાયત કરી તેના મોબાઈલની તલાશી લેતાં તેમાંથી બેટબોલ247 ડોટ કોમ નામનું આઈડી મળી આવ્યું હતું. જેમાં તે લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. ક્રિકેટ સટ્ટા ઉપરાંત દીપક એ જ આઈડીમાં 20-20 તીનપત્તી-બી નામની જુગાર ગેઈમ પણ રમી રહ્યો હતો. આ પછી પોલીસે દીપક પોપટની ધરપકડ કરી તેનો મોબાઈલ કબજે કર્યો છે. દીપકને સટ્ટો રમવા માટે બેટબોલ247 ડોટ કોમ નામનું આઈડી કયા બુકીએ આપ્યું તેની પણ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના બજરંગવાડીમાં આવેલ રાજીવનગર શેરી નં.24માં રહેતાં હલીમાબેન મહમદભાઈ સમા (ઉ.વ.60) ગઈકાલે ઘરે હતાં ત્યારે રાત્રીના સમયે બીમારીની દવા પીવા માટે તેમની પૌત્રીને પાણી ભરી આપવા માટે કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા તેના પુત્ર કાદર અને પુત્રવધુ સેહનાઝે અમારી દીકરીને પાણી ભરવાનું કેમ કહ્યું કહી ઝઘડો કરી લાકડીથી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી જેને લઇ પોલીસે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની સગીરાને તેના ઘરેથી લગ્નની લાલચ આપી અપહરણ કરી નાસી છૂટનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે બિહાર રાજ્યમાંથી સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી પરત ગુજરાત રાજ્યમાં રાજકોટ રહેતા તેના વાલીને સોંપવામાં આવેલ છે જયારે આરોપી રાજદેવકુમાર પાસવાન (ઉ.વ.21) ની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સગીરાને 11 એપ્રિલ 2023 ના રોજ તેના ઘરેથી સવારે લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાનું સામે આવ્યું છે.