પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ રાજકોટમા નિવાસ કરતા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર અપાયા | 13 persons who migrated from Pakistan and settled in Rajkot were given Indian citizenship | Times Of Ahmedabad

રાજકોટ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમાં નિવાસ કરતા 13 વ્યક્તિઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે વર્ષો બાદ ભારતીય નાગરિકતાને હાંસિલ કરીને તમામ પાકિસ્તાનીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમને પોતાના સમજી ભારતીય નાગરિકતા આપવા બદલ તમામ નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ તકે ગૃહમંત્રીએ સૌને આવકાર્યા હતા.

13 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે છે, જેના ભાગરૂપે 13 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ છે. આ સાથે મીઠાઈ ખવરાવી તેમણે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા બધા લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો

આ તકે પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ભારતીય નાગરિકતા પત્ર પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી મહેસુસ થઈ
બીજીતરફ ગીતાબેન પરમારે જણાવ્યું કે, આજે મને ભારતીય નાગરિકતા પત્ર પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી મહેસુસ થઈ રહી છે. વર્ષ 2010માં સપરિવાર અમે ભારત આવ્યા હતા. ભારતના લોકોની જીવન શૈલી, રહેણી-કરણી તેમજ શાંત વાતાવરણ જોઈને હું ખુબ પ્રભાવિત થઈ છું. ભારતમાં ખુબ જ સારું જીવન જીવી રહ્યા છીએ. અહીંના રોજિંદા જીવનમાં પાકિસ્તાન કરતા વધુ સુરક્ષા અનુભવું છું. જે બદલ હું ગુજરાત સરકારની ખુબ જ આભારી છું.

ભારતીય નાગરિકતા આપવા માટે ગુજરાત સરકારનો આભારી
પ્રેમજીભાઈ ડુંગરખીયાએ જણાવ્યું કે, હું પાકિસ્તાનના કરાંચીમાં વસવાટ કરતો હતો. પાકિસ્તાનમાં ખુબ હેરાન થયા બાદ ભારત આવવાનું નક્કી કર્યું અને આજે ભારત આવ્યે મને 14 વર્ષ થઈ ગયાં છે. ભારતીય નાગરિકતાનો પત્ર મળવાથી મને આજે મેટ્રિક અને ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કર્યા જેટલી ખુશી થઇ છે. ભારત આવીને શૂન્યમાંથી શરૂઆત કરી હતી. ત્યારે આજે હું ભારતીય નાગરિકતા આપવા માટે ગુજરાત સરકારનો આભારી છું.